03 November, 2023 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાનખેડેમાં ગઈ કાલે ‘વન ડે 4 ચિલ્ડ્રન’ અભિયાનના ભાગરૂપે પ્રેક્ષકોની જેમ સચિન અને મુરલીધરને પણ LED રિસ્ટબૅન્ડ પહેર્યું હતું અને એ સમયે આખું સ્ટેડિયમ બ્લુ લાઇટથી ઝળકી ઊઠ્યું હતું. ગેટી ઇમેજિસ
વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે રોહિત શર્માની કૅપ્ટન્સીમાં ‘મેન ઇન બ્લુ’એ પાડોશી દેશ શ્રીલંકાને ૩૦૨ રનથી હરાવીને વર્લ્ડ કપમાં પોતાની સૌથી મોટી જીત મેળવી એને સ્ટેડિયમમાં બેઠેલા હજારો ‘બ્લુ’ પ્રેક્ષકોએ માણી હતી. પ્રેક્ષકો માટે બ્લુ શબ્દનો ઉપયોગ કરવા પાછળનો મતલબ એ છે કે ફુલ-પૅક્ડ સ્ટેડિયમ (જેની સત્તાવાર કૅપેસિટી ૩૨,૦૦૦ની છે)માં મોટા ભાગના પ્રેક્ષકો બ્લુ જર્સીમાં સજ્જ હતા જ, ભારતની ઇનિંગ્સ બાદ એક બ્રેક દરમ્યાન સ્ટેડિયમમાં સર્વત્ર બ્લુ લાઇટ જોવા મળી હતી.
આ મૅચ જોવા આવનાર દરેકને LED રિસ્ટબૅન્ડ આપવામાં આવ્યા હતા જે સ્ટેડિયમભરના બ્લુ લાઇટ શો સાથે સિન્ક્ડ કરાતાં બધે બ્લુ લાઇટના ઝગમગાટ જોવા મળ્યા હતા. આઇસીસી અને યુનિસેફે બીસીસીઆઇ તેમ જ શ્રીલંકન બોર્ડના સહયોગમાં ‘વન ડે 4 ચિલ્ડ્રન’ અભિયાનના આયોજન હેઠળ આ બ્લુ લાઇટ શો રાખ્યો હતો. આ અભિયાનને મુંબઈ ક્રિકેટ અસોસિએશનનો પણ સપોર્ટ હતો. આ અભિયાનનો ઉદ્દેશ પ્રત્યેક બાળકના જીવન તથા વિકાસ માટે આશા અને સપોર્ટનો સંદેશ આપવાનો હતો. આઇસીસી તથા યુનિસેફના ઍમ્બેસેડર્સ સચિન તેન્ડુલકર અને મુથૈયા મુરલીધરન તેમ જ અન્ય કેટલાકે મેદાન પર ચક્કર લગાવીને પોતાની જેમ પ્રેક્ષકોને પણ રિસ્ટબૅન્ડની બ્લુ લાઇટ માટે પ્રોત્સાહિત કર્યા હતા.
શ્રીલંકન ટીમના પ્લેયર્સે થોડા દિવસ પહેલાં અવસાન પામેલા ટીમના સૌથી મોટા ફૅન ‘અંકલ પર્સી’ની સ્મૃતિમાં હાથ પર કાળી પટ્ટી પહેરી હતી.
ઐયરની સિક્સરમાં બૉલ આવ્યો બીજા માળે પ્રેસ બૉક્સની લગોલગ
ગઈ કાલે વાનખેડેને સૌથી વધુ શ્રેયસ ઐયરે ગઈ કાલે ગજાવ્યું હતું. તેણે ત્રણ ફોર ઉપરાંત છ સિક્સર પણ ફટકારી હતી. તેની શરૂઆતની સિક્સર્સમાંની એક સિક્સર બીજા માળ પરના પ્રેસ બૉક્સની નજીકની એક છત પર પડ્યો હતો. ૧૦૦-પ્લસ મીટર ઊંચી આ સિક્સર બાદ બૉલ ત્યાં જ પડ્યો હતો અને અમ્પાયરે બીજો બૉલ શ્રીલંકન ટીમને આપ્યો હતો.