03 November, 2023 12:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શમીએ આ વર્લ્ડ કપમાં ત્રીજી વાર મોટી સંખ્યામાં વિકેટ લીધી : ન્યુ ઝીલૅન્ડ સામે ૫૪માં પાંચ, ઇંગ્લૅન્ડ સામે બાવીસમાં ચાર, શ્રીલંકા સામે ૧૮માં પાંચ (તસવીર : પી.ટી.આઇ.)
ગઈ કાલના હીરો મોહમ્મદ શમીએ આ વર્લ્ડ કપમાં બીજી વાર પાંચ વિકેટ લઈને શ્રીલંકનોને ૫૫ રનમાં તંબુ ભેગા કર્યા. ૩૦૨ રનથી ટીમ ઇન્ડિયાને અપાવ્યો વિજય. માત્ર ત્રણ મૅચમાં ૧૪ વિકેટ લેનારા શમીનો વર્લ્ડ કપમાં છે બેસ્ટ સ્ટ્રાઇક રેટ
ભારતીય ટીમ ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં ‘સાતમા આસમાને’ હતી. લાગલગાટ સાત મૅચ જીતીને રોહિત શર્મા ઍન્ડ કંપનીએ ટેબલ-ટૉપ સાથે સેમી ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. ભારતે શ્રીલંકાને ૩૦૨ રનથી હરાવ્યું હતું જે વર્લ્ડ કપમાં ભારતનો હાઇએસ્ટ અને તમામ ટીમોમાં (નેધરલૅન્ડ્સ સામે ઑસ્ટ્રેલિયાની ૩૦૯ રનથી જીત) સેકન્ડ-બેસ્ટ વિજયી માર્જિન હતો. ભારતના ૩૫૭/૮ના સ્કોર સામે શ્રીલંકાની ટીમ માત્ર પંચાવન રનમાં તંબુ ભેગી થઈ ગઈ હતી. શ્રીલંકાનું વર્લ્ડ કપમાં આ (૫૫ રન) લોએસ્ટ ટોટલ તો છે જ, ૪૮ વર્ષ જૂની આ ટુર્નામેન્ટમાં રમી ચૂકેલા મોટા દેશોમાં એણે બંગલાદેશના લોએસ્ટ ૫૮ રનનો વિશ્ર્વવિક્રમ પણ તોડ્યો છે.
ભારત (૧૪ પૉઇન્ટ, ૨.૧૦૨ રનરેટ) ટેબલમાં મોખરે છે, જ્યારે સાઉથ આફ્રિકા (૧૨ પૉઇન્ટ, ૨.૨૯૦ રનરેટ) બીજા સ્થાને છે. ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડ ૮-૮ પૉઇન્ટ સાથે અનુક્રમે ત્રીજા-ચોથા સ્થાને, જ્યારે પાકિસ્તાન, અફઘાનિસ્તાન ૬-૬ પૉઇન્ટ સાથે પાંચમા-છઠ્ઠા નંબરે છે. ત્યાર પછીના છેલ્લા ચાર ક્રમે શ્રીલંકા, નેધરલૅન્ડ્સ, બંગલાદેશ અને ઇંગ્લૅન્ડ છે.
ટૉસ જીત્યા, મૅચ હાર્યા
૧૨ વર્ષ પહેલાં (૨૦૧૧ની ફાઇનલમાં) ભારતે વાનખેડેમાં શ્રીલંકાને હરાવ્યું હતું અને ગઈ કાલે ફરી એને પરાજય ચખાડ્યો હતો. શ્રીલંકાએ ગઈ કાલે ટૉસ જીતીને ફીલ્ડિંગનો ખોટો નિર્ણય લીધો જે એને ખૂબ ભારે પડ્યો. ભારતે ગિલ (૯૨ રન, ૯૨ બૉલ, બે સિક્સર, અગિયાર ફોર), કોહલી (૮૮ રન, ૯૪ બૉલ, અગિયાર ફોર), શ્રેયસ ઐયર (૮૨ રન, ૫૬ બૉલ, છ સિક્સર, ત્રણ ફોર) અને જાડેજા (૩૫ રન, ૨૪ બૉલ, એક સિક્સર, એક ફોર)ના સૌથી મોટા યોગદાનોની મદદથી ૮ વિકેટે ૩૫૭ રન બનાવ્યા હતા. મદુશન્કાનો (૮૦માં પાંચ)નો પર્ફોર્મન્સ એની ટીમના બૅટર્સની સરિયામ નિષ્ફળતાને કારણે પાણીમાં ગયો હતો.
શમી-સિરાજે ધડબડાટી બોલાવી
શ્રીલંકાની ટીમ ૩૫૮ રનના તોતિંગ લક્ષ્યાંક સામે ૧૯.૪ ઓવરમાં પંચાવનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી જેમાં બોલર કાસુન રજિથાના ૧૪ રન હાઇએસ્ટ હતા. પહેલી બન્ને ઓવરના પ્રથમ બૉલમાં શ્રીલંકાએ વિકેટ ગુમાવી હતી. શમી (૫-૧-૧૮-૫) સૌથી સફળ બોલર હતો, જ્યારે શ્રીલંકનોની છાવણીમાં વારાફરતી સોપો પાડવામાં સિરાજ (૭-૨-૧૬-૩)નો તેને સારો સાથ મળ્યો હતો. બુમરાહે ૮ રનમાં અને જાડેજાએ ૪ રનમાં એક વિકેટ લીધી હતી.
હવે ભારતીયો પાંચમી નવેમ્બરે સાઉથ આફ્રિકા સામે અને બારમી નવેમ્બરે નેધરલૅન્ડ્સ સામે જીતીને ઑલ-વિનનો રેકૉર્ડ રાખવા દૃઢ બનશે.
મોહમ્મદ શમી ભારતીયોમાં વર્લ્ડ કપનો સર્વશ્રેષ્ઠ બોલર
(૧) પેસ બોલર મોહમ્મદ શમી (૫-૧-૧૮-૫)એ ગઈ કાલે ફરી એકવાર પાંચ વિકેટના તરખાટ સાથે ધમાલ મચાવી દીધી. વન-ડે વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતીય બોલર્સે સૌથી વધુ વિકેટ લીધી હોય એમાં ગઈ કાલ પહેલાં ઝહીર ખાન અને જાવાગલ શ્રીનાથ ૪૪-૪૪ વિકેટ સાથે મોખરે હતા, પણ ગઈ કાલે શમીએ ૪૫મી વિકેટ લઈને તેમને પાછળ પાડી દીધા હતા. ઝહીરે ૨૩ મૅચમાં અને જાવાગલે ૩૩ મૅચમાં ૪૪ વિકેટ લીધી હતી, પરંતુ શમીએ ફક્ત ૧૩ મૅચમાં એ રેકૉર્ડો તોડી નાખ્યો છે. બુમરાહ ૩૩ વિકેટ સાથે શમીથી બહુ પાછળ નથી.
(૨) શમીએ વર્લ્ડ કપમાં ત્રીજી વખત પાંચ કે વધુ વિકેટની સિદ્ધિ મેળવી. તેણે એ સાથે વર્લ્ડ કપમાં સૌથી વધુ ફાઇવ-ફોરની મિચલ સ્ટાર્કની સિદ્ધિની બરાબરી પણ કરી લીધી હતી.
(૩) વન-ડેમાં રમી ચૂકેલા ભારતીય બોલર્સમાં ગઈ કાલ પહેલાં સૌથી વધુ વાર એક મૅચમાં પાંચ કે વધુ વિકેટની સિદ્ધિ શ્રીનાથ, હરભજન અને શમીના નામે હતી. ત્રણેયે ત્રણ-ત્રણ વખત પાંચ વિકેટ લીધી હતી, પરંતુ શમીએ ગઈ કાલે ચોથી વખત પાંચ વિકેટ લઈને જાવાગલ, ભજ્જીને પાછળ રાખી દીધા.
(૪) કોહલી ગઈ કાલે ૪૯મી સદી ફટકારીને સચિનના વિશ્ર્વવિક્રમની બરાબરી નહોતો કરી શક્યો, પરંતુ એક કૅલેન્ડર યરમાં સૌથી વધુ સાત વખત ૧૦૦૦થી વધુ રન બનાવવાના તેન્ડુલકરના વિક્રમને તેણે તોડી નાખ્યો હતો. કોહલીના નામે હવે આઠ વાર વર્ષમાં ૧૦૦૦-પ્લસ રન છે.
(૫) શ્રીલંકાના મદુશન્કાની પાંચ વિકેટની સિદ્ધિ વન-ડેના ઇતિહાસમાં સૌથી વધુ ખર્ચાળ બોલિંગ ઍનેલિસિસમાં બીજા નંબરે છે. તેણે પાંચ વિકેટ ૮૦ રનના ખર્ચે લીધી હતી. ઇંગ્લૅન્ડનો આદિલ રાશિદ (૨૦૧૯માં વેસ્ટ ઇન્ડીઝ સામે ૮૫ રનમાં પાંચ) આ યાદીમાં પ્રથમ નંબરે છે.