14 October, 2023 10:17 AM IST | Ahmedabad | Ashwin Ferro
ગઈકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ભારતના ચાહક અશોક ચક્રવર્તી (જમણે) અને પાકિસ્તાનના ચાહક શિકાગો ચાચા
‘શિકાગો ચાચા’ નામે ઓળખાતા પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ફેમસ ફૅન વિશે તમે પરિચિત હશો જ. ગઈ કાલે મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર મિત્રો અને પાકિસ્તાન ટીમતરફી ચાહકો સાથે આજની મૅચની ઉગ્રતા વિશેની ચર્ચામાં મશગૂલ હતા ત્યારે તેમને નજીકમાં જ એક સરપ્રાઇઝનો અનુભવ થયો હતો. કલકત્તાથી આવેલા ટીમ ઇન્ડિયાતરફી અશોક ચક્રવર્તી (જે પોતાને ભારતીય ટીમના સુપરફૅન તરીકે ઓળખાવે છે)એ ભારતીય ટીમની તરફેણમાં અભિપ્રાય આપવાની શરૂઆત કરી હતી.
ચાચાએ પોતે શા માટે પાકિસ્તાનની ટીમની ફેવર કરે છે એ જણાવતાં કહ્યું હતું કે ‘પાકિસ્તાન પાસે બહુ સારો બોલિંગ-અટૅક છે. બીજું, બાબર આઝમ ગ્રેટ કૅપ્ટન છે.’ અશોક ચક્રવર્તીએ તેમને જવાબમાં કહ્યું કે ‘અફઘાનિસ્તાન સામે ફાંકડી સેન્ચુરી ફટકારનાર રોહિત શર્મા ગ્રેટ ફૉર્મમાં છે તેમ જ કોહલી તથા કે. એલ. રાહુલ પણ સારા ફૉર્મમાં છે. બુમરાહના દરેક બૉલ સચોટ હોય છે.’
જોકે પોતાની દલીલ ચડિયાતી નહીં બને એ સમજાઈ જતાં ચાચાએ યુવાન ભારતીય ફૅન ચક્રવર્તી પર શાબ્દિક આક્રમણ કરવાની સાથે થોડા નરમ પડતાં કહ્યું કે ‘તૂ તો અભુ છોડા હૈ, મેરા ભતીજા જૈસા હૈ. કલ જો ભી હો, મૅચ અચ્છા હોના ચાહિએ.’ આવું તેમણે કહ્યા પછી ‘ચાચા-ભતીજા’ એકમેકને ભેટ્યા હતા અને પોતપોતાની ફેવરિટ ટીમ વિશે સ્લોગન પોકારવાનું પાછું શરૂ કરી દીધું હતું.
ટિકિટનાં કાળાબજાર
ગઈ કાલે અમદાવાદના સ્ટેડિયમની આસપાસ તમે જો થોડી મિનિટ પણ ઊભા હોત તો તમારી પાસે ‘સ્પેશ્યલ રેટ’ની ટિકિટો ઑફર કરતી વ્યક્તિ આવી જ હોત. ભારત-પાકિસ્તાનની મૅચની ટિકિટો ઘણા દિવસ પહેલાં જ સોલ્ડ આઉટ હતી, પરંતુ ડઝનબંધ ટિકિટો કાળાબજારિયાઓ પાસે ઉપલબ્ધ હતી. એક બ્લૅક માર્કેટિયર એક યુવા ક્રિકેટપ્રેમીને કહી રહ્યો હતો, ‘સ્ટેડિયમના ઉપલા ભાગના ‘કે’ સ્ટૅન્ડની એક ટિકિટના ૧૩,૦૦૦ રૂપિયા છે, પણ હું તમને ૨૫,૦૦૦ રૂપિયામાં બે ટિકિટ આપીશ.’ આ સ્ટૅન્ડની એક ટિકિટનો સત્તાવાર ભાવ ૨૧૦૦ રૂપિયા છે અને બ્લૅકમાં એ ૧૦ ગણા ભાવે વેચતો હતો.