વિરાટ કોહલી @ 50 : સેન્ચુરીની હાફ સેન્ચુરીનો રેકૉર્ડ કદાચ કોઈ નહીં તોડી શકે

16 November, 2023 10:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોહિત શર્માએ ક્રિસ ગેઇલના સિક્સરવાળા બે રેકૉર્ડ તોડ્યા : શ્રેયસ ઐયર નૉકઆઉટનો ફાસ્ટેસ્ટ સેન્ચુરિયન

ગઈ કાલે સદી પૂરી કર્યા પછી અનુષ્કાએ ફ્લાઇંગ કિસ આપી એટલે વિરાટે જવાબમાં એ જ રીતે સેન્ચુરી સેલિબ્રેટ કરી હતી. તસવીર: સતેજ શિંદે

વિરાટ કોહલીએ ગઈ કાલે વન-ડે ક્રિકેટમાં એવી અજોડ સિદ્ધિ મેળવી જે પ્રત્યેક ભારતીય માટે ગૌરવપૂર્ણ છે અને તેણે રચેલો આ વર્લ્ડ રેકૉર્ડ વર્ષોવર્ષ કોઈ તોડી શકે એમ નથી. સચિન તેન્ડુલકરે ૨૦૧૩માં રિટાયર થતાં પહેલાં ૨૦૧૨માં છેલ્લી એટલે કે ૪૯મી સેન્ચુરી કરી હતી અને ગઈ કાલ સુધી તેનો એ વર્લ્ડ રેકૉર્ડ અકબંધ રહ્યો હતો. જોકે વિરાટ કોહલીએ વાનખેડેમાં (સચિનના જ હોમ-ગ્રાઉન્ડમાં) તેનો એ રેકૉર્ડ તોડી નાખ્યો હતો. એટલું જ નહીં, કોહલીએ માસ્ટર બ્લાસ્ટરનો વિક્રમ તોડીને જે સ્ટૅન્ડમાં તે બેઠો હતો એ તરફ જઈને તેને નમન કરીને તેનું સન્માન કર્યું હતું. સ્ટૅન્ડમાંથી સચિને તેને આ અપ્રતિમ સિદ્ધિ મેળવવા બદલ ખૂબ બિરદાવ્યો હતો.

સચિનની ધારણા અક્ષરશ: સાચી પડી

કોહલી (૧૧૭ રન, ૧૧૩ બૉલ, બે સિક્સર, નવ ફોર) વન-ડેમાં ૫૦ સદી ફટકારી ચૂકેલો હવે વિશ્વનો એકમાત્ર બૅટર છે. તેણે ગઈ કાલે સેન્ચુરીની હાફ સેન્ચુરી પૂરી કરીને વન-ડે ક્રિકેટને ફરી ચેતનમય કરી દીધી હતી. તેણે ૫ નવેમ્બરે કલકત્તામાં સાઉથ આફ્રિકા સામે જ્યારે ૪૯મી સદી ફટકારી હતી ત્યાર બાદ સચિને ટ‍્વિટર પર તેના માટે આ પ્રમાણે લખ્યું હતું ઃ વેલ પ્લેઇડ વિરાટ. આ વર્ષની શરૂઆતમાં મને (જીવનના) ૪૯મા પરથી ૫૦મા નંબર પર જતાં ૩૬૫ દિવસ લાગ્યા હતા, પણ મને આશા છે કે મારો રેકૉર્ડ તોડવામાં તને ૪૯ ઉપરથી ૫૦ ઉપર જતાં થોડા જ દિવસ લાગશે.’ લિટલ ચૅમ્પિયનની ધારણા સાચી પડી, કારણ કે કોહલીએ લેવલ થયેલો રેકૉર્ડ દસ જ દિવસમાં તોડી નાખ્યો.

કોહલી હવે સંગકારા-પૉન્ટિંગની હરોળમાં

વર્લ્ડ કપમાં કોહલીની આ પાંચમી સદી હતી. એ સાથે તે કુમાર સંગકારા અને રિકી પૉન્ટિંગની બરાબરીમાં થઈ ગયો છે. આ લિસ્ટમાં રોહિત સાત સદી સાથે મોખરે છે.

પહેલી વાર ત્રણ બૅટર્સના ૫૦૦-પ્લસ

વર્લ્ડ કપમાં એક જ ટીમના ત્રણ બૅટર્સના ૫૦૦થી વધુ રન થયા હોવાની ઘટના પહેલી વાર બની છે ઃ કોહલી (૭૧૧), રોહિત (૫૫૦), શ્રેયસ (૫૨૬).

સદી પહેલાં સચિનના બે ‘વિક્રમ’ તોડ્યા

કોહલીએ ગઈ કાલે વન-ડેની સૌથી વધુ ૪૯ સદીનો સચિનનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો એ પહેલાં આ વિશ્વકપમાં ૬૭૪મો રન બનાવ્યો ત્યારે તેનો એક વિશ્વવિક્રમ પાર કર્યો હતો. એક વર્લ્ડ કપમાં સૌથી વધુ ૬૭૩ રન બનાવવાનો સચિનનો (૨૦૦૩ની સાલનો) વિક્રમ હતો જે કોહલીએ તોડી નાખ્યો હતો. કોહલીના ખાતે હવે ૭૧૧ રન છે અને એક વર્લ્ડ કપમાં ૭૦૦ રન બનાવનારો તે એકમાત્ર બૅટર છે. મૅથ્યુ હેડન ૬૫૯ રન સાથે ત્રીજા નંબરે છે. કોહલી માત્ર આ વર્લ્ડ કપમાં જ નહીં, પણ વર્લ્ડ કપના ઇતિહાસમાં (એક વિશ્વકપ ટુર્નામેન્ટમાં) ૮ વખત ફિફ્ટી-પ્લસ રન બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો છે. તેણે સચિન, શાકિબના ૭-૭ ફિફ્ટી-પ્લસ સ્કોર્સનો રેકૉર્ડ ગઈ કાલે તોડી નાખ્યો.

રોહિતે ગેઇલના બે વિક્રમ તોડ્યા

ઓડીઆઇ વર્લ્ડ કપમાં હવે સૌથી વધુ ૫૧ સિક્સર રોહિત શર્માના નામે છે. તેણે ગેઇલ (૪૯)નો આ વિશ્વવિક્રમ તો તોડ્યો જ છે, રોહિતે ૫૧માંની ૨૮ સિક્સર આ વખતના વર્લ્ડ કપમાં ફટકારી અને એ રીતે તેણે એક વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૨૬ છગ્ગા ફટકારવાનો ગેઇલનો ૨૦૧૫ની સાલનો વર્લ્ડ રેકૉર્ડ પણ તોડી નાખ્યો છે.

શ્રેયસની સદી નૉકઆઉટમાં સૌથી ઝડપી

શ્રેયસ ઐયરે ગઈ કાલે ૬૭ બૉલમાં સેન્ચુરી પૂરી કરી હતી. વર્લ્ડ કપના નૉકઆઉટ રાઉન્ડમાં તેણે ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો ગિલક્રિસ્ટ (૨૦૦૭ની શ્રીલંકા સામેની ફાઇનલમાં ૭૨ બૉલમાં સદી)નો વિશ્વવિક્રમ તોડ્યો હતો.

15

સચિન ૨૦૧૩માં આટલામી નવેમ્બરે કરીઅરની છેલ્લી ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો. ગઈ કાલે પણ એ જ તારીખ હતી અને કોહલીએ જાણે તેના વિક્રમો તોડવા એ જ તારીખ પસંદ કરી.

397

ભારતના ૪ વિકેટે બનેલા આટલા રન વન-ડેની તમામ નૉકઆઉટ મૅચોમાં હાઇએસ્ટ છે. ન્યુ ઝીલૅન્ડનો વેસ્ટ ઇન્ડીઝ સામેનો ૩૯૩/૬નો વિક્રમ તૂટ્યો છે.

100

ટિમ સાઉધી વન-ડે મૅચમાં આટલાથી વધુ રન બે વખત આપનાર વિશ્વનો પ્રથમ બોલર છે.

વન-ડેના ટોચના સેન્ચુરી-મેકર્સ
ક્રમ    નામ       ઇનિંગ્સ  સેન્ચુરી
૧    કોહલી    ૨૭૯    ૫૦
૨    સચિન    ૪૫૨    ૪૯
૩    રોહિત    ૨૫૩    ૩૧
૪    પૉન્ટિંગ    ૩૬૫    ૩૦
૫    જયસૂર્યા    ૪૩૩    ૨૮
૬    અમલા    ૧૭૮    ૨૭
૭    ડિવિલિયર્સ    ૨૧૮    ૨૫
૮    ગેઇલ    ૨૯૪    ૨૫
૯    સંગકારા    ૩૮૦    ૨૫
૧૦    દિલશાન    ૩૦૩    ૨૨
૧૧    ગાંગુલી    ૩૦૦    ૨૨
૧૨    વૉર્નર    ૧૫૭    ૨૨
૧૩    ડિકૉક    ૧૫૪    ૨૧
૧૪    ગિબ્સ    ૨૪૦    ૨૧
૧૫    ટેલર    ૨૨૦    ૨૧
નોંધ : (૧) ઉપર જણાવેલા પંદર પ્લેયર્સમાં કોહલી, રોહિત, વૉર્નર, ડિકૉકને બાદ કરતાં બાકીના બૅટર્સ નિવૃત્તિ લઈ ચૂક્યા છે. (૨) વૉર્નર હવે રિટાયરમેન્ટની લગોલગ છે. (૩) રૉસ ટેલર પછીના 
૧૬મા ક્રમે નિવૃત્ત પ્લેયર સઇદ અનવર (૨૦ સદી) અને ૧૭મા સ્થાને બાબર આઝમ (૧૯ સદી) છે.

virat kohli shreyas iyer mohammed shami rohit sharma indian cricket team world cup india new zealand cricket news sports sports news