આજે ૨૦૧૯ની બે ટાઇના માસ્ટર્સ ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડની ટક્કર સાથે વર્લ્ડ કપનો આરંભ

05 October, 2023 08:20 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

પહેલી વાર વર્લ્ડ કપની મૅચ વિશ્વના સૌથી મોટા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે : તખ્તો એકદમ તૈયાર છે

સ્ટેડિયમ છે તૈયાર

૨૦૧૯ની ૧૪ જુલાઈએ લૉર્ડ‍્સમાં ભલભલા ગણતરીબાજના કૅલ્યુકેશન્સ ખોટા પાડી દેનાર તેમ જ અનેક બુકીઓને ડુબાડી દેનાર અને પન્ટરોના બાર વગાડી દેનાર બારમા વન-ડે વર્લ્ડ કપની બે ટાઇવાળી જે અભૂતપૂર્વ ફાઇનલ રમાઈ હતી એની બે ટીમો ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે આજે તેરમા વિશ્વકપની પ્રથમ મૅચમાં પ્રારંભિક મુકાબલો થશે. બન્ને દેશ વચ્ચે છેલ્લાં ચાર વર્ષમાં કેટલાક મુકાબલા થયા હશે અને બન્ને ટીમે અન્ય હરીફોને પડકારી હશે, પરંતુ આજે તેઓ ફરી સામસામે આવી જતાં એમની વચ્ચે લૉર્ડ‍્સની એ અવિસ્મરણીય ફાઇનલની યાદ જરૂર તાજી થશે.
૨૦૧૯ની ફાઇનલમાં કેન વિલિયમસનની આગેવાનીમાં ન્યુ ઝીલૅન્ડે ૮ વિકેટે ૨૪૧ રન બનાવ્યા બાદ ઇયોન મૉર્ગનના સુકાનમાં ઇંગ્લૅન્ડ ૨૪૧ રને ઑલઆઉટ થતાં મૅચ ટાઇ થઈ હતી. ન્યુ ઝીલૅન્ડ આ મૅચ જીતવા માટે ફેવરિટ હતું અને ડિઝર્વ પણ કરતું હતું, પરંતુ સુપર ઓવરમાં ઇંગ્લૅન્ડે વિના વિકેટે ૧૫ રન બનાવ્યા પછી ન્યુ ઝીલૅન્ડે પણ એક વિકેટે ૧૫ રન બનાવતાં મૅચ ફરી ટાઇ થઈ હતી. ન્યુ ઝીલૅન્ડની ૧૭ સામે ઇંગ્લૅન્ડની ૨૬ બાઉન્ડરીઝ હતી અને એને વિજેતા જાહેર કરાયું હતું. નસીબવંતો બેન સ્ટોક્સ એ ફાઇનલનો સુપરહીરો હતો.

વર્લ્ડ કપમાં ન્યુ ઝીલૅન્ડે ઇંગ્લૅન્ડને છેલ્લે ૨૦૧૫માં હરાવ્યું હતું. જોકે ઇંગ્લૅન્ડ તાજેતરમાં જ એને ઉપરાઉપરી ત્રણ વન-ડેમાં હરાવીને અને સિરીઝ ૩-૧થી જીતીને વર્લ્ડ કપમાં ફરી એની સામે આજે આવી રહ્યું છે.

બન્ને દેશની સંભવિત ઇલેવન

ઇંગ્લૅન્ડ : જૉસ બટલર (કૅપ્ટન, વિકેટકીપર), જૉની બેરસ્ટૉ, ડેવિડ મલાન, જો રૂટ, બેન સ્ટોક્સ/હૅરી બ્રુક, લિઆમ લિવિંગસ્ટન, સૅમ કરૅન, ક્રિસ વૉક્સ, માર્ક વુડ, આદિલ રાશિદ, રીસ ટૉપ્લી.
ન્યુ ઝીલૅન્ડ : ટૉમ લૅથમ (કૅપ્ટન, વિકેટકીપર), વિલ યંગ, ડેવોન કૉન્વે, ડેરિલ મિચલ, ગ્લેન ફિલિપ્સ, જેમ્સ નીશામ, મિચલ સૅન્ટનર, ઈશ સોઢી, મૅટ હેન્રી, લૉકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ.

શું તમે જાણો છો?

(૧) ૧૯૯૨ના વર્લ્ડ કપમાં એકેય ભારતીયની સદી નહોતી. ૧૯૭૫, ૧૯૭૯માં પણ આવું બન્યું હતું. જોકે અન્ય વિશ્વકપમાં ક્યારે કોની સદી એ જાણીએ ઃ ૧૯૮૩ (કપિલ), ૧૯૮૭ (ગાવસકર), ૧૯૯૬ (સચિન), ૧૯૯૯ (સચિન), ૨૦૦૩ (સચિન), ૨૦૦૭ (સેહવાગ), ૨૦૧૧ (સેહવાગ), ૨૦૧૫ (કોહલી) અને ૨૦૧૯ (રોહિત).
(૨) ૧૯૯૯ના વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ઇનિંગ્સમાં સ્કૉટલૅન્ડના પ્લેયર્સે ૩૩ વાઇડ, ૧૫ નો-બૉલ સહિત કુલ ૫૯ એક્સ્ટ્રા રન આપ્યા હતા. ત્યાર બાદ સ્કૉટલૅન્ડની ઇનિંગ્સમાં ૧૭ વાઇડ, ૮ નો-બૉલ સહિત કુલ ૩૭ એક્સ્ટ્રા રન હતા. એ રેકૉર્ડબ્રેક મૅચમાં મિસ્ટર એક્સ્ટ્રા (૯૬) ચાર રન માટે સેન્ચુરી ચૂકી ગયો હતો.
(૩) નેધરલૅન્ડ‍્સના પંચાવન વર્ષના ટિમ ડી  લીડે અગાઉના વર્લ્ડ કપ (૧૯૯૬)ની ટીમમાં હતા. હવે તેમનો ૨૩ વર્ષનો પુત્ર બાસ ડી લીડે આ વખતના વિશ્વકપમાં રમશે. વિશ્વકપમાં પિતા-પુત્રનો સાતમો કિસ્સો બન્યો કહેવાશે.

પાંચ બૅટર્સ પર નજર

શુભમન ગિલ (૩૫ વન-ડેમાં ૧૯૧૭ રન, ૨૦૨૩નો નંબર-ટૂ બૅટર)
બાબર આઝમ (૧૦૮ વન-ડેમાં ૫૪૦૯ રન, ૨૦૨૩નો નંબર-વન બૅટર)
સ્ટીવ સ્મિથ (૧૪૫ વન-ડેમાં ૫૦૫૪ રન)
બેન સ્ટોક્સ (૧૦૮ વન-ડેમાં ૩૧૫૯ રન, ૭૪ વિકેટ)
ડેવોન કૉન્વે (૨૨ વન-ડેમાં ૮૭૪ રન, કુલ ૧૧ કૅચ)

આજની મૅચ 

ઇંગ્લૅન્ડ v/s ન્યુ ઝીલૅન્ડ, બપોરે ૨.૦૦ વાગ્યે, અમદાવાદ

આવતી કાલની મૅચ

પાકિસ્તાન v/s નેધરલૅન્ડ્સ, બપોરે ૨.૦૦ વાગ્યે, હૈદરાબાદ

world cup england new zealand ahmedabad motera stadium cricket news sports sports news