ઇંગ્લૅન્ડ અને નેધરલૅન્ડ્સ, આજે બન્નેનું લક્ષ્ય ચૅમ્પિયન્સ ટ્રોફી

08 November, 2023 01:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હતાશ ડિફેન્ડિંગ ચૅમ્પિયને ચૅમ્પિયન્સ ટ્રોફી માટેની આશા જીવંત રાખવા અને માનભેર ઘરે પાછા જવા માટે નેધરલૅન્ડ‍્સ સામે જીતવું જરૂરી : ડચ ટીમ સામે બટલર ઍન્ડ કંપનીનો ઇજ્જત કા સવાલ

ગઈ કાલે પુણેના મેદાન પર પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન ઇંગ્લૅન્ડના બેન સ્ટોક્સ, આદિલ રાશિદ અને જૉની બેરસ્ટો (તસવીર : એ.એફ.પી.)

સેમી ફાઇનલની રેસમાંથી બહાર થઈ ગયેલી બે હતાશ ટીમ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ અને નેધરલૅન્ડ્સ વચ્ચે આજે પુણેમાં જંગ (બપોરે ૨.૦૦ વાગ્યે) જામવાનો છે. બન્ને ટીમે હતાશા ખંખેરીને ૨૦૨૫માં પાકિસ્તાનમાં રમાનારી ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ક્વૉલિફાય થવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

વર્લ્ડ કપની ટ્રોફી જાળવી રાખવાનું સપનું તો ઇંગ્લૅન્ડનું તૂટી ગયું છે, પણ હતાશ થઈને બેસી રહેવાનું તેમને પરવડી શકે એમ નથી. ઇંગ્લૅન્ડ હાલમાં સાત મૅચમાં માત્ર એક જ જીત સાથે પૉઇન્ટ ટેબલમાં માત્ર બે પૉઇન્ટ સાથે નામોશીભર્યા છેલ્લા અને ૧૦મા ક્રમાંકે છે. ચૅમ્પિયન્સ ટ્રોફી માટે એણે લીગ રાઉન્ડના અંતે ટૉપ-એઇટમાં રહેવું જરૂરી છે. જો ઇંગ્લૅન્ડ આજે નેધરલૅન્ડ્સને હરાવી દે અને પછી છેલ્લી મૅચમાં પાકિસ્તાનને પણ હરાવી દે અને બીજી તરફ શ્રીલંકા તેની છેલ્લી લીગમાં ન્યુ ઝીલૅન્ડ સામે હારી જાય તો ઇંગ્લૅન્ડ ટૉપ-એઇટમાં પ્રવેશ કરી શકે છે અને ચૅમ્પિયન્સ ટ્રોફીના દરવાજા તેમને માટે ખૂલી શકે છે.

ડચ ટીમ બ્રિટિશરોથી આગળ

બીજી તરફ, નેધરલૅન્ડ્સ બે જીતના ચાર પૉઇન્ટ સાથે ઇંગ્લૅન્ડ કરતાં ઉપર નવમા ક્રમાંકે છે. તેઓ પણ આજે હતાશ ઇંગ્લૅન્ડને હરાવવામાં કોઈ કસર બાકી નહીં રાખે, કેમ કે આજની જીત તેમની ચૅમ્પિયન્સ ટ્રોફી માટેની દાવેદારી મજબૂત કરી શકે છે.

નેધરલૅન્ડ‍્સ સામે પણ ફેવરિટ નથી

૨૦૧૯ના વર્લ્ડ કપમાં ઘરઆંગણે કમાલ કરીને ચૅમ્પિયન બનનાર ઇંગ્લૅન્ડ આ વખતે એક પણ મૅચમાં ચૅમ્પિયન્સ પર્ફોર્મન્સ નથી કરી શક્યું અને ક્યારેય ન હાર્યા હોય એટલી મૅચો તેઓ આ વખતે હારી ગયા છે. હાલની તેમની મનોદશા જોતાં તેઓ આજે નેધરલૅન્ડ્સ જેવી ટીમ સામે પણ જીતવા માટે ફેવરિટ નથી.

કાગળ પર મજબૂત દેખાતી ઇંગ્લિશ ટીમ એક પછી એક નામોશીભર્યા પર્ફોર્મન્સ આપી રહી છે. ઇંગ્લૅન્ડની આ દશા માટે સૌથી વધુ કોઈ જવાબદાર હોય તો એ છે તેમના બૅટર્સ; જૉની બેરસ્ટૉ, ડેવિડ મલાન, જૉ રૂટ, કૅપ્ટન જૉસ બટલર, લિયામ લિવિંગસ્ટન કે બેન સ્ટોક્સ કોઈ કરતાં કોઈ ફૉર્મમાં નથી. હવે આ સ્ટાર બૅટર્સે આજે જાગવું પડશે અને પુણેનું મેદાન ગજાવવું પડશે.

નેધરલૅન્ડ્સે બીજી તરફ બંગલાદેશ ઉપરાંત હાઇ-ફાઇ સાઉથ આફ્રિકાને હરાવીને ધાર્યા કરતાં અનેકગણું તેમણે મેળવી લીધું છે. હવે આજે ઇંગ્લૅન્ડ સામેની જીત તેમની આ શાનદાર સફરને નવી ઊંચાઈએ લઈ જઈ શકે છે. 

આજની મૅચ

ઇંગ્લૅન્ડ v/s નેધરલૅન્ડ્સ, બપોરે ૨.૦૦ વાગ્યે, પુણે

આવતી કાલની મૅચ 

ન્યુ ઝીલૅન્ડ v/s શ્રીલંકા, બપોરે ૨.૦૦ વાગ્યે, બૅન્ગલોર

world cup england netherlands cricket news sports sports news