ટી૨૦ વર્લ્ડ કપ સુધી કોચિંગ આપવું કે નહીં એના પર હજી વિચાર્યું નથી : દ્રવિડ

21 November, 2023 02:33 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

મારા કૉન્ટ્રૅક્ટનો સત્તાવાર રીતે આ છેલ્લો દિવસ છે. મેં વર્લ્ડ કપ પર જ સંપૂર્ણ ફોકસ રાખ્યું હતું. હજી તો ફાઇનલ પૂરી થઈ છે એટલે કોચિંગની બાબતમાં વધુ વિચારવાનો મને સમય જ નથી મળ્યો.

રવિવારે અમદાવાદમાં પરાજય બાદ રોહિત શર્મા સાથે રાહુલ દ્રવિડ. બે વર્ષમાં દ્રવિડના કોચિંગમાં ભારત ટેસ્ટ, વન-ડે અને ટી૨૦માં નંબર-વન ટીમ બની તેમ જ બે આઇસીસી ટુર્નામેન્ટની ફાઇનલમાં અને એક સેમી ફાઇનલમાં પહોંચી હતી. (તસવીર : પી.ટી.આઇ)

ભારતના બૅટિંગ-લેજન્ડ‍્સમાં ગણાતા રાહુલ દ્રવિડનો ટીમ ઇન્ડિયાના હેડ-કોચ તરીકેનો બે વર્ષનો કૉન્ટ્રૅક્ટ રવિવારે વર્લ્ડ કપની ઑસ્ટ્રેલિયા સામેની ફાઇનલના અંતે પૂરો થયો હતો, પરંતુ હવે તે ભવિષ્યમાં આ ટીમને કોચિંગ આપવાનું ચાલુ રાખવા માગે છે કે નહીં એ વિશે અત્યારે કંઈ કહેવા નથી માગતો.

રવિવારે અમદાવાદમાં એક તરફ ઑસ્ટ્રેલિયન ખેલાડીઓને વિનર્સ મેડલ આપવામાં આવી રહ્યા હતા ત્યારે દ્રવિડે પ્રેસ-કૉન્ફરન્સની રૂમ તરફ ચાલવાનું શરૂ કરી દીધું હતું. તેણે પોતાના કૉન્ટ્રૅક્ટના સંભવિત ‍એક્સટેન્શન વિશે સવાલ પૂછનાર પત્રકારને કહ્યું હતું કે ‘મારા કૉન્ટ્રૅક્ટનો સત્તાવાર રીતે આ છેલ્લો દિવસ છે. મેં વર્લ્ડ કપ પર જ સંપૂર્ણ ફોકસ રાખ્યું હતું. હજી તો ફાઇનલ પૂરી થઈ છે એટલે કોચિંગની બાબતમાં વધુ વિચારવાનો મને સમય જ નથી મળ્યો. સમય મળશે ત્યારે વિચારીશ.’

આવતા વર્ષે અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં ટી૨૦ વર્લ્ડ કપ રમાશે અને એ માટે ભારતીય ટીમને કોચિંગ આપવામાં તમને રસ છે? એવા એક પત્રકારના સવાલના જવાબમાં દ્રવિડે કહ્યું હતું કે ‘એ વિશે પણ મેં હજી કંઈ નથી વિચાર્યું અને કોઈ પ્લાન પણ નથી બનાવ્યો.’

પ્લેયર્સની નિરાશા જોવાતી નહોતી : દ્રવિડ
રોહિત શર્માના સુકાનમાં ભારતીય ટીમ વર્લ્ડ કપમાં શરૂઆતથી સેમી ફાઇનલ સુધી લાગલગાટ ૧૦ મૅચ જીતી હતી, પણ ખરા સમયે જ પાણીમાં બેસી ગઈ. ઑસ્ટ્રેલિયા સામે ભારતીય ખેલાડીઓ બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ ત્રણેયમાં નબળા સાબિત થયા હતા. જોકે આખી ટુર્નામેન્ટમાં શાનદાર પર્ફોર્મન્સ પછી ફાઇનલમાં પરાજય જોવા મળતાં ભારતીય ખેલાડીઓ ખૂબ હતાશ દેખાતા હતા. તેમના વિશે પુછાતાં દ્રવિડે કહ્યું હતું કે ‘ડ્રેસિંગરૂમમાં મારાથી ખેલાડીઓની નિરાશા જોવાતી નહોતી. હું દરેક ખેલાડીને પર્સનલી જાણું છું. તેમણે જે તનતોડ મહેનત કરી હતી ત્યાર બાદ આવી નિરાશા સાંપડે એ સ્વાભાવિક છે. હા, ફાઇનલમાં ભારતીય પ્લેયર્સ નિર્ભય બનીને રમ્યા હતા. અમને ૪૦ રન ઓછા પડ્યા. હાર-જીત તો સ્પોર્ટ‍્સના હિસ્સા કહેવાય.’

રોહિતની ખૂબ પ્રશંસા કરી
હેડ-કોચ દ્રવિડે કૅપ્ટન રોહિત શર્માની ખૂબ પ્રશંસા કરી હતી. દ્રવિડે તેના વિશે કહ્યું હતું કે ‘તે અસાધારણ લીડર છે. ડ્રેસિંગરૂમમાં તેણે સાથી-પ્લેયર્સને પર્ફોર્મન્સ અને ઉત્સાહ વધારવા ઘણો સપોર્ટ આપ્યો હતો અને હંમેશાં પૉઝિટિવ તથા અટૅકિંગ સ્ટાઇલની ક્રિકેટને વળગી રહ્યો છે. રોહિતનાં હું વખાણ કરું એટલાં ઓછાં છે.’

world cup world t20 rahul dravid rohit sharma indian cricket team cricket news sports sports news