મેં મૅચ પહેલાં જ કહ્યું હતું કે હું સચિનની જેમ બૅટિંગ કરીશ : ઝદરાન

08 November, 2023 01:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અફઘાનિસ્તાનને ઐતિહાસિક સેન્ચુરી આપનાર ઓપનરે કહ્યું કે ‘સચિને મને લાંબી ઇનિંગ્સ રમવાની ટિપ્સ આપેલી’

સોમવારે વાનખેડેમાં સચિન તેન્ડુલકરે અફઘાન ટીમના કૅમ્પમાં આવીને ખાસ કરીને ઇબ્રાહિમ ઝદરાન (વચ્ચે)ને ઘણી સલાહ આપી હતી. અફઘાનિસ્તાન ટીમનો મેન્ટર અજય જાડેજા છે. તે સોમવારે અઢી કલાક ખેલાડીઓ સાથે હતો. પી.ટી.આઇ.

ઑસ્ટ્રેલિયા સામે ગઈ કાલે વાનખેડેમાં ૧૪૩ બૉલમાં ત્રણ સિક્સર અને આઠ ફોરની મદદથી અણનમ ૧૨૯ રન બનાવનાર અફઘાનિસ્તાનના ઓપનર અને ઐતિહાસિક સેન્ચુરી-મેકર ઇબ્રાહિમ ઝદરાને બ્રૉડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ‍્સને ગઈ કાલની ઇનિંગ્સ પછી મુલાકાતમાં કહ્યું હતું કે ‘આ ટુર્નામેન્ટ માટે મેં ખૂબ મહેનત કરી હતી અને વાનખેડેમાં અફઘાનિસ્તાન વતી વર્લ્ડ કપની સૌપ્રથમ સદી ફટકારવા બદલ બેહદ ખુશ છું. પાકિસ્તાન સામે હું સદી ચૂકી ગયો હતો, પણ ઑસ્ટ્રેલિયા સામે સફળ થયો.’

ઑલ-ટાઇમ ગ્રેટ સચિન તેન્ડુલકર સોમવારે સાંજે વાનખેડેના મેદાન પર અફઘાનિસ્તાનની ટીમને મળવા આવ્યો હતો. સચિને ખાસ કરીને ઓપનર ઝદરાનને લાંબી ઇનિંગ્સ વિશે તેમ જ શૉટ‍્સ મારવાની બાબતમાં ઘણા વિકલ્પો ચકાસવા વિશે ટિપ્સ આપી હતી.

ઝદરાને સ્ટાર સ્પોર્ટ‍્સને ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘સોમવારે સાંજે મેં સચિન સાથે ઘણી વાતચીત કરી હતી. તેણે તેનો અનુભવ મારી સાથે શૅર કર્યો હતો. મેં મૅચ પહેલાં જ કહ્યું હતું કે હું સચિન તેન્ડુલકરની જેમ બૅટિંગ કરવાનો છું. તેની સાથેની વાતચીતથી મારામાં ઘણી ઊર્જા આવી હતી અને આત્મવિશ્વાસ પણ ખૂબ વધી ગયો હતો.’

4
ઝદરાન વર્લ્ડ કપમાં સેન્ચુરી ફટકારનાર ચોથો યંગેસ્ટ છે. તે ૨૧ વર્ષ, ૩૩૦ દિવસનો છે. સ્ટર્લિંગ (૨૦ વર્ષ, ૧૯૬ દિવસ), પૉન્ટિંગ (૨૧ વર્ષ, ૭૬ દિવસ), ફર્નાન્ડો (૨૧ વર્ષ, ૮૭ દિવસ) પહેલા ત્રણ સ્થાને છે.

world cup australia afghanistan sachin tendulkar cricket news sports sports news