હેડ વર્લ્ડ કપનો ફાસ્ટેસ્ટ સેન્ચુરિયન અને સ્ટાર્ક પહેલી વાર વિકેટ વિનાનો

30 October, 2023 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધરમશાલાની આ ટક્કરમાં ઑસ્ટ્રેલિયાએ ૪૯.૨ ઓવરમાં ૩૮૮ રન બનાવ્યા પછી ન્યુ ઝીલૅન્ડની ટીમ ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૩૮૩ રન બનાવી શકતાં ફક્ત પાંચ રનથી હારી ગઈ હતી

મિચલ સ્ટાર્કે વન-ડે કરીઅરમાં કુલ ૧૧૭ મૅચમાં ૨૨૭ વિકેટ લીધી છે

વન-ડેના વર્લ્ડ કપની સૌથી યાદગાર અને સૌથી રોમાંચક મૅચમાં શનિવારનો ઑસ્ટ્રેલિયા-ન્યુ ઝીલૅન્ડ વચ્ચેનો મુકાબલો અચૂક ગણાશે. ટ્રાન્સ-તાસ્માન તરીકે ઓળખાતી ધરમશાલાની આ ટક્કરમાં ઑસ્ટ્રેલિયાએ ૪૯.૨ ઓવરમાં ૩૮૮ રન બનાવ્યા પછી ન્યુ ઝીલૅન્ડની ટીમ ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૩૮૩ રન બનાવી શકતાં ફક્ત પાંચ રનથી હારી ગઈ હતી. બન્ને ટીમે કુલ ૭૭૧ રન બનાવ્યા હતા. ખાસ કરીને બે ઑસ્ટ્રેલિયન પ્લેયરના પર્ફોર્મન્સ યાદ રહેશે. જોકે ટ્રેવિસ હેડ (૧૦૯ રન, ૬૭ બૉલ, સાત સિક્સર, દસ ફોર) માટે આ મૅચ સારી રીતે યાદગાર રહેશે, જ્યારે વિજેતા ટીમનો ખેલાડી હોવા છતાં મિચલ સ્ટાર્ક (૯-૦-૮૯-૦) પોતાનો પર્ફોર્મન્સ ભૂલવાની કોશિશ જરૂર કરશે.

કિવીઓ રેકૉર્ડ છતાં હાર્યા

ન્યુ ઝીલૅન્ડે વન-ડેના વર્લ્ડ કપમાં ટાર્ગેટ ચેઝ કરવા જતાં ૩૮૩/૯નો નવો વિશ્વવિક્રમ રચી દીધો હતો અને વિશ્વકપમાં ઑસ્ટ્રેલિયાની તમામ હરીફ ટીમમાં આ સૌથી મોટું ટોટલ પણ હતું, પરંતુ ટૉમ લેથમની ટીમ છેવટે જીત નહોતી મેળવી શકી અને પૅટ કમિન્સના સુકાનમાં ઑસ્ટ્રેલિયાની ટીમ સેમી ફાઇનલની નજીક પહોંચી ગઈ હતી.

ટ્રેવિસ હેડે માત્ર ૫૯ બૉલમાં સેન્ચુરી પૂરી કરી હતી. વર્લ્ડ કપના સેન્ચુરી-મેકર ઓપનિંગ બૅટર્સમાં આ નવો વિશ્વવિક્રમ છે. તેણે રોહિત શર્માનો રેકૉર્ડ તોડ્યો હતો. થોડા દિવસ પહેલાં રોહિતે અફઘાનિસ્તાન સામે ૬૩ બૉલમાં સદી ફટકારીને રેકૉર્ડ બનાવ્યો હતો. એટલું જ નહીં, વર્લ્ડ કપમાં ડેબ્યુ કરનાર બૅટર્સમાં પણ આ ફાસ્ટેસ્ટ સેન્ચુરી છે. એ સંદર્ભમાં તેણે સાઉથ આફ્રિકાના ડેવિડ મિલરનો રેકૉર્ડ તોડ્યો છે. મિલરે ૨૦૧૫માં પોતાના પ્રથમ વિશ્વકપમાં ૮૧ બૉલમાં સદી ફટકારી હતી.

હાફ સેન્ચુરી પણ ફાસ્ટેસ્ટ

ટ્રેવિસ હેડે એ દિવસે હાફ સેન્ચુરી પચીસ બૉલમાં પૂરી કરી હતી અને વર્લ્ડ કપમાં ડેબ્યુ કરનાર બૅટર્સમાં એ હાફ સેન્ચુરી પણ ફાસ્ટેસ્ટ હતી. તેણે રાઇલી રુસોની ૩૧ બૉલની સદીનો વિક્રમ તોડી નાખ્યો હતો.

મિચલની ૨૪ મૅચમાં ૫૬ વિકેટ

ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક વન-ડે વર્લ્ડ કપમાં કુલ ૨૪ મૅચ રમ્યો છે અને શનિવારે પહેલી વાર વિકેટ વગરનો રહ્યો હતો. તેણે અગાઉની ૨૩ મૅચમાં ઓછામાં ઓછી એક વિકેટ તો લીધી જ હતી. ૨૦૧૫ના વર્લ્ડ કપમાં ન્યુ ઝીલૅન્ડ સામેનો તેનો પર્ફોર્મન્સ (૯-૦-૨૮-૬) બેસ્ટ હતો. તેણે વર્લ્ડ કપની કુલ ૨૪ મૅચમાં ૫૬ વિકેટ લીધી છે.

771
મેન્સ વર્લ્ડ કપની એક મૅચમાં બનેલા કુલ રનનો આ નવો વિશ્વવિક્રમ છે. તેમણે તાજેતરની સાઉથ આફ્રિકા-શ્રીલંકા મૅચના કુલ ૭૫૪ રનનો રેકૉર્ડ તોડ્યો હતો.

10
ઑસ્ટ્રેલિયન બૅટર્સે શનિવારે પહેલા આટલા બૉલમાં આટલી સિક્સર ફટકારી હતી જે વેસ્ટ ઇન્ડીઝની બરાબરીમાં થયેલો વિશ્વવિક્રમ છે.

world cup australia new zealand cricket news sports sports news