21 November, 2023 01:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન
ભારતીય ટીમે વર્લ્ડ કપની તમામ ૧૦ મૅચ જીત્યા પછી રવિવારે અમદાવાદની ફાઇનલમાં પરાજય જોયો એટલે રોહિતસેના ખૂબ નિરાશ છે. જોકે બૉલીવુડના સિતારાઓએ મેન ઇન બ્લુના એકંદર પર્ફોર્મન્સને બિરદાવીને તેમને ફરી ઉત્સાહમાં લાવવાની કોશિશ કરી છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચનથી લઈને ઍક્ટર વિકી કૌશલ સુધીના સ્ટાર્સે ગઈ કાલે ટ્વિટર પર ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને નિરાશામાંથી બહાર લાવવા હકારાત્મક કમેન્ટ્સ લખી હતી.
ટીમ ઇન્ડિયા માટે કોણે શું ટ્વીટ કર્યું?
અમિતાભ બચ્ચન : ટીમ ઇન્ડિયા, મારી દૃષ્ટિએ રવિવાર રાતનું રિઝલ્ટ કોઈ પણ રીતે તમારી ટૅલન્ટ, તમારી ક્ષમતા અને તમારા દરજ્જાનું પ્રતિબિંબ ન કહી શકાય. તમારી આ બધી લાક્ષણિકતાઓ તો આ પરિણામથી ક્યાંય પર છે અને એ જ સર્વોપરી છે. તમે જે રીતે પહેલી ૧૦ મૅચ રમ્યા (અને જીત્યા) એ જ બતાવે છે કે તમે આ વર્લ્ડ કપમાં બધા હરીફોને ભયભીત કરી દીધા હતા. જુઓ તો ખરા, તમે ભૂતપૂર્વ ચૅમ્પિયન્સ અને ભૂતપૂર્વ વિનર્સને કેવા હરાવ્યા હતા! પ્રાઉડ
ઑફ યુ. યુ આર ધ બેસ્ટ ઍન્ડ યુ શેલ રીમેઇન સો.
શાહરુખ ખાન : ભારતીય ટીમ આખી ટુર્નામેન્ટમાં જે રીતે રમી એ મોટા ગૌરવની વાત કહેવાય. તેમણે ગજબના ઉત્સાહ, સ્ફૂર્તિ અને સંકલ્પ બતાવ્યાં. આ તો રમત છે, એમાં એકાદ-બે ખરાબ દિવસ આવે પણ ખરા. ખરું કહું તો તમે ટુર્નામેન્ટમાં એકંદર જબરદસ્ત પર્ફોર્મન્સથી આખા ભારતને ક્રિકેટમય કરી દીધું હતું.
આલિયા ભટ્ટ : અવર હાર્ટ્સ આર ફોરવેર વૉન. વલ પ્લેઇડ ટીમ ઇન્ડિયા. આપણી ટીમે એકંદરે જબરદસ્ત પર્ફોર્મન્સથી માથું ઊંચું રાખ્યું અને દેશને ગૌરવ અપાવ્યું.
સુનીલ શેટ્ટી : ઑસ્ટ્રેલિયન ટીમને અભિનંદન. માયટીમઇન્ડિયાનો માત્ર એક દિવસ ખરાબ રહ્યો. જોકે આપણી ટીમ આખી ટુર્નામેન્ટમાં કમાલની ઊર્જા બતાવીને જોરદાર રમી અને પહેલી તમામ ૧૦ મૅચ જીતી ગઈ હતી. અસાધારણ પર્ફોર્મન્સ બદલ આપણી વર્લ્ડ-ક્લાસ ટીમ પર મને ગર્વ છે. તેઓએ હંમેશાં અથાક પ્રયત્ન, સંકલ્પશક્તિ અને ખેલદિલીથી રમ્યા અને દેશને ગૌરવ અપાવ્યું.
વિકી કૌશલ (ફિટનેસ જાળવવા વર્કઆઉટ કર્યા બાદ) : કલ દિલ ટૂટા, આજ શરીર. જે કંઈ હોય, પણ બધાએ ‘બઢતે ચલો’ યાદ રાખીને ગઈ કાલ ભૂલીને આગળ વધવું જ પડે. આપણી
ટીમ જ બેસ્ટ હતી. તેમણે કમાલના કૌશલ્ય અને દૃઢતા બતાવ્યાં હતાં. ફોરવેર પ્રાઉડ ઑફ યુ ગાય્ઝ! ઇન્ડિયા... ઇન્ડિયા.
કરીના કપૂર : ટીમ ઇન્ડિયા આખી ટુર્નામેન્ટમાં ખૂબ લડી અને જબરદસ્ત પર્ફોર્મ કર્યું. ઓન્લી લવ ઍન્ડ રિસ્પેક્ટ. વેલ પ્લેઇડ @indiancricketteam.
રણવીર સિંહ : ક્યારેક સફળતા, તો ક્યારેક નિષ્ફળતા, કોઈક સારા દિવસો તો કોઈ ખરાબ, ક્યારેક જીત તો ક્યારેક હાર. ધૅટ્સ સ્પોર્ટ, ધૅટ્સ લાઇફ. આપણે બધા નિરાશ છીએ, પરંતુ આપણા ખેલાડીઓએ પૂરી ક્ષમતાથી રમીને એકંદરે જે જોરદાર પર્ફોર્મ કર્યું એ બદલ ચાલો આપણે તેમને બિરદાવીએ.