અફઘાનિસ્તાને પાકિસ્તાનને પણ પછાડ્યું, ઇંગ્લૅન્ડને તળિયે મોકલ્યું

24 October, 2023 12:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાબરની ટીમ એક્ઝિટની લગોલગ : અજય જાડેજાની મેન્ટરશિપમાં જાયન્ટ-કિલર અફઘાને પહેલી વાર એક વર્લ્ડ કપમાં મેળવી બે જીત

બાબર આઝમની ટીમના કોઈ પણ પ્લાન ગઈ કાલે અફઘાનને વિજય મેળવતા રોકી નહોતા શક્યા (તસવીર : પી.ટી.આઇ.)

ચેન્નઈમાં ગઈ કાલે હશમતુલ્લા શાહિદીની કૅપ્ટન્સીમાં અને ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાની મેન્ટરશિપમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને પણ આંચકો આપીને એને વર્લ્ડ કપની એક્ઝિટની લગોલગ મોકલી દીધું હતું. થોડા દિવસ પહેલાં અફઘાનિસ્તાને ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડને હરાવીને મેજર અપસેટ સરજ્યો હતો અને ગઈ કાલે ૧૯૯૨ના ચૅમ્પિયન પાકિસ્તાનને પણ પરાજય ચખાડ્યો હતો. અફઘાનની ટીમે એક જ વર્લ્ડ કપમાં બે વિજય મેળવ્યા હોય એવું પહેલી જ વખત બન્યું છે. અફઘાનિસ્તાનનો ગઈ કાલે ૬ બૉલ બાકી રાખીને ૮ વિકેટના તોતિંગ માર્જિનથી જીત મેળવી હતી.

અજય જાડેજાને અફઘાનિસ્તાનના ક્રિકેટ સત્તાધીશોએ આ વર્લ્ડ કપની પહેલા જ મેન્ટર બનાવ્યો હતો અને તેના માર્ગદર્શનમાં તેમ જ ભારતના મેદાનો પર કરેલી પ્રૅક્ટિસમાં અફઘાનની ટીમે આ વિશ્ર્વકપમાં તોફાન મચાવી દીધું છે. ઇંગ્લૅન્ડ પૉઇન્ટ‍્સ-ટેબલમાં સાવ તળિયે જતું રહ્યું હતું, જ્યારે ખુદ અફઘાનિસ્તાન છઠ્ઠા નંબર પર આવી ગયું હતું. પાંચમા ક્રમના પાકિસ્તાનની જેમ એના પણ પાંચ મૅચમાં ચાર પૉઇન્ટ છે. ભારત ૧૦ પૉઇન્ટ સાથે મોખરે અને ન્યુ ઝીલૅન્ડ (૮) બીજા નંબરે, સાઉથ આફ્રિકા (૬) ત્રીજા નંબરે તથા ઑસ્ટ્રેલિયા (૪) ચોથા સ્થાને છે.

ગઈ કાલે પાકિસ્તાને ચેન્નઈમાં બૅટિંગ લીધા પછી ૭ વિકેટે ૨૮૨ રન બનાવ્યા હતા જેમાં બાબરના ૭૪, શફીકના ૫૮ તેમ જ શાદાબ અને ઇફ્તિખારના ૪૦-૪૦ રન હતા. અફઘાનના મુખ્ય સ્પિનર રાશિદ ખાનને ૪૧ રનમાં વિકેટ નહોતી મળી, પરંતુ નૂર અહમદે ૪૯ રનમાં ત્રણ, નવીન-ઉલ-હકે બાવન રનમાં બે તેમ જ મોહમ્મદ નબીએ ૩૧ રનમાં એક અને ઓમરઝાઇએ ૫૦ રનમાં એક વિકેટ લીધી હતી.

અફઘાને ૪૯ ઓવરમાં બે વિકેટે ૨૮૬ રન બનાવ્યા હતા જેમાં મૅન ઑફ ધ મૅચ ઇબ્રાહિમ ઝડ્રાન (૮૭ રન, ૧૧૩ બૉલ, દસ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. રેહમત શાહ (૭૭ અણનમ, ૮૪ બૉલ, બે સિક્સર, પાંચ ફોર), ગુરબાઝ (૬૫ રન, ૫૩ બૉલ, એક સિક્સર, નવ ફોર) તથા કૅપ્ટન શાહિદી (૪૮ અણનમ, ૪૫ બૉલ, ચાર ફોર)નો પણ જીતમાં મહત્ત્વનો ફાળો હતો.

world cup afghanistan pakistan sports sports news cricket news