15 July, 2024 10:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડ્રેસિંગ રૂમમાં ટ્રોફી સાથે ઇન્ડિયા ચૅમ્પિયન્સના ખેલાડીઓ
ઇંગ્લૅન્ડની ધરતી પર હાલમાં દુનિયાની ૬ ક્રિકેટ ટીમના રિટાયર્ડ ખેલાડીઓ વચ્ચે વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સની પહેલી સીઝન શરૂ થઈ હતી. વેસ્ટ ઇન્ડીઝ અને ઑસ્ટ્રેલિયા જેવી ટીમોને હરાવીને પાકિસ્તાન અને ભારતના દિગ્ગજ ક્રિકેટર્સે ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. ફાઇનલમાં કૅપ્ટન શાહિદ આફ્રિદીની ટીમને પાંચ વિકેટે હરાવીને યુવરાજ સિંહ ઍન્ડ કંપનીએ પહેલું ટાઇટલ જીતી લીધું હતું.
૨૦૧૩માં બર્મિંગહૅમના આ જ મેદાન પર ભારતીય ટીમે ઇંગ્લૅન્ડને હરાવીને ચૅમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. રિટાયરમેન્ટ બાદ આ જ મેદાન પર ચૅમ્પિયન બનીને સુરૈશ રૈનાએ ખુશી વ્યક્ત કરી હતી. પ્રથમ બૅટિંગ કરતાં પાકિસ્તાનની ટીમ ૧૫૬ રન બનાવી શકી હતી અને જવાબમાં ઇન્ડિયા ચૅમ્પિયન્સે પાંચ બૉલ પહેલાં પાંચ વિકેટે ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ઇન્ડિયા ચૅમ્પિયન્સ ટીમની જીતનો હીરો હતો અંબાતી રાયુડુ જેણે માત્ર ૩૦ બૉલમાં ૫૦ રન બનાવ્યા હતા. યુસુફ પઠાણે ૧૬ બૉલમાં ૩૦ રનની ઇનિંગ્સ રમી હતી. બોલિંગમાં અનુરીત સિંહે ૩ વિકેટ લીધી હતી.
આખી ટુર્નામેન્ટમાં પઠાણ બ્રધર્સે ફટકારી ૨૦ સિક્સર
પઠાણ બ્રધર્સ આ ટુર્નામેન્ટમાં ઇન્ડિયા ચૅમ્પિયન્સ માટે સૌથી વધુ ૧૦-૧૦ સિક્સર ફટકારનારા બૅટ્સમેન બન્યા હતા. ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણ બન્ને ભાઈઓએ ઇન્ડિયા ચૅમ્પિયન્સ માટે આ ટુર્નામેન્ટની પહેલી સીઝનથી જ સૌથી વધુ રન બનાવનારા બૅટ્સમેનના લિસ્ટમાં પોતાનું નામ લખી નાખ્યું છે. યુસુફ પઠાણે ૭ ઇનિંગ્સમાં ૧૫૭.૮૫ના સ્ટ્રાઇક-રેટથી ૨૨૧ રન બનાવ્યા, જ્યારે ઇરફાન પઠાણે ૭ ઇનિંગ્સમાં ૧૬૭.૩૯ના સ્ટ્રાઇક-રેટથી ૧૫૪ રન બનાવ્યા છે. કૅપ્ટન યુવરાજ સિંહ દ્વારા તેમને ‘લાઇસન્સ ટુ કિલ’ એટલે કે આક્રમક રીતે રમવાની છૂટ મળી હતી.