14 March, 2023 04:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈની સાઇકા ઇશાક (ડાબે)એ ત્રણ બૉલમાં બે વિકેટ લીધી હતી. અને હરમનપ્રીતે એક ઓવરમાં ત્રણ ફોર અને એક સિક્સર ફટકારી દેતાં યુપીની કૅપ્ટન અલીઝા હીલી પણ મુંબઈનો વિજયરથ ન રોકી શકી. તસવીર આશિષ રાજે
વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)માં રવિવારે અલીઝા હીલીની કૅપ્ટન્સીમાં યુપી વૉરિયર્ઝની ટીમે ત્રીજી લીગ મૅચ જીતીને ૬ પૉઇન્ટના આંકડા સાથે મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કૅપિટલ્સની બરાબરીમાં આવવાની ધારણા રાખી હતી, પરંતુ મુંબઈ સામે બ્રેબર્ન સ્ટેડિયમની મૅચમાં એકંદરે બે ઓવરને કારણે યુપીના હાથમાંથી બાજી સરકીને મુંબઈના હાથમાં જતી રહી હતી અને છેવટે યુપીએ ટુર્નામેન્ટમાં બીજો પરાજય જોવો પડ્યો હતો. બીજી બાજુ, મુંબઈએ લાગલગાટ ચોથો વિજય સેલિબ્રેટ કર્યો હતો.
ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૧૨ વિકેટ લેવા બદલ પર્પલ કૅપ ધરાવતી મુંબઈ ઇન્ડિયન્સની સ્પિનર સાઇકા ઇશાક પોતાની પહેલી ઓવરમાં (યુપીની બીજી ઓવરમાં) ઓપનર દેવિકા વૈદ્ય (૬ રન)ને એલબીડબ્લ્યુ કરી ચૂકી હતી એટલે તેણે મૅચમાં શ્રીગણેશ તો કરી જ દીધા હતા, ત્યાર બાદ તે છેક યુપીની ઇનિંગ્સની ૧૭મી ઓવરમાં જોરદાર ત્રાટકી હતી. તેણે એ ઓવરમાં ત્રણ બૉલમાં યુપીની કૅપ્ટન અલીઝા હીલી (૫૮ રન, ૪૬ બૉલ, એક સિક્સર, સાત ફોર) અને બીજી ડેન્જરસ બૅટર તાહલિઆ મૅકગ્રા (૫૦ રન, ૩૭ બૉલ, નવ ફોર)ને આઉટ કરીને તરખાટ મચાવ્યો હતો. હીલી-મૅકગ્રા વચ્ચે ૮૨ રનની ભાગીદારી થઈ હતી. જોકે યુપીને આ બન્ને બૅટરની વિકેટના ઝટકા લાગતાં કુલ સ્કોર ૧૫૯/૬ સુધી સીમિત રહ્યો હતો. હિલી-મૅકગ્રાની વિદાય બાદ ૨૦ બૉલમાં માત્ર ૧૮ રન બન્યા હતા.
યાસ્તિકાના ત્રણ શિકાર અને ૪૨ રન
મુંબઈએ ૧૬૦ રનનો ટાર્ગેટ મેળવવા સારી શરૂઆત કરી હતી. હૅલી મૅથ્યુઝ (૧૨ રન, ૧૭ બૉલ, બે ફોર) અને વિકેટકીપર યાસ્તિકા ભાટિયા (૪૨ રન, ૨૭ બૉલ, એક સિક્સર, આઠ ફોર) વચ્ચે ૫૮ રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી, પરંતુ એ જ સ્કોર પર યાસ્તિકા અને મૅથ્યુઝની વિકેટ પડતાં ૫૮/૨ના સ્કોર પર મુંબઈની ટીમ થોડી ચિંતામાં મુકાઈ ગઈ હતી.
નૅટ-હરમનની ૧૦૬*ની ભાગીદારી
નૅટ સિવર-બ્રન્ટ (૪૫ અણનમ, ૩૧ બૉલ, એક સિક્સર, છ ફોર) અને કૅપ્ટન હરમનપ્રીત (૫૩ અણનમ, ૩૩ બૉલ, એક સિક્સર, નવ ફોર) વચ્ચે ૧૦૬ રનની અતૂટ ભાગીદારી થઈ હતી. યુપી વતી હાફ સેન્ચુરી કરનાર પેસ બોલર તાહલિઆ મૅકગ્રાએ મુંબઈની ઇનિંગ્સમાં જે ૧૬મી ઓવર કરી એમાં બાજી ફરી ગઈ અને સંપૂર્ણપણે મુંબઈની ફેવરમાં આવી ગઈ હતી. હરમનપ્રીતે એમાં બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા બૉલમાં અનુક્રમે ફોર, સિક્સર, ફોર, ફોર ફટકારી હતી. એ આખી ઓવરમાં ૧૯ રન બન્યા અને ટીમનો સ્કોર ૧૨૩/૨ પરથી ૧૪૨/૨ થઈ ગયો હતો. મુંબઈએ નૅટ સિવરની વિનિંગ સિક્સર સાથે ૧૭.૩ ઓવરમાં ૧૬૪/૨ના સ્કોર સાથે વિજય (૧૫ બૉલ બાકી રાખી ૮ વિકેટના માર્જિનથી) હાંસલ કરી લીધો હતો.
આગામી મૅચો કોની વચ્ચે?
આજે
મુંબઈ v/s ગુજરાત, બ્રેબર્ન સ્ટેડિયમ, સાંજે ૭.૩૦
આવતી કાલે
યુપી v/s બૅન્ગલોર, ડી. વાય. પાટીલ, સાંજે ૭.૩૦