22 March, 2023 12:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હરમનપ્રીત કૌર ફાઇલ તસવીર
ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ગઈ કાલે છેલ્લી લીગમાં મુંબઈ સામે ચાર વિકેટથી હાર્યા બાદ બૅન્ગલોરની જીત સાથે વિદાય લેવાની મહેચ્છા અધૂરી રહી ગઈ હતી. બૅન્ગલોરે આ પહેલાં ૧૨૫ રનના સાધારણ ટાર્ગેટને મુંબઈએ ૧૬.૩ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને મેળવી લીધી હતી. ૩ વિકેટ અને ૩૧ રનના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સને લીધે અમેલિયા કેર વુમન ઑફ ધ મૅચ બની હતી.
મુંબઈએ ટૉસ જીતીને બૅન્ગલોરને પ્રથમ બૅટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. કૅપ્ટન સ્મૃતિ મંધાના (૨૪ રન)નો ફ્લૉપ શો યથાવત્ રહ્યો હતો. ઍલીસ પેરી અને રિષા ઘોષના ૨૯-૨૯ રનની ઇનિંગ્સના જોરે બૅન્ગલોર માંડ-માંડ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૨૫ રન બનાવી શક્યું હતું. મુંબઈ વતી અમેલિયા કેરે ત્રણ તથા નેટ સીવર-બ્રન્ટ અને ઇશી વૉન્ગે ૨-૨ વિકેટ લીધી હતી અને સાઇકા ઇશાકને એક વિકેટ મળી હતી. જવાબમાં મુંબઈએ અમેલિયા કેર (૩૧), યાસ્તિકા ભાટિયા (૩૦), હેલી મૅથ્યુઝ (૨૪) અને પૂજા વસ્ત્રાકર (૧૯)નાં યોગદાન સાથે ૨૧ બૉલ બાકી રાખીને જીત મેળવી હતી.