20 March, 2023 03:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેગ લૅનિંગ અને હરમનપ્રીત કૌર
મુંબઈ અને દિલ્હીની ટીમ વિમેન્સ પ્રીમિયર લીગના પ્લેઑફમાં પહોંચી ગઈ છે. બન્નેએ સારું પ્રદર્શન કર્યું હોવા છતાં આ મૅચમાં બન્ને ટીમની પ્લેયર્સ પોતાની બૅટિંગ પર ધ્યાન આપશે. મુંબઈની ટીમ વિજય સાથે ટૉપ પર રહેવા માગશે તો દિલ્હી પણ વિજય મેળવીને મુંબઈ જેટલા જ પૉઇન્ટ મેળવવાનો પ્રયાસ કરશે. જો આજે મુંબઈને દિલ્હી હરાવી દેશે અને મંગળવારની યુપી સામેની મૅચ પણ જીતી જાય તો ટોચના સ્થાને પહોંચી શકે, પછી ભલે એનો રનરેટ ઓછો હોય. બીજી તરફ આજે મુંબઈ જીતી જાય તો ટોચના સ્થાને આવી જશે.
ગુજરાત સામે ૧૪૮ રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે દિલ્હીની ટીમ પાણીમાં બેસી ગઈ હતી. તેઓ આક્રમક રમત રમવામાં માનતી હતી, પરંતુ શેફાલી વર્મા અથવા તો મેગ લૅનિંગ છેક સુધી ટકી. જોકે ગુજરાતની મૅચમાં એવું ન થયું. દિલ્હીની ટીમે ઑલરાઉન્ડર અરૂંઘતી રેડ્ડીને ચાર પૈકી બે મૅચમાં જ બોલિંગ આપી હતી. જોકે ગુજરાત સામેની મૅચમાં તેણે શાનદાર બૅટિંગ કરી હતી એથી તેને એક બૅટર તરીકે પણ ટીમમાં સમાવવાનો વિકલ્પ તેઓ ખુલ્લો રાખશે.
મુંબઈ તરફથી સ્પિનર એમીલિયા કેરે પ્રભાવક પ્રદર્શન કર્યું હતું. તેણે લેનિંગ સામે સારું પ્રદર્શન કર્યું હતું અને આ મૅચમાં પણ તે દિલ્હીના કૅપ્ટનને પડકારશે. બીજી તરફ દિલ્હીને જેસ જોનાસેનના ઑલરાઉન્ડ પ્રદર્શનનો લાભ મળ્યો છે.