16 March, 2023 03:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતની ભૂતપૂર્વ ઑલરાઉન્ડર રીમા મલ્હોત્રા (ડાબે) અને મહિલા ક્રિકેટની ભારતીય લેજન્ડ મિતાલી રાજ (જમણે).
૨૦૧૩ સુધીમાં ભારત વતી કુલ ૬૪ ઇન્ટરનૅશનલ મૅચ રમનાર સ્પિન ઑલરાઉન્ડર રીમા મલ્હોત્રાએ પાંચમાંથી ચાર મૅચ હારી ચૂકેલી ગુજરાત જાયન્ટ્સ ટીમની રણનીતિ અને ટીમ-સિલેક્શન સામે સવાલ ઉઠાવ્યો છે. તેણે એક મુલાકાતમાં કહ્યું, ‘મને ટીમ-મૅનેજમેન્ટના નિર્ણયો પરથી લાગી રહ્યું છે કે આવું કેમ થઈ રહ્યું હશે? મંગળવારે પાંચમી મૅચ રમી અને હજી સુધી તેઓ પ્લેઇંગ-ઇલેવન નક્કી નહોતી કરી શકી. જે પ્લેયર જિતાડે છે તેને પછીની મૅચમાં બેન્ચ પર બેસાડવામાં આવે છે. લૉરા વૉલ્વાર્ટને માત્ર એક મૅચ પછી ડ્રૉપ કરવામાં આવી. તેઓ ડોમેસ્ટિક-ક્રિકેટની હાઇએસ્ટ વિકેટ-ટેકર પરુણિકા સિસોદિયાને કેમ નથી રમાડતી એ જ મને નથી સમજાતું. એક મૅચમાં માનસી જોશીને રમાડવામાં આવી, પણ તેને બોલિંગ જ નહોતી અપાઈ. અસલ રિધમમાં ન આવેલી પેસ બોલિંગ ઑલરાઉન્ડર ઍનાબેલ સધરલૅન્ડને વારંવાર રમાડવામાં આવી છે. જ્યોર્જિયા વેરહૅમને કેમ બેસાડી રાખવામાં આવે છે?’