15 March, 2023 02:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોમવારે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં વિમેન્સ પ્રીમિયર લીગની મૅચ જોવામાં મશગૂલ પ્રેક્ષકો. આઇપીએલની જેમ બ્રેબર્ન સહિતનાં બન્ને સ્ટેડિયમમાં ડબ્લ્યુપીએલની મૅચો પણ રોમાંચક થતી હોવાથી દરરોજ મોટી સંખ્યામાં પુરુષ પ્રેક્ષકો જોવા મળે છે.(ડાબે) અને ડી. વાય. પાટીલમાં બૅન્ગલોરની હીધર નાઇટનો કૅચ પકડ્યા પછી બોલર શિખા પાન્ડે સાથે સેલિબ્રેશનના મૂડમાં ટૅરા નૉરિસ. તસવીર અતુલ કાંબળે
વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)માં સોમવારે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે લાગલગાટ પાંચમી મૅચમાં પણ પરાજય જોવો પડ્યો હતો, જ્યારે દિલ્હી કૅપિટલ્સે રસાકસીભર્યા મુકાબલામાં થર્ડ-લાસ્ટ બૉલ પર વિજય મેળવીને ૮ પૉઇન્ટ સાથે પૉઇન્ટ્સ-ટેબલમાં ટૉપર મુંબઈ ઇન્ડિયન્સની બરાબરી કરી લીધી હતી. દિલ્હી વતી રમતી ઑસ્ટ્રેલિયાની સ્પિનિંગ ઑલરાઉન્ડર જેસ જૉનસન (૨૯ અણનમ, ૧૫ બૉલ, એક સિક્સર, ચાર ફોર) પ્લેયર ઑફ ધ મૅચ જાહેર થઈ હતી.
બૅન્ગલોર આ ટુર્નામેન્ટમાંથી ઑલમોસ્ટ આઉટ થઈ ગયું કહેવાય, પરંતુ આંકડાની રીતે એને નૉકઆઉટ માટે નજીવો ચાન્સ છે. જોકે બાકીની ટીમની મોટા ભાગની મૅચોનાં પરિણામ પોતાની ફેવરમાં આવે એ બૅન્ગલોર માટે જરૂરી છે. હવે બૅન્ગલોરની આજે યુપી સામે, શનિવારે ગુજરાત સામે અને મંગળવારે મુંબઈ સામે મૅચ છે. બૅન્ગલોર બાકીની ત્રણેય મૅચ જીતીને કુલ ૬ પૉઇન્ટ ધરાવે અને બીજી બાજુ યુપી તથા ગુજરાત તમામ મૅચ હારી જતાં અેમના ૪-૪ પૉઇન્ટ પર જ રહે તો બૅન્ગલોર માટે ટૉપ-થ્રીના નૉકઆઉટમાં પહોંચવું સંભવ બનશે.
સ્મૃતિ મંધાના પાંચમી વાર ફ્લૉપ
ડબ્લ્યુપીએલની સૌથી મોંઘી ખેલાડી સ્મૃતિ મંધાના જેને બૅન્ગલોરના ફ્રૅન્ચાઇઝીએ ૩.૪૦ કરોડ રૂપિયામાં મેળવી હતી, તે સોમવારે સતત પાંચમી મૅચમાં પણ સારું રમવામાં નિષ્ફળ ગઈ હતી. તે ૧૫ બૉલમાં ૮ જ રન બનાવીને શિખા પાન્ડેના બૉલમાં ડીપ સ્ક્વેર લેગની દિશામાં ફટકો મારવા જતાં જેમાઇમા રૉડ્રિગ્સને કૅચ આપી બેઠી હતી. પહેલી ચાર મૅચમાં મંધાનાના સ્કોર આ મુજબ હતા : ૩૫, ૨૩, ૧૮ અને ૪ રન.
આ પણ વાંચો: રિવ્યુમાં લોચો : મૅથ્યુઝને ખોટા રિપ્લેના આધારે આઉટ અપાઈ
પેરી, રિચાની ફટકાબાજી પાણીમાં
બૅન્ગલોરે બૅટિંગ મળ્યા પછી ૪ વિકેટે ૨૦ ઓવરમાં ૧૫૦ રન બનાવ્યા હતા. એલીસ પેરી (૬૭ અણનમ, બાવન બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર) અને ઘણા દિવસે ફૉર્મમાં આવેલી રિચા ઘોષ (૩૭ રન, ૧૬ બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર) વચ્ચે ચોથી વિકેટ માટે ૭૪ રનની પાર્ટનરશિપ થઈ હતી, જે છેવટે પાણીમાં ગઈ હતી. દિલ્હીની શિખા પાન્ડેએ ૨૩ રનમાં ત્રણ વિકેટ લીધી હતી.
દિલ્હીએ ૧૯.૪ ઓવરમાં ૪ વિકેટના ભોગે ૧૫૪ રન બનાવીને જીત મેળવી હતી. એમાં ઍલીસ કૅપ્સીના ૩૮ રન, જેમાઇમાના ૩૨ તેમ જ મૅરિઝેન કૅપના અણનમ ૩૨ રનનો સમાવેશ હતો. બીજી જ મૅચ રમનાર બૅન્ગલોરની સ્પિનર શોભના આશાએ દિલ્હીની સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
છેલ્લી ઓવરમાં ઝડપી અંત
દિલ્હીએ છેલ્લી ઓવરમાં માત્ર ૭ રન બનાવવાના હતા. બૅન્ગલોરની ફાસ્ટ બોલર રેણુકા સિંહના પહેલા બે બૉલમાં ફક્ત બે રન બન્યા હતા, પણ જૉનસન અને મૅરિઝેન કૅપ ખૂબ સંયમપૂર્વક અને મગજને શાંત રાખીને રમી રહી હતી. જીતવા માટે બાકીના પાંચ રન કરવાના હતા અને ત્રીજા બૉલમાં જેસ જૉનસને સિક્સર તથા ચોથા બૉલમાં ફોર ફટકારીને કિસ્સો ત્યાં જ ખતમ કરી નાખ્યો હતો.
આગામી મૅચો કોની વચ્ચે?
આજે
યુપી v/s બૅન્ગલોર, ડી. વાય. પાટીલ, સાંજે ૭.૩૦
આવતી કાલે
ગુજરાત v/s દિલ્હી, બ્રેબર્ન સ્ટેડિયમ, સાંજે ૭.૩૦