કિવીઓએ વર્લ્ડ કપની જીતને બનાવી યાદગાર

22 October, 2024 09:10 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

દુબઈની પિચ પર ટ્રોફી મૂકીને ન્યુ ઝીલૅન્ડનું પારંપરિક ગીત ગાયું, ગિટાર વગાડી

દુબઈની પિચ પર ટ્રોફી મૂકી અમેલિયા કેરની ગિટારની ધૂન પર આખી ટીમે ગાયું ગીત

દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાને ફાઇનલમાં હરાવીને વિમેન્સ T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીતીને ન્યુ ઝીલૅન્ડની ટીમે યાદગાર ઉજવણી કરી હતી. પોતાનો પહેલવહેલો T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમના તમામ સભ્યો ઇમોશનલ અને ઉત્સાહી જોવા મળ્યા હતા, પરંતુ કોઈ પણ ખેલાડીએ અભિમાનમાં આવીને કોઈ ખોટું વર્તન કર્યું નહોતું. કોઈ વર્લ્ડ કપ ટ્રોફીને ચૂમીને ફોટો પડાવી રહ્યું હતું, કોઈ એકબીજાને વારંવાર ભેટી રહ્યું હતું, કોઈ મેદાન પર આડા પડીને તો કોઈ ડ્રેસિંગ રૂમમાં ડાન્સ કરીને જીતની ઉજવણી કરતું જોવા મળ્યું હતું. આ બધા વચ્ચે આખી ટીમે દુબઈની પિચ પર વર્લ્ડ કપ મૂકીને ન્યુ ઝીલૅન્ડનું પારંપરિક માઓરી સૉન્ગ પણ ગાયું હતું. આ સમયે ઑલરાઉન્ડર અમેલિયા કેરે ગિટાર પર શાનદાર ધૂન વગાડી હતી. 

૨૪ વર્ષની અમેલિયા કેર ફાઇનલમાં ઑલરાઉન્ડ પ્રદર્શનની સાથે વિમેન્સ T20 વર્લ્ડ કપની એક સીઝનમાં સૌથી વધુ ૧૫ વિકેટ લેવામાં પણ સફળ રહી હતી જેને કારણે તેને પ્લેયર ઑફ ધ મૅચના મેડલ સાથે પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટની ટ્રોફી પણ મળી હતી. ન્યુ ઝીલૅન્ડની ૩૭ વર્ષ ૩૪ દિવસની સૂઝી બેટ્સ વિમેન્સ T20 વર્લ્ડ કપ જીતનાર સૌથી ઓલ્ડેસ્ટ ક્રિકેટર પણ બની છે. 

સાઉથ આફ્રિકાને ૩૨ રને ફાઇનલમાં હરાવીને ન્યુ ઝીલૅન્ડની ટીમે ૧૯.૩૩ કરોડની પ્રાઇઝ મની પણ જીતી હતી. ટીમની દરેક પ્લેયરને ઇનામી રકમ તરીકે લગભગ ૧.૩૧ કરોડ રૂપિયા મળશે. વિમેન્સ ક્રિકેટ ટીમના સભ્યો માટે આ મોટી રકમ છે, જેઓ મેન્સ ક્રિકેટર્સ સાથે નાણાકીય સમાનતા મેળવવા માટે વર્ષોથી સંઘર્ષ કરી રહી છે. સાઉથ આફ્રિકાએ સેમી ફાઇનલમાં છ વખતની ચૅમ્પિયન અને ખિતાબની દાવેદાર ઑસ્ટ્રેલિયાને હરાવી હતી, પરંતુ ફાઇનલમાં આ ટીમ ફરી એક વાર દબાણમાં તૂટી પડી હતી.

new zealand south africa womens world cup t20 world cup dubai cricket news sports news sports