03 October, 2024 10:06 AM IST | UAE | Gujarati Mid-day Correspondent
એક વર્લ્ડ કપ ટ્રોફી, બે-બે બાજ પક્ષી અને ઊંટ સાથે ૧૦ ટીમની કૅપ્ટનનું ફોટોશૂટ.
બંગલાદેશના અશાંત માહોલને જોતાં યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) શિફ્ટ થયેલા મહિલા T20 વર્લ્ડ કપની આજથી શરૂઆત થશે. ૧૦ ટીમો વચ્ચે રમાતી આ ટુર્નામેન્ટમાં ઑસ્ટ્રેલિયાને હરાવવું એ તમામ ટીમો માટે સૌથી મોટો પડકાર હશે. અત્યાર સુધીમાં ૯ વાર આયોજિત આ વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયાએ છ વખત ખિતાબ જીત્યો છે. એ છેલ્લા ત્રણ વર્લ્ડ કપથી ચૅમ્પિયન પણ છે. ઇંગ્લૅન્ડ (૨૦૦૯) અને વેસ્ટ ઇન્ડીઝ (૨૦૧૬) એક-એક વાર ચૅમ્પિયન બન્યું છે.
૨૦૨૩માં સાઉથ આફ્રિકા સામે ઑસ્ટ્રેલિયન ટીમને ચૅમ્પિયન બનાવ્યા બાદ મેગ લૅનિંગે નિવૃત્તિ લઈ લીધી હતી અને હવે આ ટુર્નામેન્ટમાં ઑસ્ટ્રેલિયાનો દબદબો જાળવી રાખવાની જવાબદારી એલિસા હીલીના ખભા પર રહેશે જે વર્લ્ડ કપમાં પહેલી વાર ટીમનું નેતૃત્વ કરશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2020 અને કૉમનવેલ્થ ગેમ્સ 2022ની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. હરમનપ્રીત ૨૦૧૮થી ટીમનું નેતૃત્વ કરી રહી છે અને આ વખતે તેના પર દબાણ રહેશે, કારણ કે જો ટીમ નિષ્ફળ જશે તો તેણે તેની કૅપ્ટન્સી ગુમાવવી પડી શકે છે. પાકિસ્તાનની બાવીસ વર્ષની ફાતિમા સના આ વર્લ્ડ કપની યંગેસ્ટ કૅપ્ટન છે અને તે પહેલી વાર વર્લ્ડ કપમાં પાકિસ્તાનનું નેતૃત્વ કરતી જોવા મળશે.
ઉંમર અને T20 મૅચ રમવા મામલે હરમનપ્રીત કૌર આ વર્લ્ડ કપમાં સૌથી અનુભવી કૅપ્ટન છે. ૩૫ વર્ષ ૨૦૮ દિવસની ઉંમર ધરાવતી પંજાબની હરમનપ્રીત પાસે સૌથી વધુ ૧૭૩ T20 મૅચ રમવાનો અનુભવ છે. ઑસ્ટ્રેલિયાની ૩૪ વર્ષની એલિસા હીલી પાસે ૧૫૯ T20 મૅચ રમવાનો અનુભવ છે. ઑસ્ટ્રેલિયાની નજર ચોથી વાર T20 વર્લ્ડ કપ જીતવા પર હશે, જ્યારે ભારતની નજર પહેલી વાર વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચવા પર રહેશે.
૧૬ દિવસમાં ૨૩ મૅચ રમાશે
ગ્રુપ Aમાં ભારત, ઑસ્ટ્રેલિયા, પાકિસ્તાન, ન્યુ ઝીલૅન્ડ, શ્રીલંકા અને ગ્રુપ Bમાં ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા, બંગલાદેશ, સ્કૉટલૅન્ડ, વેસ્ટ ઇન્ડીઝની ટીમને એન્ટ્રી મળી છે. ત્રીજીથી ૧૫ ઑક્ટોબર વચ્ચે ૧૦ ટીમો વચ્ચે ગ્રુપ-સ્ટેજીની ૨૦ મૅચ રમાશે. ટૉપ-ફોર ટીમો વચ્ચે ૧૭ અને ૧૮ ઑક્ટોબરે સેમી ફાઇનલ મૅચ રમાશે. ૨૦ ઑક્ટોબરે આ T20 વર્લ્ડ કપની ચૅમ્પિયન ટીમ નક્કી થશે.
દરેક કૅપ્ટનની ઉંમર અને T20નો અનુભવ
હરમનપ્રીત કૌર (ભારત) ૩૫ વર્ષ ૨૦૮ દિવસ, ૧૭૩ મૅચ
એલિસા હીલી (ઑસ્ટ્રેલિયા) ૩૪ વર્ષ ૧૯૨ દિવસ, ૧૫૯ મૅચ
ચમરી અટાપટ્ટુ (શ્રીલંકા) ૩૪ વર્ષ ૨૩૬ દિવસ, ૧૩૮ મૅચ
સોફી ડિવાઇન (ન્યુ ઝીલૅન્ડ) ૩૫ વર્ષ ૩૧ દિવસ, ૧૩૭ મૅચ
હીધર નાઇટ (ઇંગ્લૅન્ડ) ૩૩ વર્ષ ૨૮૧ દિવસ, ૧૧૯ મૅચ
નિગાર સુલતાના ( બંગલાદેશ) ૨૭ વર્ષ ૬૨ દિવસ, ૯૯ મૅચ
હેલી મૅથ્યુઝ (વેસ્ટ ઇન્ડીઝ) ૨૬ વર્ષ ૧૯૭ દિવસ, ૯૬ મૅચ
એલ. વોલ્વાર્ટ (સાઉથ આફ્રિકા) ૨૫ વર્ષ ૧૫૯ દિવસ, ૭૨ મૅચ
કૅથરિન બ્રેસ (સ્કૉટલૅન્ડ) ૨૬ વર્ષ ૩૨૦ દિવસ, ૪૫ મૅચ
ફાતિમા સના (પાકિસ્તાન) ૨૨ વર્ષ ૩૨૯ દિવસ, ૪૩ મૅચ
આજની મૅચ કઈ ટીમો વચ્ચે?
૩.૩૦ વાગ્યે : બંગલાદેશ vs સ્કૉટલૅન્ડ
૭.૩૦ વાગ્યે : પાકિસ્તાન vs શ્રીલંકા
સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને ડિઝની+હૉટસ્ટાર પર જોઈ શકાશે.