ન્યુ ઝીલૅન્ડ જીત્યું પહેલવહેલો વિમેન્સ T20 વર્લ્ડ કપ

21 October, 2024 12:55 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

ફાઇનલમાં કિવીઓના ૧૫૯ રનના ટાર્ગેટ સામે શાનદાર શરૂઆત કર્યા બાદ સાઉથ આફ્રિકન ટીમનો ધબડકો, ૯ વિકેટે માત્ર ૧૨૬ રન બનાવી શકી,સાઉથ આફ્રિકાની ટીમ ફરી ચૉકર્સ સાબિત થઈ, ૨૦૨૩ aબાદ સતત બીજી T20 વર્લ્ડ કપ ફાઇનલ હારી ગઈ

ન્યુ ઝીલૅન્ડ તરફથી ઍમેલિયા કેર (૪૩ રન) અને બ્રૂક હૅલિડે (૩૮ રન)એ ચોથી વિકેટ માટે ૪૪ બૉલમાં ૫૭ રનની મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ કરી હતી. ઍમેલિયાએ (જમણે) બોલિંગમાં પણ ત્રણ વિકેટ લઈને કમાલ કરી હતી.

ગઈ કાલે દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાને ૩૨ રને હરાવીને ન્યુ ઝીલૅન્ડની ટીમ વિમેન્સ T20 વર્લ્ડ કપની નવી ચૅમ્પિયન બની છે. ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલી ન્યુ ઝીલૅન્ડની ટીમે ૧૫૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેની સામે સાઉથ આફ્રિકાની ટીમ ૯ વિકેટે ૧૨૬ રન બનાવીને ફરી ચૉકર્સ સાબિત થઈ હતી. 

ન્યુ ઝીલૅન્ડ ૨૦૦૦માં વન-ડે વર્લ્ડ કપ પણ જીત્યું હતું. સાઉથ આફ્રિકાની ટીમ ૨૦૨૩ બાદ સતત બીજી ફાઇનલ હારીને રનર-અપ રહી છે, જ્યારે ન્યુ ઝીલૅન્ડ ૨૦૦૯ અને ૨૦૧૦માં ટાઇટલ ચૂકી ગયા બાદ ત્રીજી વાર ફાઇનલ રમીને T20 વર્લ્ડ કપ જીત્યું છે. 

ન્યુ ઝીલૅન્ડની ઓપનિંગ બૅટર સુઝી બૅટ્સ (૩૨ રન)એ ફાઇનલ મૅચ રમીને મિતાલી રાજનો મહારેકૉર્ડ તોડ્યો હતો. તે ભારતની ભૂતપૂર્વ કૅપ્ટન મિતાલી રાજ (૩૩૩ મૅચ)ને પછાડીને સૌથી વધુ ૩૩૪ વિમેન્સ ઇન્ટરનૅશનલ મૅચ રમનાર ક્રિકેટર બની હતી. ન્યુ ઝીલૅન્ડ તરફથી ઍમેલિયા કેર (૪૩ રન) અને બ્રૂક હૅલિડે (૩૮ રન)એ ચોથી વિકેટ માટે ૪૪ બૉલમાં ૫૭ રનની પાર્ટનરશિપ કરીને ટીમનો સ્કોર પાંચ વિકેટે ૧૫૮ રન સુધી પહોંચાડ્યો હતો. સાઉથ આફ્રિકાની નૉનકુલુલેકો મ્લાબાએ બે વિકેટ લઈને પોતાની ૫૦ T20 ઇન્ટરનૅશનલ વિકેટ પૂરી કરી હતી.  

૧૫૯ રનના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકાની ઓપનિંગ જોડીએ ૬.૫ ઓવરમાં ૫૧ રનની પાર્ટનરશિપ કરીને હરીફ ટીમના બોલર્સનું મનોબળ તોડ્યું હતું, પણ ૨૪ વર્ષની ઑલરાઉન્ડર ઍમિલિયા કેરે ૧૦મી ઓવરમાં પાંચ રન આપીને બે વિકેટ લીધી હતી જેને કારણે સાઉથ આફ્રિકન ટીમની રન બનાવવાની ગતિ ધીમી પડી ગઈ હતી. સાઉથ આફ્રિકન ટીમ માટે ફાઇનલમાં સૌથી મોટી ઇનિંગ્સ કૅપ્ટન એલ. વૉલ્વાર્ડટ (૩૩ રન) રમી હતી. 

ન્યુ ઝીલૅન્ડ માટે ઍમિલિયા કેરે ૪ ઓવરમાં ૨૪ રન આપીને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

new zealand south africa womens world cup dubai t20 world cup cricket news sports news sports