06 October, 2024 12:37 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent
ન્યુ ઝીલૅન્ડની ખેલાડીઓ બીજો રન લઈ રહી હતી ત્યારે દીપ્તિ શર્માએ અમ્પાયર પાસેથી કૅપ લીધી હતી
વિમેન્સ T20 વર્લ્ડ કપ 2024માં ભારતને હરાવીને ન્યુ ઝીલૅન્ડની ટીમે વિજયી શરૂઆત કરી છે. આ મૅચમાં પહેલી ઇનિંગ્સની ૧૪મી ઓવરના અંતે જ્યારે ન્યુ ઝીલૅન્ડનો સ્કોર ૯૮/૩ હતો ત્યારે એક વિવાદાસ્પદ ઘટના બની હતી.
૧૪મી ઓવરના છેલ્લા બૉલ પર અમેલિયા કેર અને સોફી ડિવાઇને બીજો રન દોડવાનો પ્રયાસ કર્યો પણ વિકેટકીપર રિચા ઘોષે પોતાની સ્પીડથી અમેલિયા કેરને રનઆઉટ કરી હતી, પરંતુ અમ્પાયર્સે બૉલને ડેડ જાહેર કર્યો અને અમેલિયાને મેદાન બહાર જતાં રોકી, કારણ કે ભારતીય બોલર દીપ્તિ શર્માએ પહેલાં જ અમ્પાયર પાસેથી તેની કૅપ લઈ લીધી હતી જે નિયમો અનુસાર ઓવરના અંતનો સંકેત છે. આ મામલે ભારતીય કૅપ્ટન અને કોચ બન્નેએ અમ્પાયર્સ સાથે ઘણી ચર્ચા કરી હતી.
આ મૅચની પ્લેયર ઑફ ધ મૅચ અને કૅપ્ટન સોફી ડિવાઇને આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘એ ખરેખર એક રસપ્રદ મામલો હતો જેમાં મને લાગે છે કે ભારતના લયમાં ખલેલ પડ્યો. એ ક્રિકેટનો એક ભાગ છે, પરંતુ લોકોનો દૃષ્ટિકોણ હંમેશાં થોડો અલગ હોય છે. એ નિર્ણય અમ્પાયરોની વિવેકબુદ્ધિ પર નિર્ભર કરે છે.’