08 October, 2024 11:59 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
નિદા ડારને પૅવિલિયન તરફ જવાનો ઇશારો કરતી અરુંધતી રેડ્ડી
ભારતીય ફાસ્ટ બોલર અરુંધતી રેડ્ડીને વિમેન્સ T20 વર્લ્ડ કપ મૅચ દરમ્યાન પાકિસ્તાનની ભૂતપૂર્વ કૅપ્ટન નિદા ડારને આઉટ કર્યા બાદ આક્રમક ઍક્શન દર્શાવવા બદલ ICC દ્વારા ઠપકો આપવામાં આવ્યો છે. પાકિસ્તાનની ઇનિંગ્સની ૨૦મી ઓવરમાં ૨૮ રને નિદા ડારને આઉટ કર્યા બાદ અરુંધતી રેડ્ડીએ તેને પૅવિલિયન તરફ જવાનો ઇશારો કર્યો હતો. રેડ્ડીના શિસ્તના રેકૉર્ડમાં એક ડીમેરિટ પૉઇન્ટ ઉમેરવામાં આવ્યો છે. ૨૪ મહિનાના સમયગાળામાં આ તેનો પહેલો ગુનો છે. શિસ્તભંગ બદલ ઓછામાં ઓછો સત્તાવાર ઠપકો, ખેલાડીની મૅચ ફીના ૫૦ ટકાનો મહત્તમ દંડ અને એક કે બે ડીમેરિટ પૉઇન્ટ લાગે છે. જ્યારે કોઈ ખેલાડી ૨૪ મહિનાના સમયગાળામાં ચાર કે એથી વધુ ડીમેરિટ પૉઇન્ટ્સ સુધી પહોંચે છે ત્યારે તે આપમેળે સસ્પેન્શન પૉઇન્ટ્સમાં ફેરવાઈ જાય છે અને ખેલાડી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.