ભારતીય મહિલા ટીમની વિમેન્સ T20 વર્લ્ડ કપમાં પરાજય સાથે શરૂઆત

05 October, 2024 09:27 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડે ૫૮ રનથી શિકસ્ત આપી : કિવીઓના ૧૬૦ રન સામે ઇન્ડિયન મહિલાઓ માત્ર ૧૦૨ રનમાં આૅલઆઉટ : ૧૫ રનનો હાઇએસ્ટ સ્કોર કૅપ્ટન હરમન પ્રીત કૌરનો : હવે રવિવારે પાકિસ્તાન સામે જંગ

કૅપ્ટન સોફી ડિવાઇને મૅચવિનિંગ ૫૭ રન ફટકાર્યા હતા

વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ગઈ કાલે ભારતની શરૂઆત નિરાશાજનક રહી હતી. દુબઈમાં ન્યુ ઝીલૅન્ડ સામે રમાયેલી મૅચમાં ભારતીય મહિલાઓનો ૫૮ રનથી પરાજય થયો હતો. વિમેન્સ T20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં રનની દૃષ્ટિએ ન્યુ ઝીલૅન્ડ સામે ભારતનો આ સૌથી ભૂંડો પરાજય છે.

ન્યુ ઝીલૅન્ડે ગઈ કાલે પહેલાં બૅટિંગ કરી હતી અને ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૬૦ રન બનાવ્યા હતા. કૅપ્ટન સોફી ડિવાઇન ૩૬ બૉલમાં અણનમ ૫૭ રન કરીને ટૉપ-સ્કોરર રહી હતી. ભારતીય મહિલાઓ જવાબમાં ૧૯ ઓવરમાં માત્ર ૧૦૨ રન કરીને ઑલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય બૅટરોનો વ્યક્તિગત હાઇએસ્ટ સ્કોર ૧૫ હતો જે કૅપ્ટન હરમનપ્રીત કૌરે બનાવ્યો હતો.

સોફી ડિવાઇને ૫૭ રન કરવા ઉપરાંત ત્રણ કૅચ પણ પકડ્યા હતા એટલે તેને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવી હતી.

ભારતની આગામી મૅચ રવિવારે પાકિસ્તાન સામે છે.

સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડીઝને ૧૦ વિકેટથી આસાનીથી હરાવ્યું

વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ગઈ કાલે ગ્રુપ Bની મૅચમાં સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડીઝને ૧૦ વિકેટથી હરાવ્યું હતું. વેસ્ટ ઇન્ડીઝે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૧૮ રન કર્યા હતા, જેના જવાબમાં સાઉથ આફ્રિકાએ ૧૭.૫ ઓવરમાં એકેય વિકેટ ગુમાવ્યા વગર ૧૧૯ રન કરી લીધા હતા.

t20 world cup india indian womens cricket team new zealand cricket news sports sports news