04 October, 2024 10:43 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
ભારતીય ટીમ
UAEમાં આયોજિત વિમેન્સ T20 વર્લ્ડ કપ 2024માં આજે ભારતીય ટીમ ન્યુ ઝીલૅન્ડ સામે પોતાના મિશનની શરૂઆત કરશે. ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ અને સાઉથ આફ્રિકા સામે વૉર્મ-અપ મૅચ જીતી ચૂકી છે, જ્યારે ન્યુ ઝીલૅન્ડને વૉર્મ-અપ મૅચમાં ઇંગ્લૅન્ડ સામે હાર અને સાઉથ આફ્રિકા સામે જીત મળી છે. હરમનપ્રીત કૌર અને સોફી ડિવાઇનના નેતૃત્વ હેઠળની આ ટક્કરમાં સૌથી વધુ T20 મૅચ ન્યુ ઝીલૅન્ડ જીત્યું છે, પણ ન્યુ ઝીલૅન્ડની ટીમ આ વર્ષે T20માં સારું પ્રદર્શન કરી શકી નથી.
India W vs New Zealand W: આ વર્ષે રમાયેલી ૧૩ T20 મૅચમાંથી ન્યુ ઝીલૅન્ડની ટીમ માત્ર માર્ચ ૨૦૨૪માં ઇંગ્લૅન્ડ સામે એક જીત નોંધાવી શકી છે, જ્યારે ભારતીય ટીમ ૧૬માંથી ૧૧ મૅચ જીતી છે. દુબઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમતના ટૂંકા ફૉર્મેટ માટે સંતુલિત પિચ છે. અહીં બોલર અને બૅટર બન્નેને સમાન મદદ મળે છે. જોકે સ્પિનરોને સામાન્ય રીતે અહીં થોડો વધુ ટર્ન મળે છે. કૅપ્ટન ટૉસ જીત્યા બાદ પહેલાં બોલિંગ પસંદ કરી શકે છે. ન્યુ ઝીલૅન્ડ ૨૦૦૯ અને ૨૦૧૦ની ફાઇનલમાં વર્લ્ડ કપ જીતતાં ચૂકી ગયું હતું, જ્યારે ભારતીય ટીમ ૨૦૨૦માં રનર-અપ ટીમ બની હતી.
T20નો હેડ-ટુ-હેડ રેકૉર્ડ
કુલ મૅચ ૧૩
ભારતની જીત ૦૪
ન્યુ ઝીલૅન્ડની જીત ૦૯
રિટાયરમેન્ટ પહેલાં હું એક ICC ટ્રોફી જીતવા ઇચ્છું છું જેથી હું સંતોષ અને આનંદનો અનુભવ કરી શકું. - ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર
મૅચનો સમય - સાંજે ૭.૩૦ વાગ્યાથી