એક પણ મૅચ હાર્યા વગર ઑસ્ટ્રેલિયાએ સેમી ફાઇનલમાં એન્ટ્રી મારી

14 October, 2024 11:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાન-ન્યુ ઝીલૅન્ડની આજની મૅચના પરિણામ પરથી નક્કી થશે ગ્રુપ Aની બીજી સેમી ફાઇનલિસ્ટ ટીમ

ગઈ કાલે આઉટ થયા બાદ ખૂબ જ નિરાશ થઈ ગયેલી શફાલી વર્મા.

વિમેન્સ T20 વર્લ્ડ કપ ૨૦૨૪માં ગઈ કાલે શારજાહમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રોમાંચક મૅચ રમાઈ હતી. ડિફેન્ડિંગ ચૅમ્પિયને અંતિમ ગ્રુપ સ્ટેજ મૅચમાં ભારતને જીતવા માટે ૧૫૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કૅપ્ટન હરમનપ્રીત કૌર (૫૪ રન)ની ટીમ ૯ વિકેટે ૧૪૨ રન બનાવી શકી. ૯ રનની જીત અને શાનદાર રનરેટ સાથે ઑસ્ટ્રેલિયન ટીમ સેમી ફાઇનલમાં પહોંચી હતી.

ટૉસ જીતીને બૅટિંગ કરવા ઊતરેલી ઑસ્ટ્રેલિયન ટીમે ૨.૫ ઓવરમાં ૧૭ રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી. મીડિયમ ફાસ્ટ બોલર રેણુકા સિંહે સતત બે બૉલ પર બે વિકેટ લઈને ભારતીય ટીમને જબરદસ્ત શરૂઆત અપાવી હતી, પરતું ઓપનર ગ્રેસ હૅરિસ (૪૦ રન) અને તાહલિયા મૅક્ગ્રાથ (૩૨ રન) વચ્ચે ૫૪ બૉલમાં ૬૨ રનની પાર્ટનરશિપ થતાં ઑસ્ટ્રેલિયન ટીમનો આત્મવિશ્વાસ વધ્યો અને સ્કોર ૮ વિકેટે ૧૫૧ રન સુધી પહોંચી ગયો. કૅપ્ટન તાહલિયા મૅક્ગ્રાથ ૩૭ ઇનિંગ્સમાં ૧૦૦૦ T20 ઇન્ટરનૅશનલ રન ફટકારનાર ફાસ્ટેસ્ટ ઑસ્ટ્રેલિયન બની હતી. 

ભારત માટે રેણુકા સિંહ અને દીપ્તિ શર્માએ સૌથી વધુ બે-બે વિકેટ ઝડપી હતી. સજના સજીવનના સ્થાને ટીમમાં વાપસી કરનાર ફાસ્ટ બોલર પૂજા વસ્ત્રાકરે ત્રણ ઓવરમાં બાવીસ રન આપ્યા બાદ એક વિકેટ ઝડપીને પોતાની ૧૦૦ ઇન્ટરનૅશનલ વિકેટ પૂરી કરી હતી. 

બીજી ઇનિંગ્સમાં ભારતની ઓપનિંગ જોડીએ ૩.૩ ઓવર સુધીમાં ૨૬ રનની પાર્ટનરશિપ કરીને સારી શરૂઆત કરી હતી. શફાલી વર્મા (૨૦ રન) અને જેમિમા રૉડ્રિગ્સ (૧૬ રન) ઇનિંગ્સને ઝડપી બનાવવાના ચક્કરમાં કૅચઆઉટ થઈ ગયાં હતાં. દીપ્તિ શર્મા (૨૯ રન)એ કૅપ્ટન હરમનપ્રીત કૌર સાથે મળીને ચોથી વિકેટ માટે પંચાવન બૉલમાં ૬૩ રનની ઇનિંગ્સ રમી હતી. છેલ્લા ૧૨ બૉલમાં ૨૮ રનની જરૂર હતી ત્યારે પૂજા અને હરમનપ્રીતે કેટલાક મોટા શૉટ રમીને મૅચને રોમાંચક વળાંક આપ્યો હતો. લાસ્ટ ઓવરમાં જીતવા માટે ૧૪ રનની જરૂર હતી ત્યારે ટીમ ઇન્ડિયાએ પૂજા, અરુંધતી રેડ્ડી અને શ્રેયંકા પાટીલની વિકેટ ગુમાવી દીધી અને જીતવાની બાજી પણ હારી ગઈ. 

આજની પાકિસ્તાન અને ન્યુ ઝીલેન્ડની મૅચના રિઝલ્ટ અને નેટ રનરેટના આધારે ગ્રુપ Aની બીજી સેમી ફાઇનલિસ્ટ ટીમ નક્કી થશે. મૅચ સાંજે ૭.૩૦ વાગ્યે શરૂ થશે.

india australia t20 world cup harmanpreet kaur indian womens cricket team cricket news sports sports news new zealand