વિમેન્સ T20 વર્લ્ડ કપની નવી ચૅમ્પિયન બનવા આજે ન્યુ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે જંગ

20 October, 2024 08:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૦૯ અને ૨૦૧૦માં ન્યુ ઝીલૅન્ડ તથા ૨૦૨૩માં સાઉથ આફ્રિકાની ટીમ ફાઇનલમાં હારી હતી

મ્યુઝિયમ ઑફ ફ્યુચરની સામે વર્લ્ડ કપ ટ્રોફી સાથે ફોટો પડાવતી બન્ને ફાઇનલિસ્ટ ટીમની કૅપ્ટન્સ.

આજે દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં વિમેન્સ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મૅચ ન્યુ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. આ ટક્કરથી દુનિયાને વિમેન્સ T20 વર્લ્ડ કપની નવી ચૅમ્પિયન ટીમ મળશે. બન્ને ટીમ આ પહેલાં ક્યારેય T20 વર્લ્ડ કપ જીતી શકી નથી. ન્યુ ઝીલૅન્ડની ટીમ ૨૦૦૯ અને ૨૦૧૦માં જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ ઘરઆંગણે ૨૦૨૩માં રનર-અપ રહી હતી. 
ન્યુ ઝીલૅન્ડને ૨૦૦૯માં ઇંગ્લૅન્ડ સામે ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ઑસ્ટ્રેલિયન ટીમે ૨૦૧૦માં ન્યુ ઝીલૅન્ડ અને ૨૦૨૩માં સાઉથ આફ્રિકાને ફાઇનલમાં હરાવીને તેમનું પહેલી વાર T20 વર્લ્ડ કપ જીતવાનું સપનું ચકનાચૂર કર્યું હતું. આ ટુર્નામેન્ટની આ નવમી ફાઇનલ મૅચ છે. આ પહેલાં સતત સાત ફાઇનલ રમનાર અને ૬ વારની ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયન ટીમ આ વખતે ફાઇનલમાં ન હોવાથી પહેલી વાર નવી ચૅમ્પિયન ટીમ મળશે. ૨૦૦૯ બાદ આ પહેલી વાર છે જ્યારે ઑસ્ટ્રેલિયન ટીમ ફાઇનલમાં એન્ટ્રી કરતાં ચૂકી ગઈ છે.

સેમી ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે આઠ વિકેટથી શાનદાર જીતને કારણે સાઉથ આફ્રિકન ટીમનું મનોબળ નોંધપાત્ર રીતે વધ્યું હશે. આ ટીમ પાસે સાઉથ આફ્રિકા ક્રિકેટને પહેલો વર્લ્ડ કપ જિતાડીને ચોકર્સનો ટેગ હટાવવાની પૂરેપૂરી તક છે. જોકે આ ટીમ ન્યુ ઝીલૅન્ડ સામે આ ફૉર્મેટમાં વધારે સફળ રહી નથી.

આ વર્લ્ડ કપ પહેલાં ન્યુ ઝીલૅન્ડની ટીમ આ વર્ષે ૧૩ T20 મૅચ રમી હતી અને માત્ર એકમાં જીત મેળવી શકી હતી, પરંતુ ગ્રુપ Aમાં શાનદાર પ્રદર્શન કરીને આ ટીમે જોરદાર વાપસી કરી છે. ૨૦૧૬ની ચૅમ્પિયન વેસ્ટ ઇન્ડીઝને સેમી ફાઇનલમાં આઠ રને હરાવીને ત્રીજી વાર ફાઇનલ રમવા તૈયાર આ ટીમ કૅપ્ટન સોફી ડિવાઇનને શાનદાર ફેરવેલ આપવાનો ટાર્ગેટ રાખશે. ૩૫ વર્ષની સોફી ડિવાઇને આ ટુર્નામેન્ટ બાદ T20 ફૉર્મેટની કૅપ્ટન્સી છોડીને નવા ખેલાડીઓને કૅપ્ટન્સીની તક આપવાની રજૂઆત કરી છે. ન્યુ ઝીલૅન્ડની ટીમ વર્ષ ૨૦૦૦માં વન-ડે વર્લ્ડ કપ જીતી ચૂકી છે. 

new zealand south africa cricket news world cup womens world cup sports news sports