27 June, 2024 12:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
જૂન મહિનામાં મેન્સ T20ની ક્રિકેટ ઍક્શન બાદ હવે જુલાઈમાં વિમેન્સ T20નો રોમાંચ જોવા મળશે. શ્રીલંકામાં ૧૯થી ૨૮ જુલાઈ વચ્ચે વિમેન્સ T20 એશિયા કપ રમાશે. ૧૯ જુલાઈએ ભારતીય ટીમ પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ફરી એક વાર આ ટુર્નામેન્ટમાં મૅચ-અધિકારીઓની ભૂમિકામાં તમામ મહિલા-અધિકારીઓ હશે. ભારત એશિયા કપમાં સાત ટાઇટલ સાથે સૌથી સફળ ટીમ છે. આ ટુર્નામેન્ટ ૨૦૧૨થી T20 ફૉર્મેટમાં રમાઈ રહી છે.
આ વર્ષે આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત, પાકિસ્તાન, યુએઈ અને નેપાલને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યાં છે; જ્યારે શ્રીલંકા, બંગલાદેશ, થાઇલૅન્ડ અને મલેશિયાને ગ્રુપ Bમાં રાખવામાં આવ્યાં છે. દરેક દિવસે બપોરે બે અને સાંજે ૭ વાગ્યે ૧-૧ મૅચ રમાશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) દ્વારા જાહેર કરાયેલા શેડ્યુલ મુજબ પાકિસ્તાન સામે રમ્યા બાદ ભારત ૨૧ જુલાઈએ યુએઈ અને ૨૩ જુલાઈએ નેપાલ સામે ટકરાશે. દરેક જૂથમાંથી ટોચની બે ટીમ ૨૬ જુલાઈએ સેમી ફાઇનલ માટે ક્વૉલિફાય થશે. ફાઇનલ ૨૮ જુલાઈએ યોજાશે.
હવે સાઉથ આફ્રિકન મહિલાઓને ટેસ્ટમૅચમાં કચડી નાખવાની તૈયારી
સાઉથ આફ્રિકાની વિમેન્સ ટીમને વન-ડે સિરીઝમાં ૩-૦થી હરાવ્યા પછી ભારતીય મહિલા ટીમ આવતી કાલથી ચેન્નઈમાં એની સામે એક ટેસ્ટમૅચ રમશે. આ ટેસ્ટમૅચ માટે ભારતીય ખેલાડીઓ ગઈ કાલે એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ કરતી જોવા મળી હતી.