26 February, 2025 05:28 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) સામે સુપર ઓવરમાં રોમાંચક જીતથી ઉત્સાહિત યુપી વૉરિયર્સને વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં પોતાનો લય જાળવી રાખવા માટે આજે મુંબઈ ઇન્ડિયન્સના કઠિન પડકારનો સામનો કરવો પડશે. કૅપ્ટન દીપ્તિ શર્માની ટીમ યુપી વૉરિયર્સે સતત બે મૅચ હાર્યા બાદ દિલ્હી કૅપિટલ્સ સામે ચિનેલ હેન્રીની આઠમા ક્રમની ઐતિહાસિક ૬૦ પ્લસ રનની ઇનિંગ્સ અને બૅન્ગલોર સામે સોફી એક્લેસ્ટનના ઑલરાઉન્ડર પ્રદર્શનને આધારે બૅક-ટુ-બૅક જીત નોંધાવી છે.
બન્ને ટીમ ચાર પૉઇન્ટ સાથે પૉઇન્ટ્સ-ટેબલમાં ટૉપ-થ્રીમાં સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે. કૅપ્ટન હરમનપ્રીત કૌરની ટીમ મુંબઈએ આ ટીમ સામે પાંચમાંથી ત્રણ મૅચ જીતી છે, જ્યારે બે મૅચ જીતનારી યુપી વૉરિયર્સે બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી એકમાત્ર ટક્કરમાં મુંબઈ સામે ૨૦૨૪માં બાજી મારી હતી. યુપી વૉરિયર્સ WPL 2025ની અગિયારમી મૅચમાં આજે વિજયની હૅટ-ટ્રિક કરવાનો પ્રયત્ન કરશે.