28 February, 2025 07:00 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
WPL 2025ની બારમી મૅચ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ત્રીજી સીઝનની અડધી સફર સમાપ્ત થઈ ગઈ છે. આજે WPL 2025ની બારમી મૅચ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. બન્ને ટીમ વચ્ચેની પાંચ મૅચમાંથી બૅન્ગલોર ત્રણ અને ગુજરાત બે જીત્યું છે. આજે બન્ને વચ્ચે આ સીઝનની બીજી ટક્કર થશે. પહેલી જ મૅચમાં બન્ને ટીમે મળીને પહેલી વાર મૅચમાં ઐતિહાસિક ૪૦૦ પ્લસ રન ફટકારીને ટુર્નામેન્ટની શાનદાર શરૂઆત કરાવી હતી જેમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ ટુર્નામેન્ટનો પહેલો ૨૦૦ પ્લસ રનનો સફળ રન-ચેઝ કરવાનો રેકૉર્ડ બનાવ્યો હતો.
હાલમાં બન્ને ટીમ સંઘર્ષ કરી રહી છે. બૅન્ગલોર પહેલી બે મૅચ જીત્યા બાદ મુંબઈ ઇન્ડિયન્સ અને યુપી વૉરિયર્સ સામે સતત બે મૅચ હાર્યું છે, જ્યારે ગુજરાત ચારમાંથી માત્ર એક મૅચ જીત્યું છે. સોમવારે બૅન્ગલોર યુપી સામે સુપર ઓવરમાં હારી ગર્યું હતું, જ્યારે ગુજરાતે મંગળવારે દિલ્હી કૅપિટલ્સ સામે ૬ વિકેટે હારનો સામનો કર્યો હતો. બૅન્ગલોર અને ગુજરાત આજે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઊતરશે ત્યારે બન્નેનો પ્રયાસ પોતાના અભિયાનને ફરી પાટા પર લાવવાનો રહેશે.