midday

બે વાર WPL ટાઇટલ જીતનારી પહેલી ટીમ બની મુંબઈ ઇન્ડિયન્સ

17 March, 2025 06:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફાઇનલમાં મુંબઈએ આપેલા ૧૫૦ રનના ટાર્ગેટ સામે નવ વિકેટે ૧૪૧ રન બનાવી શકી દિલ્હીની ટીમ : ફાઇનલ હારવાની હૅટ-ટ્રિક કરીને દિલ્હી કૅપિટલ્સ WPLની ચોકર્સ બની
વિજય પછી ખુશખુશાલ નીતા અંબાણી

વિજય પછી ખુશખુશાલ નીતા અંબાણી

મુંબઈના બ્રેબર્ન સ્ટેડિયમમાં વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ત્રીજી સીઝનની રોમાંચક ફાઇનલ મૅચ રમાઈ હતી. ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલી મુંબઈ ઇન્ડિયન્સે કૅપ્ટન હરમનપ્રીત કૌરની હાઇએસ્ટ ૬૬ રનની ઇનિંગ્સની મદદથી સાત વિકેટ ગુમાવીને ૧૫૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં દિલ્હીએ નવ વિકેટે ૧૪૧ રન બનાવીને ૮ રને ફાઇનલ મૅચ હારી હતી. આ સાથે પહેલી વાર ટાર્ગેટ ડિફેન્ડ કરીને કોઈ ટીમ આ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ જીતી છે. મુંબઈની ટીમ બે વાર આ ટાઇટલ જીતનારી પહેલી ટીમ પણ બની છે.

નોરા ફતેહીએ ધમાકેદાર ડાન્સ કરીને વધાર્યો ફાઇનલ મૅચનો રોમાંચ.

દિલ્હીની મીડિયમ ફાસ્ટ બૉલર મેરિઝાન કૅપ (૧૧ રનમાં બે વિકેટ)એ શરૂઆતથી જ ધારદાર બોલિંગ કરીને ૪.૩ ઓવરમાં ૧૪ રનના સ્કોર પર મુંબઈની બન્ને ઓપનર્સને પૅવિલિયન ભેગી કરી દીધી હતી. અહીંથી કૅપ્ટન હરમનપ્રીત કૌર (૪૪ બૉલમાં ૬૬ રન) અને સ્ટાર બૅટર નૅટ સાયવર બ્રન્ટ (૨૮ બૉલમાં ૩૦ રન)એ ૬૨ બૉલમાં ૮૯ રનની પાર્ટનરશિપ કરીને WPL ફાઇનલમાં હાઇએસ્ટ પાર્ટનરશિપ કરવાનો પોતાનો ૨૦૨૩નો ૭૨ રનનો રેકૉર્ડ તોડ્યો હતો. નવ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૬૬ રનની ઇનિંગ્સ રમીને હરમનપ્રીત કૌર WPL ફાઇનલમાં ફિફ્ટી ફટકારનારી પહેલી કૅપ્ટન બની હતી. દિલ્હીની સ્પિનર્સ જેસ જોનાસેન (૨૬ રનમાં બે વિકેટ) અને એન. ચારાણી (૪૩ રનમાં બે વિકેટ)એ અંતિમ ઓવર્સમાં મુંબઈના બૅટર્સને અંકુશમાં રાખ્યા હતા. સાત વિકેટે ૧૪૯ રન ફટકારીને મુંબઈએ WPL ફાઇનલની પહેલી ઇનિંગ્સનો હાઇએસ્ટ સ્કોર કર્યો હતો.

૧૦૦૦થી વધુ રનની પાર્ટનરશિપ કરી ચૂકેલી દિલ્હીની ઓપનિંગ જોડી શફાલી વર્મા (નવ બૉલમાં ચાર રન) અને કૅપ્ટન મેગ લૅનિંગ (નવ બૉલમાં ૧૩ રન)એ ત્રણ ઓવરમાં ૧૭ રનના સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. મિડલ ઑર્ડર બૅટર જેમિમા રૉડ્રિગ્સ (૨૦ બૉલમાં ૩૦ રન)એ ત્રીજી વિકેટ માટે જેસ જોનાસેન (૧૫ બૉલમાં ૧૩ રન) સાથે ૨૦ રન અને મેરિઝાન કૅપ સાથે પાંચમી વિકેટ માટે બાવીસ રનની પાર્ટનરશિપ કરી જીતની આશા જીવંત રાખી હતી. સ્પિનર મેલી કેર (પચીસ રનમાં બે વિકેટ)એ આ બન્નેની ભાગીદારી તોડી હતી. મેરિઝાન કૅપ (૨૬ બૉલમાં ૪૦ રન) અને નિકી પ્રસાદ (૨૩ બૉલમાં પચીસ રન અણનમ)એ સાતમી વિકેટ માટે ૨૮ બૉલમાં ૪૦ રનની પાર્ટનરશિપ કરીને મૅચને રસપ્રદ બનાવી હતી. અંતિમ ઓવર્સમાં નેટ સાયવર બ્રન્ટે ત્રણ વિકેટ ઝડપીને પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું.

હરમનપ્રીત કૌર

WPLમાં ૧૦૦૦+ અને એક સીઝનમાં ૫૦૦+ રન ફટકારનારી પહેલી બૅટર બની નૅટ સાયવર બ્રન્ટ

ફાઇનલ મૅચમાં ચાર ચોગ્ગાની મદદથી ૩૦ રનની ઇનિંગ્સ રમનાર મુંબઈની મિડલ ઑર્ડર બૅટર નૅઐટ સાયવર બ્રન્ટે સીઝનના અંતે પણ મોટા રેકૉર્ડ પોતાના નામે કર્યા હતા. ૨૯ ઇનિંગ્સમાં આઠ ફિફ્ટીની મદદથી ૧૦૨૭ રન ફટકારીને તે આ ટુર્નામેન્ટમાં ૧૦૦૦ પ્લસ રન કરનારી પહેલી બૅટર બની ગઈ છે. આ સીઝનમાં ૧૦ ઇનિંગ્સમાં સૌથી વધુ પાંચ ફિફ્ટીની મદદથી તેણે ૫૨૩ રન ફટકાર્યા છે. તેણે એક સીઝનમાં ૪૦૦ પ્લસ રન બાદ ૫૦૦ પ્લસ રન કરનાર પહેલી બૅટર બનવાની સિદ્ધિ પણ પોતાને નામે કરી હતી.

ત્રણેય સીઝનમાં નંબર-વન હોવા છતાં ફાઇનલમાં બાજી હારે છે દિલ્હી 
દિલ્હી કૅપિટલ્સ આ ટુર્નામેન્ટની ત્રણેય સીઝનમાં ગ્રુપ-સ્ટેજ બાદ પૉઇન્ટ ટેબલમાં નંબર-વનના સ્થાન પર રહ્યું છે, પણ ત્રણેય સીઝનમાં આ ટીમ ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી છે. આ પહેલાં ફાઇનલમાં દિલ્હીને ૨૦૨૩માં મુંબઈ સામે સાત વિકેટ અને બૅન્ગલોર સામે આઠ વિકેટે કારમી હાર મળી હતી. 

womens premier league mumbai indians delhi capitals cricket news sports news indian womens cricket team sports mumbai