13 February, 2023 02:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર
આજે એક તરફ સાઉથ આફ્રિકામાં વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ મુંબઈના બીકેસીમાં આવેલા જિયો વર્લ્ડ સેન્ટરમાં પાંચ ટીમના માલિકો વિમેન્સ પ્રીમિયર લીગ માટે પોતાની ટીમના ખેલાડીઓની પસંદગી કરશે. વિમેન્સ પ્રીમિયર લીગની મૅચો ૪થી ૨૫ માર્ચ દરમ્યાન મુંબઈના બ્રેબર્ન સ્ટેડિયમ અને ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાશે. દરેક ટીમ કુલ ૯૦ ખેલાડીઓની પસંદગી કરશે. કુલ ૪૦૯ ખેલાડીઓએ હરાજી માટે પોતાના નામની નોંધણી કરાવી છે. એક નજર પાંચ ખેલાડીઓ પર જેના માટે માલિકો ૧.૨૫થી ૨ કરોડ સુધીની રકમ વાપરશે.
હરમનપ્રીત કૌર
ભારતીય મહિલા ટીમની કૅપ્ટન અને આક્રમક બૅટરને ખરીદવા માટે પણ માલિકો ઉત્સુક હશે. જરૂર પડે તો તે બોલિંગ પણ કરી શકે છે. તેણે ૧૪૬ મૅચમાં ૨૮.૨૬ની ઍવરેજથી ૨૯૪૦ રન બનાવ્યા છે, જેમાં ૯ હાફ-સેન્ચુરી અને એક સેન્ચુરી સામેલ છે. એ ઉપરાંત તેણે ૩૨ વિકેટ પણ લીધી છે. તેની પાસે વિમેન્સ બીબીએલમાં રમવાનો પણ અનુભવ છે.
સ્મૃતિ મંધાના
તમામ પાંચ ટીમના માલિકોની નજર આ ખેલાડી પર હશે, કારણ કે તેની પોતાની ઓળખ છે. એ ઉપરાંત તે સારું પ્રદર્શન કરે છે. વળી તે હાલની ભારતીય મહિલા ટીમની કૅપ્ટન છે. વિમેન્સ બિગ બેશ લીગ અને વિમેન્સ હન્ડ્રેડમાં પણ તે રમી ચૂકી છે. તેની સૌથી મોટી ખાસિયત સાતત્યપૂર્ણ રમત છે, જે તેને ટી૨૦ની મહત્ત્વની ખેલાડી બનાવે છે. હાલમાં તે થોડા ખરાબ ફૉર્મમાં છે અને ઈજાગ્રસ્ત છે, પરંતુ એનાથી તેની ડિમાન્ડમાં કોઈ ફરક પડવાનો નથી.
શેફાલી વર્મા
તેની ગણના સૌથી આક્રમક બૅટર તરીકે થાય છે. તેણે શરૂઆત હરિયાણા તરફથી રમીને કરી છે. શેફાલી હાલમાં તેની કરીઅરની ઊંચાઈ પર છે. પાંચેપાંચ ટીમના માલિકો લાંબા ગાળાનો વિચાર કરીને એક યુવા ખેલાડી પર દાવ રમવાનું પસંદ કરશે. વળી તાજેતરમાં તેણે વિમેન્સ અન્ડર-19 વર્લ્ડ કપ જીતીને પોતાની ક્ષમતા પુરવાર કરી છે.
આ પણ વાંચો: વિમેન્સ પ્રીમિયર લીગમાં કોને લાગશે જૅકપૉટ?
અલીઝા હીલી
વિમેન્સ ગેમમાં તે સૌથી લાંબી સિક્સર ફટકારે છે. ભાગ્યે જ કોઈ મહિલા ખેલાડી બૉલને આટલા જોરથી ફટકારતી હશે. ૨૦૨૦ના ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં તેણે ભારતીય ટીમની હાલત ખરાબ કરી નાખી હતી. વળી તે એક વિકેટકીપર પણ હોવાથી એક કમ્પ્લીટ પૅકેજ છે. તાજેતરમાં ન્યુ ઝીલૅન્ડ સામેની મૅચમાં તેણે શાનદાર હાફ સેન્ચુરી ફટકારી હતી.
મૅરિઝૅન કૅપ
સાઉથ આફ્રિકાની આ ખેલાડીએ ઑલરાઉન્ડર તરીકે ઘણી ખ્યાતિ મેળવી છે. એક ફાસ્ટ બોલર તરીકે તે એલિસ પેરી અને એશ્લે ગાર્ડનર જેવી ઘાતક છે. એ ઉપરાંત લો ઑર્ડરમાં વિસ્ફોટક બૅટિંગ પણ કરી જાણે છે. પર્થ સ્કૉચર્સના ખેલાડી તરીકે વિમેન્સ બિગ બેશ લીગનું ૨૦૨૧નું ટાઇટલ જિતાડવામાં તેણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.