વિમેન્સ એશિયા કપમાં પહેલી વાર વિજેતા બની શ્રીલંકન ટીમ

29 July, 2024 10:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાત વારની ચૅમ્પિયન ભારતીય ટીમને ૮ વિકેટે આસાનીથી હરાવી

પહેલી વાર T20 વિમેન્સ એશિયા કપમાં જીત મેળવ્યા બાદ સેલિબ્રેશન કરતી શ્રીલંકન મહિલા ટીમ

ગઈ કાલે T20 વિમેન્સ એશિયા કપની ફાઇનલમાં ભારતીય ટીમને ૮ વિકેટે હરાવીને શ્રીલંકન ટીમે ઇતિહાસ રચ્યો હતો. સાત વારની ચૅમ્પિયન ભારતીય ટીમે ૬ વિકેટ ગુમાવીને ૧૬૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો. શ્રીલંકન ટીમે માત્ર બે વિકેટે ૧૬૭ રન બનાવી ૮ બૉલ પહેલાં ૮ વિકેટે જીત મેળવીને પહેલી વાર વિમેન્સ એશિયા કપનું ટાઇટલ જીત્યું હતું. ૨૦૧૮માં બંગલાદેશ સામે ફાઇનલમાં હારનાર ભારતીય ટીમ બીજી વાર આ ટુર્નામેન્ટમાં રનર-અપ ટીમ બની હતી.

સ્મૃતિ માન્ધનાના ૬૦ રન અને રિચા ઘોષના ૩૦ રનની મદદથી ભારતીય ટીમનો સ્કોર ૧૬૦ને પાર ગયો હતો. બીજી જ ઓવરમાં સાત રને શ્રીલંકાની પહેલી વિકેટ ઝડપીને ભારતીય બોલિંગે સારી શરૂઆત કરી હતી, પણ કૅપ્ટન ચમરી અટાપટ્ટુ (૬૧ રન) અને હર્ષિતા સમરવિક્રમા (૬૯ રન)એ સાથે મળી ૮૭ રનની પાર્ટનરશિપ કરીને જીતની સ્ક્રિપ્ટ લખી નાખી હતી. બારમી ઓવર બાદ પ્લેયર ઑફ ધ મૅચ હર્ષિતા સમરવિક્રમાએ કવિશા દિલહારી (૩૦ રન) સાથે ૭૩ રનની પાર્ટનરશિપ કરીને શ્રીલંકન ટીમને યાદગાર જીત અપાવી હતી.

ટુર્નામેન્ટના ઇતિહાસમાં પહેલી વાર એક મૅચમાં બન્ને ટીમે ૧૫૦ પ્લસનો સ્કોર કર્યો હતો. શ્રીલંકન ટીમે આ ફૉર્મેટમાં પોતાનો હાઇએસ્ટ ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ટુર્નામેન્ટમાં ફાઇનલ પહેલાં અજેય રહેલી બન્ને ટીમે મળીને ફાઇનલમાં ૩૩૨ રન બનાવ્યા હતા, જે ટુર્નામેન્ટના ઇતિહાસમાં એક મૅચના હાઇએસ્ટ રન છે. પહેલી વાર આ ટુર્નામેન્ટનું ટાઇટલ જીતતાં જ શ્રીલંકન ક્રિકેટ બોર્ડે શ્રીલંકાની ટીમ અને સપોર્ટ સ્ટાફ માટે ૧,૦૦,૦૦૦ યુએસ ડૉલરના ઇનામની જાહેરાત કરી હતી. 

હું ખુશ છું કે અમે છેલ્લા ૧૨ મહિનાથી આટલું સારું રમી રહ્યા છીએ અને આ ટાઇટલ જીત્યું છે. આટલી મોટી સંખ્યામાં મૅચ જોવા આવેલા શ્રીલંકાના લોકોનો આભાર. - શ્રીલંકન કૅપ્ટન ચમરી અટાપટ્ટુ

અમે પણ અત્યાર સુધી સારું રમ્યા છીએ, પરંતુ આજે અમે ઘણી ભૂલો કરી જેની અમને કિંમત ચૂકવવી પડી. આ દિવસને યાદ રાખીશું અને સખત મહેનત કરીશું. - ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર 

asia cup india indian womens cricket team sri lanka cricket news sports sports news