ભારતીય મહિલાઓએ કરી કમાલ, UAEને હરાવી એશિયા કપની સેમી ફાઈનલમાં મારી એન્ટ્રી

21 July, 2024 06:30 PM IST  |  Dambulla | Gujarati Mid-day Online Correspondent

Women`s Asia Cup T20 2024: India vs United Arab Emirates – ભારતીય મહિલા ક્રિકેટ ટીમે યૂએઈની મહિલા ટીમને ૭૮ રને હરાવી

ફાઇલ તસવીર

શ્રીલંકા (Sri Lanka)માં ચાલી રહેલા મહિલા એશિયા કપ ૨૦૨૪ (Women`s Asia Cup T20 2024)માં આજે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian Women’s Cricket Team) અને સંયુક્ત આરબ અમીરાત (United Arab Emirates) વચ્ચે જબરજસ્ત મુકાબલો જામ્યો હતો. જેમાં ભારતીય મહિલા ટીમે (Women`s Asia Cup T20 2024: India vs United Arab Emirates) યુએઇને ૭૮ રને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે યુએઈને ૭૮ રને હરાવીને એશિયા કપ ટી૨૦ ૨૦૨૪ની સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. દાંબુલા (Dambulla)માં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ એકતરફી રમત રમી અને યુએઈને ૭૮ રનથી હરાવ્યું છે. પહેલા ટીમે રિચા ઘોષ (Richa Ghosh) અને કેપ્ટન હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur)ની જોરદાર ઇનિંગ્સના આધારે ૨૦ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૨૦૧ રન બનાવ્યા હતા. જવાબમાં યુએઈની ટીમ ૨૦ ઓવર રમવામાં સફળ રહી હતી પરંતુ સાત વિકેટ ગુમાવીને ૧૨૩ રન જ બનાવી શકી હતી.

ભારતે પ્રથમ વખત T20માં ૨૦૦નો આંકડો પાર કર્યો હતો. રિચા અને હરમનપ્રીતની તોફાની ઈનિંગ્સ ટીમને આ સ્થાન સુધી લઈ ગઈ. રિચાએ અદભૂત બેટિંગ કરી. જમણા હાથની બેટ્સમેને ૨૯ બોલમાં ૧૨ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ ૬૪ રન બનાવ્યા હતા. હરમનપ્રીત કૌરે ૪૭ બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૬૬ રનની ઇનિંગ રમી હતી.

બેટિંગમાં ભારત તરફથી રિચા, હરમનપ્રીત અને શેફાલી વર્મા (Shafali Verma)એ બેટિંગ કરી તો બોલરોએ ટીમની જીતમાં સંયુક્ત યોગદાન આપ્યું. પાંચેય બોલરોને વિકેટ મળી હતી. ટીમની અનુભવી સ્પિનર ​​દીપ્તિ શર્મા (Deepti Sharma)એ સૌથી વધુ બે વિકેટ લીધી હતી. રેણુકા સિંહ (Renuka Singh), તનુજા કંવર (Tanuja Kanwar), પૂજા વસ્ત્રાકર (Pooja Vastrakar) અને રાધા યાદવ (Radha Yadav)ને એક-એક વિકેટ મળી હતી. UAEના પાંચ બેટ્સમેન બે આંકડા સુધી પણ પહોંચી શક્યા ન હતા. ટીમ માટે કૅપ્ટન ઈશા ઓઝા (Esha Oza)એ સૌથી વધુ ૪૦ રન બનાવ્યા હતા. તેણે ૩૨ બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ ઈનિંગ રમી હતી. કેપ્ટન ઈશા ઓઝાએ ૩૬ બોલમાં ૩૮ રન બનાવ્યા હતા. આ બે સિવાય માત્ર ખુશી શર્મા (Khushi Sharma) જ ડબલ ડિજિટ સુધી પહોંચી શકી હતી. તેણે ૧૦ રનની ઇનિંગ રમી હતી.

UAEની કેપ્ટન આ મેચમાં માત્ર ટોસ જીતી શકી હતી, ત્યારબાદ તેણે ભારતને પ્રથમ બેટિંગ કરવા કહ્યું હતું. સ્મૃતિ મંધાના (Smriti Mandhana) ત્રીજી ઓવરમાં જ પેવેલિયન પરત ફરી હતી જેનાથી ટીમ ઈન્ડિયા પર દબાણ વધી ગયું હતું. જોકે, શેફાલી વર્માએ ઝડપથી રન બનાવીને આ દબાણ ઓછું કર્યું હતું. ત્યારે ટીમ ઈન્ડિયા બે બોલમાં બે વિકેટ ગુમાવીને બેક ફૂટ પર આવી ગઈ હતી. શેફાલી પાંચમી ઓવરના છેલ્લા બોલ પર પેવેલિયન પહોંચી હતી અને છઠ્ઠી ઓવરના પહેલા બોલ પર ડાયલન હેમલતા (Dayalan Hemalatha) આઉટ થઈ હતી. શેફાલીએ ૧૮ બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૩૭ રન બનાવ્યા હતા. હેમલતા માત્ર બે રન બનાવી શકી હતી. આ પછી હરમનપ્રીત અને રિચાએ ભાગીદારી કરી અને ટીમની કમાન સંભાળી. બંનેએ પાંચમી વિકેટ માટે ૪૫ બોલમાં ૭૫ રનની ભાગીદારી કરી હતી. હરમનપ્રીત છેલ્લી ઓવરના પહેલા બોલ પર આઉટ થઈ ગઈ હતી. રિચાએ છેલ્લા પાંચ બોલ પર સતત પાંચ ચોગ્ગા ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી અને ટીમને ૨૦૦ રનથી આગળ લઈ ગઈ.

આખરે ભારતીય મહિલાઓએ બેટિંગ અને બોલિંગમાં કમાલ કરીને યુએઈ સામે મેચ જીતી લીધી હતી.

asia cup indian womens cricket team india united arab emirates cricket news sports sports news