14 February, 2023 01:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર
માર્ચમાં પહેલી જ વાર રમાનારી વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ) માટે ગઈ કાલે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ ખાતેના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં સૌપ્રથમ પ્લેયર્સ ઑક્શન યોજાયું હતું અને આ એના આરંભમાં જ ભારતીય મહિલા ટીમની ઓપનર તથા વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના છવાઈ ગઈ હતી. તેને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)એ તીવ્ર હરીફાઈ વચ્ચે છેવટે ૩૪૦ લાખ રૂપિયા (૩.૪૦ કરોડ રૂપિયા)માં મેળવી લીધી હતી. ૫૦ લાખ રૂપિયા સ્મૃતિની બેઝ પ્રાઇસ હતી.
સ્મૃતિની આ ટોચની પ્રાઇસ સુધી પછીથી ઑસ્ટ્રેલિયાની ઑલરાઉન્ડર ઍશ્લી ગાર્ડનર કે ઇંગ્લૅન્ડની નૅટ શીવર-બ્રન્ટ નહોતી પહોંચી શકી. ગાર્ડનરને ગુજરાત જાયન્ટ્સે ૩૨૦ લાખ રૂપિયા (૩.૨૦ કરોડ રૂપિયા)માં મેળવી હતી. ગાર્ડનરની ૫૦ લાખ રૂપિયાની પ્રાઇસથી તેને મેળવવા માટેની હરીફાઈ શરૂ થઈ હતી. મુંબઈ ઇન્ડિયન્સે શરૂઆત કરી હતી. યુપી વૉરિયર્સ ટીમે પણ ઝુકાવતાં બન્ને ટીમ વચ્ચે રેસ જામી હતી, પરંતુ છેવટે ગુજરાત જાયન્ટ્સ ટીમ તેને મેળવવામાં સફળ થઈ હતી.
શીવરને મુંબઈ ઇન્ડિયન્સે ૩૨૦
લાખ રૂપિયા (૩.૨૦ કરોડ રૂપિયા)માં મેળવી છે. જોકે ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર મુંબઈ ઇન્ડિયન્સને ખૂબ ઓછા ભાવે (૧.૮૦ કરોડ રૂપિયામાં) મળી હતી. ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા ભારતની સેકન્ડ-હાઇએસ્ટ પ્લેયર બની હતી. તે આગરાની છે અને ખાસ તેને મેળવવા માટે યુપી વૉરિયર્સે હરીફાઈમાં ઉગ્રપણે ભાગ લીધો હતો અને ૫૦ લાખની મૂળ કિંમત સામે યુપી ટીમે દિલ્હી કૅપિટલ્સ, મુંબઈ ઇન્ડિયન્સ તથા ગુજરાત જાયન્ટ્સ સામેની હરીફાઈમાં છેવટે ૨.૬૦ કરોડ રૂપિયામાં મેળવી લીધી હતી.
રવિવારે ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતને વિજય અપાવનાર મુંબઈની જેમાઇમા રૉડ્રિગ્સને દિલ્હી કૅપિટલ્સે ૨.૨૦ કરોડ રૂપિયામાં અને આ જ ટીમે તાજેતરની ટી૨૦ અન્ડર-19 વર્લ્ડ કપની ચૅમ્પિયન કૅપ્ટન શેફાલી વર્માને બે કરોડ રૂપિયામાં મેળવી હતી. ભારતની ટોચની વિકેટકીપર-બૅટર રિચા ઘોષને આરસીબીએ ૧.૯૦ કરોડ રૂપિયામાં અને પૂજા વસ્ત્રાકરને મુંબઈ ઇન્ડિયન્સે ૧.૯૦ કરોડ રૂપિયામાં મેળવી છે.
ભારતની લેગ સ્પિનર દેવિકા વૈદ્યને યુપી વૉરિયર્સે ૪૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ સામે ખાસ કરીને દિલ્હી કૅપિટલ્સ સાથેની હરીફાઈમાં છેવટે ૧.૪૦ કરોડ રૂપિયામાં મેળવી લીધી છે.
હર્લી ગાલાને ગુજરાત જાયન્ટ્સે ૧૦ લાખ રૂપિયામાં મેળવી
‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની ૨૦૨૨ની સીઝનની સુપરસ્ટાર અને અન્ડર-19 ક્રિકેટની જાણીતી ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર હર્લી ગાલાને ગઈ કાલે ડબ્લ્યુપીએલ માટેના ઑક્શનમાં અદાણી ગ્રુપના ગુજરાત જાયન્ટ્સ ટીમના ફ્રૅન્ચાઇઝીએ ૧૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઇસમાં મેળવી લીધી હતી. પહેલા રાઉન્ડમાં હર્લીને કોઈ પણ ટીમે નહોતી લીધી, પરંતુ મોડેથી ગુજરાત જાયન્ટ્સે તેને પોતાની ટીમમાં સમાવવામાં સફળતા મેળવી હતી. તાજેતરમાં ભારતની અન્ડર-19 ટીમ જે ટી૨૦ વર્લ્ડ કપ જીતી એની મૂળ ટીમમાં હર્લીનો સમાવેશ હતો.
એમઆઇની નવી ઇનિંગ્સ શરૂ
બાંદરાના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ગઈ કાલે ડબ્લ્યુપીએલ માટેના ઑક્શન વખતે મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ની મહિલા ટીમની મેન્ટર તથા બોલિંગ-કોચ ઝુલન ગોસ્વામી તેમ જ હેડ-કોચ શાર્લોટ એડવર્ડ્સ સાથે ટીમનાં ઓનર નીતા અંબાણી.
પેસ બોલર મોનિકા પટેલ ગુજરાત જાયન્ટ્સમાં
કર્ણાટકની લેફ્ટ-આર્મ પેસ બોલર મોનિકા છેલારામ પટેલને ગઈ કાલે ડબ્લ્યુપીએલની હરાજીમાં અદાણી ગ્રુપના ગુજરાત જાયન્ટ્સ ટીમના ફ્રૅન્ચાઇઝીએ ૩૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઇસમાં મેળવી હતી. ૨૩ વર્ષની મોનિકાનો જન્મ બૅન્ગલોરમાં થયો હતો. તે પ્રોફેશનલ ક્રિકેટ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં અનુક્રમે સુપરનોવાઝ અને ઇન્ડિયા ‘બી’ ટીમ વતી રમી ચૂકી છે. તે લેફ્ટ-આર્મ બૅટર છે અને ભારત વતી બે વન-ડે રમી ચૂકી છે.