22 January, 2023 07:02 PM IST | Mumbai | Yashwant Chad
સરફરાઝ ખાન કેમ ટેસ્ટ ટીમમાં નથી?
ઑસ્ટ્રેલિયામાં ટી૨૦ વર્લ્ડ કપમાં કડવી હાર મળ્યા બાદ ભારતીય ક્રિકેટ બોર્ડની સલાહકાર કમિટીએ ચેતન શર્માના અધ્યક્ષપદવાળી પસંદગી-સમિતિને જ બરખાસ્ત કરી દીધી. જાણે કે ચેતન શર્મા ઍન્ડ કંપની મેદાન પર ઊતર્યા હોય અને કંગાળ દેખાવ કર્યો હોય? વળી ફરી પાછા ચેતન શર્માને સિલેક્શન કમિટીના ચૅરમૅન બનાવી દેવાયા. આવું માત્ર આપણે ત્યાં જ થાય.
અહીં એક ઉલ્લેખ અસ્થાને નહીં લેખાય કે ભારતીય ક્રિકેટ બોર્ડની સિલેક્શન કમિટીમાંથી અધ્યક્ષને એક કરોડ રૂપિયા અને બાકીના ચાર પસંદગીકારોને ૭૫થી ૮૦ લાખ રૂપિયા વાર્ષિક ‘ઑનેરિયમ’-માનદાયક રકમ મળે છે. તેમની સિલેક્શન સંબંધિત મુસાફરીમાં થતા બીજા ખર્ચ પણ બોર્ડ જ ભોગવે છે. અહીં પ્રશ્ન એ થાય છે કે ક્રિકેટ બોર્ડના મોટા પદધારકોની ઇચ્છા વિરુદ્ધ પસંદગી-સમિતિ તટસ્થ રહીને ટીમ નક્કી કરી શકે કે નહીં?
એક સમયે પ્રથા હતી કે પસંદગી-સમિતિના અધ્યક્ષ કારણ જણાવે કે ફલાણા ખેલાડીનો સમાવેશ કયા કારણે થયો અને બીજાને જાકારો કેમ મળ્યો. ટેસ્ટ તથા વન-ડે ટીમ માટે ભારતીય ટીમના દ્વાર ખખડાવી રહેલા સરફરાઝ ખાન જેવા મુંબઈના ખેલાડીએ છેલ્લી પાંચમાંથી ત્રણ રણજી મૅચમાં સેન્ચુરી (૧૨૬*, ૧૬૨, ૧૨૫) ફટકારી છે. પોતાની કાબેલિયત પુરવાર કરવા તેણે આનાથી વધુ શું કરવું જોઈએ એ કોઈ કહેશે? તેને શા માટે બાકાત રખાયો અને ટીમમાં આવવા તેણે શું પ્રયત્નો કરવા એ જો તેને જાહેરમાં જણાવી દેવામાં આવે તો તેને સમજાય કે ભારતીય ટીમમાં આવવા તેણે વધુ શું કરવાનું છે? કેટલી મહેનત કરવી જરૂરી છે? વગેરે વગેરે. આવી પ્રથા ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયામાં છે જ.
આ પણ વાંચો: ૪૧ ટાઇટલ જીતેલા મુંબઈ સામે દિલ્હી ૪૩ વર્ષે રણજીનો જંગ જીત્યું
ચેતન શર્માના અધ્યક્ષપદવાળી નવી સિલેક્શન કમિટીએ ઑસ્ટ્રેલિયાની વિરુદ્ધ ઘરઆંગણે રમાનારી પ્રથમ બે ટેસ્ટ માટેની ટીમનું અપેક્ષા મુજબ એલાન કર્યું છે, જેમાં ડૉન બ્રૅડમૅનની જેવી બૅટિંગ સરેરાશ ધરાવતા સરફરાઝનો સમાવેશ નથી એટલે સ્વાભાવિક રીતે જ તેના ચાહકો ગુસ્સામાં હોય એ સમજી શકાય. ‘ઇન્ડિયા કા બ્રૅડમૅન’ જેવું હુલામણું નામ આ ભરાવદાર ક્રિકેટરને તેના મિત્રો તરફથી આપવામાં આવ્યું છે, કારણ કે ૨૦૧૯થી માંડીને અત્યાર સુધીની ૨૨ ઇનિંગ્સમાં તેણે ૧૩૪.૬ની સરેરાશ સાથે કુલ ૨૨૮૯ રન બનાવ્યા છે. નવ સદી, પાંચ અડધી સદી, બે ડબલ અને એક ટ્રિપલ સેન્ચુરી ફટકારવા છતાં ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નહીં આથી સરફરાઝ પોતે પણ મનથી હારી ગયો હોય અને નારાજ થયો હોય એ સ્વાભાવિક છે. ચેતન શર્માએ ગયા વર્ષે સરફરાઝને નિરાશ ન થવા જણાવ્યું અને હાલમાં પણ તેને કહ્યું કે જિંદગીમાં સારો સમય મોડો આવતો હોય છે એટલે નિરાશ ન થવું. હા, બંગલાદેશના અન્ડર-૧૯ના પ્રવાસમાં સરફરાઝ ખાસ કૌવત નહોતો દાખવી શક્યો, પરંતુ રણજીમાં ફરીથી બૅટને બોલતું કરી દીધું એમ છતાં શા માટે હવે તે ટીમમાં નથી એની જોરદાર ચર્ચા છે.
અહીં ખાસ જણાવવાનું કે જ્યારે-જ્યારે રણજી ટ્રોફીમાં કોઈ ખેલાડી સાતત્યભર્યો દેખાવ કરે ત્યારે તેવા ખેલાડીને ટેસ્ટમાં સામેલ કરવો એવી લોકોની માગ ઉઠે છે.