midday

એકવીસમી સદીમાં પહેલી વાર વેસ્ટ ઇન્ડીઝ પાકિસ્તાનની ધરતી પર ટેસ્ટ-મૅચ જીત્યું

28 January, 2025 08:43 AM IST  |  Multan | Gujarati Mid-day Correspondent

છેલ્લે ૩૪ વર્ષ પહેલાં નવેમ્બર ૧૯૯૦માં જીત્યા હતા કૅરિબિયિનો : સિરીઝ ૧-૧થી ડ્રૉ થઈ
ટેસ્ટ-સિરીઝ ડ્રૉ થતાં બન્ને ટીમના કૅપ્ટન્સે શૅર કરવી પડી ટ્રોફી.

ટેસ્ટ-સિરીઝ ડ્રૉ થતાં બન્ને ટીમના કૅપ્ટન્સે શૅર કરવી પડી ટ્રોફી.

મુલતાનમાં વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી બે મૅચની ટેસ્ટ-સિરીઝ ૧-૧થી ડ્રૉ થઈ છે. બીજી ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે વેસ્ટ ઇન્ડીઝે ૧૨૦ રને જીત મેળવીને સિરીઝ ૧-૧થી લેવલ કરી હતી. પહેલી ટેસ્ટ-મૅચમાં પાકિસ્તાને ૧૨૭ રને જીત મેળવી હતી. બીજી ટેસ્ટ-મૅચના પહેલા દિવસે પહેલી ઇનિંગ્સમાં મહેમાન ટીમ ૧૬૩ રન અને યજમાન ટીમ ૧૫૪ રનમાં સમેટાઈ ગઈ હતી. બીજા દિવસે વેસ્ટ ઇન્ડીઝે ૨૪૪ રન કરીને ૨૫૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો, પણ ત્રીજા દિવસે બીજી ઇનિંગ્સમાં પાકિસ્તાન ૧૩૩ રનમાં સમેટાઈ ગયું હતું.

એકવીસમી સદીમાં પાકિસ્તાનની ધરતી પર વેસ્ટ ઇન્ડીઝની આ પહેલી ટેસ્ટ-જીત છે. ૧૮ વર્ષ બાદ પાકિસ્તાનની ધરતી પર ટેસ્ટ-સિરીઝ રમવા આવેલા વેસ્ટ ઇન્ડીઝે ૩૪ વર્ષ બાદ ટેસ્ટ-વિજયનો સ્વાદ ચાખ્યો છે. છેલ્લે ૧૯૯૦માં વેસ્ટ ઇન્ડીઝ પાકિસ્તાનની ધરતી પર ૭ વિકેટે ફૈસલાબાદ ટેસ્ટ-મૅચ જીત્યું હતું.

ઓપનિંગ ડેએ જ રેકૉર્ડબ્રેકિંગ ૨૦ વિકેટથી શરૂ થયેલી આ ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે બીજી ઇનિંગ્સમાં પાકિસ્તાન પાસે ૬ વિકેટ હતી અને એને ૧૭૮ રનની જરૂર હતી. ૭૬ રનના સ્કોરથી દિવસની શરૂઆત કરનાર પાકિસ્તાને વધુ ૫૭ રનમાં બાકીની ૬ વિકેટ ગુમાવી દીધી હતી. વેસ્ટ ઇન્ડીઝના સ્પિનર જોમેલ વૉરિકને બે મૅચની ટેસ્ટ-સિરીઝમાં ૧૯ વિકેટ લઈને વેસ્ટ ઇન્ડીઝ માટે શાનદાર બોલિંગ-પ્રદર્શન કર્યું હતું. પહેલી ટેસ્ટમાં ૧૦ અને બીજી ટેસ્ટમાં ૯ વિકેટ લેનાર આ સ્પિનર ગઈ કાલે પ્લેયર ઑફ ધ મૅચ અને પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર થયો હતો.

69
આટલી વિકેટ લીધી આ સિરીઝમાં બન્ને ટીમના સ્પિનર્સે. બે મૅચની ટેસ્ટ-સિરીઝમાં સ્પિનર્સ દ્વારા સૌથી વધુ વિકેટ લેવાનો રેકૉર્ડ બન્યો.

17
આટલી વિકેટ બીજી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝના સ્પિનર્સે લીધી. બે મૅચની ટેસ્ટ-સિરીઝમાં એના સ્પિનર્સનો આ સર્વશ્રેષ્ઠ રેકૉર્ડ છે. 

પાકિસ્તાનીઓને WTC પૉઇન્ટ ટેબલમાં છેલ્લી સીટ મળી 
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની વર્તમાન સીઝનમાં પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝની સફર સમાપ્ત થઈ ગઈ છે. વેસ્ટ ઇન્ડીઝ ૨૮.૨૧ પૉઇન્ટની ટકાવારી સાથે આઠમા ક્રમે અને પાકિસ્તાન ૨૭.૯૮ પૉઇન્ટની ટકાવારી સાથે નવમા એટલે કે અંતિમ સ્થાને રહ્યું છે. પહેલી સીઝનમાં પાકિસ્તાન પાંચમા ક્રમે અને બીજી સીઝનમાં સાતમા ક્રમે રહ્યું હતું, જ્યારે વેસ્ટ ઇન્ડીઝની ટીમે ત્રણેય સીઝનમાં આઠમો ક્રમ જાળવી રાખ્યો છે.

pakistan west indies test cricket cricket news sports news sports