02 March, 2025 10:20 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
વસીમ અકરમ
પાકિસ્તાનના મહાન ફાસ્ટ બોલર વસીમ અકરમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચિંગ પદને લઈને મોટી વાત કહી છે. ‘ડ્રેસિંગ રૂમ’ નામના શોમાં પાકિસ્તાનના હેડ કોચ બનવા વિશે પુછાયેલા સવાલનો જવાબ આપતાં અકરમ કહે છે, ‘આજે પણ ઘણા લોકો ક્યારેક મારી ટીકા કરે છે અથવા મારી મજાક ઉડાવે છે. કહે છે, ‘તેને બોલવા દો, તે પોતે કંઈ કરતો નથી.’ જ્યારે હું પાકિસ્તાની કોચને જોઉં છું જેમાં વકાર યુનુસનો પણ સમાવેશ થાય છે જે ઘણી વખત કોચ રહી ચૂક્યા છે અને લોકો તેમની સાથે કેવી રીતે ખરાબ વર્તન કરે છે ત્યારે મને ખ્યાલ આવે છે કે હું મારા પ્રત્યે આટલો અનાદર સહન કરી શકીશ નહીં. હું પાકિસ્તાન ક્રિકેટને મદદ કરવા માગું છું. તમારે મને પૈસા કેમ આપવા પડે છે? હું મફતમાં ઉપલબ્ધ છું. જ્યારે પણ તમે મને કૅમ્પ માટે બોલાવશો ત્યારે સમય હશે તો હું આવીશ. જો તમે મને કોઈ પણ ટુર્નામેન્ટમાં સામેલ કરશો તો હું પ્લેયર્સ સાથે સમય વિતાવીશ.’
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણયોમાં અવગણના થતાં વિદેશી કોચ જેસન ગિલેસ્પી અને ગૅરી કર્સ્ટન પાકિસ્તાન બોર્ડ સાથેના કરાર પૂરા થાય એ પહેલાં જ પદ છોડીને જતા રહ્યા હતા. ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આકિબ જાવેદ હાલમાં ટીમનો કાર્યકારી કોચ છે.