17 November, 2023 01:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
વાનખેડેમાં ગઈ કાલની સેમી ફાઇનલ માટે પહેલાં તો નવેસરથી પિચ બનાવાઈ હતી, પરંતુ પછીથી ભારતીય સ્પિનર્સને મદદરૂપ થઈ શકાય એ માટે આ મૅચ ‘વપરાયેલી’ પિચ પર જ રાખવાનું નક્કી થયું હતું એવા ગઈ કાલે બપોરે વહેતા થયેલા અહેવાલોને ધ્યાનમાં લઈને વર્લ્ડ કપના આયોજક આઇસીસીએ સ્પષ્ટતા કરી હતી કે ‘પિચના ફેરફાર સંબંધમાં નિર્ણય સ્વતંત્ર પિચ કન્સલ્ટન્ટ ઍન્ડી ઍટ્કિન્સનનું ધ્યાન દોર્યા પછી જ લેવામાં આવ્યો હતો. આવો ફેરફાર કંઈ પહેલી વાર નથી કરાયો. અગાઉ બે વાર બની ચૂક્યું છે. ગઈ કાલે પિચ ક્યુરેટરની ભલામણને આધારે જ ફેરફાર કરાયો હતો.’
બુધવારની ભારત સામેની હરીફ ટીમ ન્યુ ઝીલૅન્ડના ખુદ કૅપ્ટન કેન વિલિયમસને સેમી ફાઇનલ બાદ પત્રકારોને કહ્યું હતું કે ‘પિચ વપરાયેલી જરૂર હતી, પણ બહુ સારી હતી. એ રેગ્યુલર કહી શકાય એવી જ પિચ હતી.’
વાનખેડેની પિચને લગતો વિવાદ ઇંગ્લૅન્ડના ‘ડેઇલી મેઇલ’ અખબારના અહેવાલને પગલે જાગ્યો હતો. સુનીલ ગાવસકરે વાનખેડેની પિચને ખરાબ કહેનારાઓને મૂરખ ગણાવતાં કહ્યું હતું કે ‘પિચમાં ફેરફાર કરાયો હોવાની વાતો કરનારા હવે ચૂપ થઈ જાય. ભારતીય ક્રિકેટને વખોડવાનું હવે બંધ કરો. લોકોને ગેરમાર્ગે દોરવા જે કંઈ કહેવામાં આવી રહ્યું છે એ તદ્ન વાહિયાત છે. પિચ કોઈ રીતે ખરાબ કે ફેરફાર કરાયેલી નહોતી અને જો કરાઈ પણ હોય તો ટૉસની પહેલાં હતી અને એ પણ બન્ને ટીમ માટે. આ લોકો અમદાવાદની પિચ વિશે પણ પાયા વગરની વાતો કરી રહ્યા છે. સાવ વાહિયાત.’
સૌરવ ગાંગુલીએ પણ પ્રત્યાઘાતમાં કહ્યું હતું કે ‘વાનખેડેની પિચ બહુ સારી હતી અને કંઈ જ ખોટું નથી કરાયું.’