05 November, 2024 07:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈમાં એક ફૅન તરફથી વિરાટ કોહલીને મળ્યું બજરંગબલીનું પેઇન્ટિંગ ગિફ્ટમાં
વિરાટ કોહલી આજે પાંચમી નવેમ્બરે ૩૬ વર્ષનો થયો છે. ઑગસ્ટ ૨૦૨૪માં ઇન્ટરનૅશનલ કરીઅરમાં ૧૬ વર્ષ પૂરાં કરનાર દિલ્હીના વિરાટ કોહલીએ એવા અનેક રેકૉર્ડ તોડ્યા છે જે તોડવા મુશ્કેલ હતા. ૧૦૦ સેન્ચુરી ફટકારનાર સચિન તેન્ડુલકરના ઘણા રેકૉર્ડ પોતાના નામે કરનાર વિરાટ કોહલી ૮૦ સેન્ચુરી સાથે આ લિસ્ટમાં બીજા ક્રમે છે. તેણે ટેસ્ટમાં ૨૯, વન-ડેમાં ૫૦ અને T20માં એક સેન્ચુરી ફટકારી છે.
છેલ્લા એક વર્ષથી તે ઇન્ટરનૅશનલ સેન્ચુરી ફટકારી શક્યો નથી. છેલ્લે તેણે ૨૦૨૩ની ૧૫ નવેમ્બરે વન-ડે વર્લ્ડ કપ દરમ્યાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યુ ઝીલૅન્ડ સામે ૧૧૭ રન કરીને છેલ્લી સેન્ચુરી ફટકારી હતી. ટેસ્ટમાં પણ તે છેલ્લે જુલાઈ ૨૦૨૩માં વેસ્ટ ઇન્ડીઝ સામે ૧૨૧ રનની ઇનિંગ્સ રમ્યો હતો. T20 વર્લ્ડ કપ વિજેતા બન્યા બાદ એ ફૉર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરીને તે હવે વન-ડે અને ટેસ્ટ જેવા મજબૂત ફૉર્મેટ પર ફોકસ કરી રહ્યો છે, પરંતુ છેલ્લું એક વર્ષ તેને માટે ચડાવ-ઉતારથી ભરેલું રહ્યું છે.
૨૦૨૪માં કોહલીએ ૧૨ ટેસ્ટ-ઇનિંગ્સમાં ૨૦.૭૨ની ઍવરેજથી ૨૨૧ રન બનાવ્યા છે. ૨૦૨૦માં તેની લોએસ્ટ ટેસ્ટ-બૅટિંગ ઍવરેજ ૧૯.૩૩ની હતી, જ્યારે આ વર્ષે માત્ર ૩ વન-ડે રમીને તેણે ૧૯.૩૩ની ઍવરેજથી ૫૮ રન જ બનાવ્યા છે. વન-ડેમાં એક કૅલેન્ડર યરમાં આ તેની લોએસ્ટ બૅટિંગ-ઍવરેજ છે. અગાઉ કહેવાતું હતું કે સચિનનો ૧૦૦ સેન્ચુરીનો રેકૉર્ડ કોહલી તોડશે, પણ હવે તે એક ફિફ્ટી ફટકારવા માટે પણ સંઘર્ષ કરી રહ્યો છે. તેના ખરાબ પ્રદર્શનને જોતાં કેટલાક ક્રિકેટર્સે તેને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સલાહ આપી હતી. તે છેલ્લે ૨૦૧૨માં ગાઝિયાબાદમાં ઉત્તર પ્રદેશ સામે છેલ્લી રણજી મૅચ રમ્યો હતો.
સોશ્યલ મીડિયા પર સૌથી વધુ ફૉલોઅર્સ ધરાવતા ક્રિકેટર વિરાટ કોહલીને તેના ખરાબ સમયમાં ફૅન્સનો ભરપૂર સાથ મળી રહ્યો છે. ઑસ્ટ્રેલિયામાં આયોજિત બૉર્ડર-ગાવસકર ટ્રોફી વિરાટ કોહલી માટે કરીઅરની નિર્ણાયક સિરીઝ બની શકે છે. ફૅન્સ આશા રાખી રહ્યા છે કે કોહલી આ સિરીઝમાં વિરાટ પ્રદર્શન કરીને કિંગ કોહલી તરીકે શાનદાર કમબૅક કરશે.