17 January, 2023 02:26 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઓપનિંગ બૅટર શુભમન ગિલ (જમણે) અને ત્રણ થ્રોડાઉન એક્સપર્ટ્સ સાથે વિરાટ કોહલી.
ભારતના રન-મશીન અને રવિવારે ૪૬મી વન-ડે સેન્ચુરી ફટકારવાની સાથે કેટલાક વિક્રમો રચવાની સાથે ભારતને શ્રીલંકા સામે ૩-૦થી ક્લીન સ્વીપ અપાવનાર વિરાટ કોહલીએ છેલ્લા થોડા સમયથી પોતાની બૅટિંગમાં આવેલા પરિવર્તનનો યશ થ્રોડાઉન એક્સપર્ટ્સની ત્રિપુટીને આપ્યો છે.
ડી. રાઘવેન્દ્ર, નુવાન સેનેવિરત્ને અને દયાનંદ ગરાની ભારતીય ટીમ માટેના ત્રણ થ્રોડાઉન એક્સપર્ટ્સ છે. તેઓ પ્રૅક્ટિસ-સેશનમાં લાંબા ચમચા જેવા સાઇડઆર્મનો ઉપયોગ કરે છે. એની મદદથી તેઓ બૅટર સામે સાથળ જેટલી ઊંચાઈના બૉલ કલાકે આશરે ૧૪૦થી ૧૫૦ કિલોમીટરની ઝડપે ફેંકે છે. એમાં બૅટરની ક્ષમતાની કસોટી થાય છે તેમ જ તેના પર્ફોર્મન્સમાં સુધારો પણ થાય છે.
આ પણ વાંચો : વિશ્વમાં ટોપ-10 બેટ્સમેનોની યાદીમાં 4 ભારતીયો, આ ખેલાડીઓએ માહીભાઈને પણ આપી ટક્કર
કોહલીએ બીસીસીઆઇ.ટીવી પર ઓપનર શુભમન ગિલ સાથેની વાતચીતમાં કહ્યું, ‘ત્રણેય એક્સપર્ટ્સની જ્યારે પણ મદદ લેવાઈ છે ત્યારે તેમણે દરેક વખતે ટીમને વર્લ્ડ-ક્લાસ પ્રૅક્ટિસ કરાવી છે. તેઓ હંમેશાં બૅટરને આઉટ કરવાની કોશિશ કરે છે અને એમાં જ બૅટરનો પર્ફોર્મન્સ સુધરતો જાય છે. મને મારી બૅટિંગમાં ઘણો સુધારો કરવા મળ્યો છે. આ પ્રકારની પ્રૅક્ટિસ પહેલાં મારી બૅટિંગ જે પ્રકારની હતી એમાં અને વર્તમાન બૅટિંગમાં જે મોટો ફેરફાર થયો છે એ આ પ્રૅક્ટિસને કારણે જ છે.’
10
કોહલી એક દેશ સામે આટલી વન-ડે સદી ફટકારનારો વિશ્વનો પ્રથમ ખેલાડી છે. તેણે સચિનનો ઑસ્ટ્રેલિયા સામેનો ૯ સદીનો રેકૉર્ડ તોડ્યો છે.