આ મારો છેલ્લો T20 વર્લ્ડ કપ અને છેલ્લી T20I મેચ : વિરાટ કોહલી

29 June, 2024 11:55 PM IST  |  Barbados | Gujarati Mid-day Online Correspondent

Virat Kohli Retirement: વિરાટ કોહલીએ ફાઈનલ બાદ નિવૃત્તિની જાહેરાત કરી

ફાઇલ તસવીર

ભારત (India) એ કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાયેલી ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ (T20 World Cup 2024) ની રોમાંચક ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા (South Africa) ને સાત રનથી હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આજની મેચમાં વિરાટ કોહલી (Virat Kohli) એ આ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ અડધી સદી ફટકારી હતી અને ૭૬ રન બનાવ્યા હતા. મેચ જીત્યા બાદ વિરાટ કોહલી (Virat Kohli Retirement) એ એક મોટી જાહેરાત કરી છે.

વિરાટ કોહલીએ T20I ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તે ટેસ્ટ અને વનડેમાં રમવાનું ચાલુ રાખશે, પરંતુ T20I ક્રિકેટમાં આ તેની છેલ્લી મેચ છે.

ભારતની માટે T20 વર્લ્ડ કપ ૨૦૨૪નું ટાઈટલ જીત્યા બાદ વિરાટ કોહલીએ મોટી જાહેરાત કરી છે. વિરાટ કોહલીએ કહ્યું છે કે, સાઉથ આફ્રિકા સામે રમાયેલી ફાઈનલ મેચ તેના ટી20 કરિયરની છેલ્લી મેચ છે અને આ તેનો છેલ્લો ટી20 વર્લ્ડ કપ છે.

વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામે રમાયેલી ફાઇનલમાં ૭૬ રનની ઇનિંગ રમી હતી. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેનું બેટ શાંત હતું પરંતુ ફાઈનલમાં કોહલીએ મહત્વની ઈનિંગ રમી અને ભારતને મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યું. કોહલીને તેની ઈનિંગ માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’ પસંદ કરવામાં આવ્યો છે.

‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર થતા કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. વિરાટ કોહલીએ કહ્યું કે, ‘આ મારો છેલ્લો T20 વર્લ્ડ કપ છે. આ ટાઇટલ અમે હાંસલ કરવા માગતા હતા. તમને લાગે છે કે તમે રન બનાવી શકતા નથી અને પછી આવું થાય છે. ઈશ્વર મહાન છે. ભારત માટે આ મારી છેલ્લી T20 મેચ છે. અમે વર્લ્ડ કપ જીતવા માગતા હતા, આ વાત બધાને ખબર હતી. એવું નથી કે જો આપણે હારી ગયા હોત તો મેં નિવૃત્તિ લેવાનો નિર્ણય ન કર્યો હોત. હવે આગામી પેઢીના આવવાનો સમય છે. તે ખૂબ લાંબી રાહ હતી, અમે ICC ટૂર્નામેન્ટની રાહ જોઈ રહ્યા હતા. તમે રોહિતને જુઓ જેણે નવ T20 વર્લ્ડ કપ રમ્યા છે. આ મારો છઠ્ઠો T20 વર્લ્ડ કપ હતો. રોહિત તેને લાયક હતો. લાગણીઓને કાબૂમાં રાખવી મુશ્કેલ છે અને મને લાગે છે કે તે પછીથી સમજાશે.’

નોંધનીય છે કે, વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયા સાથે ૧૨ જૂન ૨૦૧૦ના રોજ ઝિમ્બાબ્વે સામે તેની પ્રથમ ટી20 મેચ રમી હતી. કોહલીએ ભારત માટે કુલ ૧૨૫ મેચ રમી છે. કોહલીએ ૪૮.૬૯ ની એવરેજ અને ૧૩૭૦૪ ની સ્ટ્રાઈક રેટથી ૪,૧૮૮ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે પોતાના બેટથી એક સદી અને ૩૮ અડધી સદી ફટકારી છે.

t20 world cup virat kohli india indian cricket team cricket news sports sports news