કોહલી હવે સચિનથી ૨૦ ડગલાં દૂર

17 November, 2023 02:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માસ્ટર બ્લાસ્ટરની વન-ડે સેન્ચુરીનો રેકૉર્ડ તોડ્યો અને હવે કુલ આંતરરાષ્ટ્રીય સદીનો તેનો ૧૦૦ સેન્ચુરીનો વિક્રમ તૂટવાનો બાકી : કોહલીના નામે કુલ ૮૦ સદી છે

બુધવારે ૫૦મી વિક્રમજનક સદી પૂરી કર્યા પછી પત્ની અનુષ્કા અને સચિન તેમ જ અનેક મહેમાનો અને ચાહકોની દિશામાં ભાવુક થઈને બેસી ગયેલો વિરાટ કોહલી. તસવીર: સતેજ શિંદે.

વિરાટ કોહલીએ બુધવારે ૫૦મી વન-ડે સદી ફટકારીને સચિન તેન્ડુલકરનો હાઇએસ્ટ ૪૯મી ઓડીઆઇ સદીનો વિશ્વવિક્રમ તોડી નાખ્યો ત્યાર બાદ હવે માસ્ટર બ્લાસ્ટરની કુલ ૧૦૦ ઇન્ટરનૅશનલ સેન્ચુરીનો રેકૉર્ડ કોહલી તોડી શકશે કે કેમ એવી વાતો ક્રિકેટજગતમાં ચર્ચાઈ રહી છે. જોકે છેલ્લા ૧૧ મહિનામાં કોહલીએ ૭ સદી ફટકારી છે એ જોતાં આવનારાં થોડાં વર્ષોમાં તે કુલ ૨૦ સદી ફટકારીને સચિનના વિશ્વવિક્રમ સુધી પહોંચી શકશે એવી સંભાવના નકારી ન શકાય.

સચિનના નામે ટેસ્ટમાં ૫૧ અને વન-ડેમાં ૪૯ એમ કુલ મળીને ૧૦૦ સેન્ચુરી છે. કોહલીની ટેસ્ટમાં ૨૯, વન-ડેમાં ૫૦ અને ટી૨૦માં એક એમ કુલ મળીને ૮૦ સેન્ચુરી છે.

વર્ષ દરમ્યાન ટેસ્ટ-મૅચો ઓછી રમાય છે, પરંતુ કોહલી વર્ષ દરમ્યાન વધુ રમાતી વન-ડે અને ટી૨૦ ઇન્ટરનૅશનલ મૅચોમાં બને એટલી સદી ફટકારીને સચિનના મૅજિક ફિગર સુધી પહોંચી શકે એમ છે.

કોહલી તોડી શકે છે સચિનનો ૧૦૦ સદીનો વર્લ્ડ રેકૉર્ડ : શાસ્ત્રી

ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘વિરાટ કોહલી હવે સચિન તેન્ડુલકરનો કુલ ૧૦૦ ઇન્ટરનૅશનલ સેન્ચુરીનો વિશ્વવિક્રમ પણ તોડી શકે એમ છે. સચિનની કુલ ૧૦૦ આંતરરાષ્ટ્રીય સદી થઈ ત્યારે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે તેની લગોલગ કોઈ આવી શકશે. વન-ડેમાં હવે કોહલીની હાઇએસ્ટ (૫૦) સેન્ચુરી છે, માનવામાં જ નથી આવતું. જોકે અશક્ય જેવું કંઈ જ નથી હોતું. કોહલીની હવે પછીની ૧૦ ઇનિંગ્સમાં તમને કદાચ વધુ પાંચ સદી જોવા મળી શકે.’ પી.ટી.આઇ.ના અહેવાલ મુજબ શાસ્ત્રીએ એવું પણ કહ્યું હતું કે ‘કોહલી ત્રણેય ફૉર્મેટમાં રમી રહ્યો છે અને તે હજી ત્રણ-ચાર વર્ષ તો રમશે જ એટલે તેની સદીનો આંકડો અદ્ભુત રહેવાનો છે.’

virat kohli sachin tendulkar indian cricket team cricket news sports sports news