18 January, 2023 02:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
નાગદેવી સ્પોર્ટ્સ ગ્રુપ (એનએસજી) દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ જિનહર્ષ ટીમકેન અડોર કપ-૨૦૨૩માં આજે વિપસા વૉરિયર્સ અને ડીપીએક્સ ડાયનામાઇટ્સ વચ્ચે ડે ઍન્ડ નાઇટ ફાઇનલ રમાશે. સાંજે ૫.૩૦ વાગ્યે ટૉસ ઉછાળાશે અને ૬.૦૦ વાગ્યે ફાઇનલ શરૂ થશે.
બૉલબેરિંગ્સના વેપારીઓ વચ્ચેની આ લેધર બૉલ ક્રિકેટ સ્પર્ધા સીઝન-૪ ઘાટકોપર (વેસ્ટ)ના ફાતિમા હાઈ સ્કૂલ ગ્રાઉન્ડમાં યોજાઈ છે. બન્ને ટી૨૦ સેમી ફાઇનલ રોમાંચક બની હતી, જેમાંના એક મુકાબલામાં વિપસા વૉરિયર્સે ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૫૭ રન બનાવ્યા હતા, જેમાં સાહિલ પારેખ (૫૩ બૉલમાં ૬૭ રન) અને પ્રિયેશ શાહ (૩૬ બૉલમાં ૩૨ રન)નાં મુખ્ય યોગદાન હતાં. ગયા વખતની ચૅમ્પિયન ટીમ ટીયુવીએક્સ તૂફાનીના રુશી મહેતાએ બે વિકેટ લીધી હતી. ટીયુવીએક્સ ટીમ ૮ વિકેટે ૧૩૩ રન બનાવી શકી હતી, જેમાં રાજીવ શાહ (૩૯ બૉલમાં ૪૧ રન)નો મુખ્ય ફાળો હતો. વિપસાના જયેન્દ્ર પારેખે બે વિકેટ લીધી હતી. સાહિલ પારેખને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.
આ પણ વાંચો : ઉનેવાળ પ્રીમિયર લીગમાં જોશીલે જોશી ટીમ ચૅમ્પિયન
બીજી સેમી ફાઇનલમાં એચઈ વૉરિયર્સે સંદીપ વાલેચા (૫૦ બૉલમાં ૬૦ રન) અને નીરવ શાહ (૪૬ બૉલમાં બાવન રન)નાં યોગદાનોની મદદથી ૯ વિકેટે ૧૩૯ રન બનાવ્યા હતા. ડીપીએક્સ ડાયનામાઇટ્સના કૅપ્ટન જિગર ઉપાધ્યાયે ચાર અને ભાવિન મહેતાએ બે વિકેટ લીધી હતી. ડીપીએક્સે ૧૭.૪ ઓવરમાં ૬ વિકેટે ૧૪૧ રન બનાવીને ૪ વિકેટે વિજય મેળવ્યો હતો. ભાવિન મહેતા (૩૩ બૉલમાં ૫૧ રન), વિકેટકીપર ચિંતન (૩૧ બૉલમાં ૩૩ રન) અને ઓપનર જયેશ (૨૦ બૉલમાં ૨૧ રન)ની ઇનિંગ્સથી ડીપીએક્સની જીત આસાન બની હતી. એચઇના ધવલ ગોગરીએ ૧૯ રનમાં બે વિકેટ લીધી હતી. ભાવિન મહેતાને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.