મુંબઈ સતત બીજી મૅચ હારીને પણ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યું

06 December, 2023 08:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈની ટીમ ગઈ કાલે વિજય હઝારે ટ્રોફી વન-ડે ટુર્નામેન્ટમાં સતત બીજી મૅચ પણ હારી ગઈ હતી. એમ છતાં, અજિંક્ય રહાણેની ટીમ પહેલી પાંચેય મૅચના વિજય બદલ ચડિયાતા પૉઇન્ટ‍્સ (૨૦)ની મદદથી ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે.

અંકિત બાવણેએ ૧૦ છગ્ગા, ૧૭ ચોક્કાની મદદથી ૧૬૭ રન બનાવ્યા હતા. ઓડિશાના કાર્તિક બિસ્વાલના ૬૪ રન ગઈ કાલે મુંબઈને ભારે પડ્યા હતા.

મુંબઈની ટીમ ગઈ કાલે વિજય હઝારે ટ્રોફી વન-ડે ટુર્નામેન્ટમાં સતત બીજી મૅચ પણ હારી ગઈ હતી. એમ છતાં, અજિંક્ય રહાણેની ટીમ પહેલી પાંચેય મૅચના વિજય બદલ ચડિયાતા પૉઇન્ટ‍્સ (૨૦)ની મદદથી ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. રાજસ્થાન, હરિયાણા, વિદર્ભ, તામિલનાડુ અને કર્ણાટક પણ લાસ્ટ એઇટમાં પહોંચી ગયા છે, જ્યારે ગુજરાત તેમ જ મહારાષ્ટ્ર, કેરલા અને બેન્ગૉલને શનિવારની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં જીતીને ક્વૉર્ટરમાં જવાની તક છે.મુંબઈની ટીમ ત્રણ દિવસમાં બે નાની ટીમ સામે હારી છે. રવિવારે બૅન્ગલોરમાં ત્રિપુરા સામે ૫૩ રનથી હારી ગયા પછી ગઈ કાલે અલુરમાં ઓડિશા સામે રહાણેની ટીમનો ૮૬ રનથી પરાજય થયો હતો. ઓડિશાએ કાર્તિક બિસ્વાલના ૬૪ રનની મદદથી ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૧૯૯ રન બનાવ્યા બાદ મુંબઈની ટીમ ૩૨.૩ ઓવરમાં ફક્ત ૧૧૩ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ખુદ રહાણે ૭ રન બનાવી શક્યો હતો. રાજેશ મોહન્તી, દેબબ્રતા પ્રધાન, ગોવિંદા પોદાર અને અભિષેક યાદવે બે-બે વિકેટ લીધી હતી.

બાવણેના ૧૦ છગ્ગા સાથે ૧૬૭
મહારાષ્ટ્રએ ગઈ કાલે મણિપુરને ૧૬૭ રનથી હરાવીને ક્વૉર્ટર માટેની આશા જીવંત રાખી હતી. મહારાષ્ટ્રનો અંકિત બાવણે (૧૬૭ રન, ૧૦૫ બૉલ, ૧૦ સિક્સર, ૧૭ ફોર) આ જીતનો હીરો હતો. તેણે જ મહારાષ્ટ્રને તોતિંગ સ્કોર (૪૨૭/૬) અપાવ્યો હતો. કૅપ્ટન નિખિલ નાઇકના ૩૩ રનમાં પાંચ સિક્સર હતા. મણિપુરની ટીમ ૬ વિકેટે બનેલા ૨૬૦ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી.

ગુજરાતને ઉર્વિલ-પ્રિયાંકે જિતાડ્યું
ચંડીગઢમાં ગુજરાતનો હિમાચલ પ્રદેશ સામેના રોમાંચક મુકાબલામાં ૮ રનથી વિજય થયો હતો. એ સાથે ઉત્તર પ્રદેશને મહાત આપીને ગુજરાતે પ્રી-ક્વૉર્ટરમાં ક્વૉલિફિકેશન મેળવી લીધું હતું. ઉર્વિલ પટેલના ૧૧૬ અને પ્રિયાંક પંચાલના ૯૬ તેમ જ હેમાંગ પટેલના ચાર સિક્સરની મદદથી બનેલા ૩૫ રનની મદદથી ગુજરાતે ૩૨૭ રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સે છૂટા કરેલા ઉર્વિલે ૨૭ નવેમ્બરે માત્ર ૪૧ બૉલમાં સેન્ચુરી ફટકારી હતી. ગઈ કાલે મણિપુરની ટીમ જવાબમાં ૩૧૯ રન બનાવી શકી હતી. પેસ બોલર હેમાંગ પટેલે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

સૌરાષ્ટ્ર, બરોડા પણ જીત્યાં
ગઈ કાલે સૌરાષ્ટ્રએ પ્રેરક માંકડની ત્રણ વિકેટ અને હાર્વિક દેસાઈના અણનમ ૧૦૧ રનની મદદથી સિક્કિમને ૧૦ વિકેટના તફાવતથી હરાવી દીધું હતું. બરોડાએ બીકેસીના મેદાન પર કૅપ્ટન અભિમન્યુ રાજપૂતના ૭૧ રન અને કિનિત પટેલના ૬૮ રનની મદદથી ૬ વિકેટે ૨૨૯ રનનો લક્ષ્યાંક મેળવી લીધો હતો.

vijay hazare trophy ajinkya rahane sports news cricket news