22 December, 2024 11:45 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ક્રિષ્ણન શ્રીજીથ, કૅપ્ટન શ્રેયસ ઐયર
વિજય હઝારે ટ્રોફીમાં ગઈ કાલે ગ્રુપ-Cની ટીમ મુંબઈ અને કર્ણાટક વચ્ચે ધમાકેદાર ટક્કર જોવા મળી હતી. મુંબઈની ટીમે કૅપ્ટન શ્રેયસ ઐયરની પંચાવન બૉલમાં ૧૧૪ રનની અણનમ ઇનિંગ્સની મદદથી ૪ વિકેટ ગુમાવીને ૩૮૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને કર્ણાટકની ટીમે પોતાના વિકેટકીપર-બૅટર ક્રિષ્ણન શ્રીજીથની ૧૦૧ બૉલમાં ૧૫૦ રનની અણનમ ઇનિંગ્સની મદદથી બાવીસ બૉલ પહેલાં ૪૬.૨ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો.
આ વન-ડે ટુર્નામેન્ટના ઇતિહાસનો આ બીજો સૌથી મોટો સરળ રનચેઝ હતો. ૨૦૧૨માં આંધ્ર પ્રદેશની ટીમે ગોવા સામે ૩૮૪ રનનો ટાર્ગેટ ચેઝ કરી બતાવ્યો હતો. આ મૅચમાં કુલ ૭૬૫ રન બન્યા છે જે આ ટુર્નામેન્ટનો એક મૅચનો ત્રીજો સૌથી મોટો સ્કોર છે. મુંબઈની ટીમના કૅપ્ટન શ્રેયસ ઐયરની ઇનિંગ્સ પર પાણી ફેરવનાર ક્રિષ્ણન શ્રીજીથને IPL મેગા ઑક્શનમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ૩૦ લાખ રૂપિયાની બેઝ-પ્રાઇસમાં ખરીદ્યો છે.