10 January, 2025 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતના વન-ડે ફૉર્મેટની ડોમેસ્ટિક ટુર્નામેન્ટ વિજય હઝારે ટ્રોફીની વર્તમાન સીઝન માટે ક્વૉર્ટર ફાઇનલનું શેડ્યુલ નક્કી થયું છે. પાંચ ગ્રુપની ટૉપ-2 ટીમ સહિત કુલ ૧૦ ટીમ ક્વૉર્ટર ફાઇનલ માટે ક્વૉલિફાય થઈ હતી. ૧૦માંથી ટૉપ-6માં રહીને મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, વિદર્ભ, ગુજરાત અને બરોડાએ ક્વૉર્ટર ફાઇનલની ટિકિટ કન્ફર્મ કરી હતી.
ટૉપ-10માંથી અંતિમ ચાર ટીમ વચ્ચે ગઈ કાલે પ્રી-ક્વૉર્ટર ફાઇનલ મૅચ રમાઈ હતી જેમાં સ્પિનર વરુણ ચક્રવર્તીની પાંચ વિકેટ છતાં રાજસ્થાને તામિલનાડુને ૧૯ રને હરાવ્યું હતું. રાજસ્થાને પહેલી વાર આ ટુર્નામેન્ટની ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. બીજી મૅચમાં મોહમ્મદ શમી (ત્રણ વિકેટ)ની શાનદાર બોલિંગ છતાં બંગાળની ટીમે હરિયાણા સામે ૭૨ રને હારનો સામનો કરવો પડ્યો હતો.
વડોદરામાં ૧૧ અને ૧૨ જાન્યુઆરીએ સવારે ૯ વાગ્યાથી ચાર ક્વૉર્ટર ફાઇનલ મૅચ રમાશે. ૧૫ અને ૧૬ જાન્યુઆરીએ સેમી ફાઇનલ અને ૧૮ જાન્યુઆરીની ફાઇનલ મૅચ પણ વડોદરામાં જ રમાશે.
ક્વૉર્ટર ફાઇનલનું શેડ્યુલ
૧૧ જાન્યુઆરી - મહારાષ્ટ્ર vs પંજાબ, કર્ણાટક vs બરોડા
૧૨ જાન્યુઆરી - ગુજરાત vs હરિયાણા, વિદર્ભ vs રાજસ્થાન