વન-ડેમાં હવે ૫૦૦નું ટોટલ દૂર નથી : તામિલનાડુએ ચીલો ચાતર્યો

22 November, 2022 01:55 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

મેન્સ લિસ્ટ-એ ક્રિકેટમાં ૫૦૦ રન બનાવનારી વિશ્વની પહેલી ટીમ બની 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

તામિલનાડુની ટીમ ગઈ કાલે મેન્સ લિસ્ટ-એ ક્રિકેટમાં (વન-ડેમાં) ૫૦૦ રનનો સ્કોર નોંધાવનારી વિશ્વની પહેલી ટીમ બની હતી. એણે બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અરુણાચલ પ્રદેશ સામે માત્ર બે વિકેટે ૫૦૬ રન બનાવ્યા હતા, જેમાં વિકેટકીપર નારાયણ જગદીશનના ૨૭૭ રન અને બી. સાઈ સુદર્શનના ૧૫૪ રન હતા. બાબા અપરાજિત ૩૧ રને અને તેનો જોડિયો ભાઈ પણ ૩૧ રને અણનમ રહ્યો હતો. ત્યાર બાદ અરુણાચલ પ્રદેશની ટીમ ફક્ત ૭૧ રનમાં આઉટ થઈ જતાં તામિલનાડુનો ૪૩૫ રનથી વિજય થયો હતો. તામિલનાડુના એમ. સિદ્ધાર્થે સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી.

મેન્સ લિસ્ટ-એ ક્રિકેટમાં અગાઉ ૪૯૮/૪નો વિશ્વવિક્રમ હતો જે ઇંગ્લૅન્ડે આ વર્ષે નેધરલૅન્ડ્સ સામે બનાવ્યો હતો. તામિલનાડુનો ૪૩૫ રનનો વિજયી તફાવત મેન્સ લિસ્ટ-એ ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકૉર્ડ છે. તેણે સમરસેટનો ડેવૉન સામેના ૩૪૬ રનના બાવીસ વર્ષ જૂના વિક્રમને તોડ્યો છે.

114
અરુણાચલ પ્રદેશના લેગ સ્પિનર ચેતન આનંદની બોલિંગમાં ગઈ કાલે તામિલનાડુ સામે આટલા રન બન્યા. લિસ્ટ-એ ક્રિકેટમાં હવે આ નવો વિક્રમ છે. મિક લુઇસનો ૧૧૩ રનનો વિક્રમ તૂટ્યો છે.

sports sports news cricket news vijay hazare trophy