24 November, 2024 09:02 AM IST | Perth | Gujarati Mid-day Correspondent
મિચલ સ્ટાર્ક, યશસ્વી જાયસવાલ
પર્થ ટેસ્ટમાં બીજા દિવસની રમતમાં પણ બન્ને ટીમના ક્રિકેટર્સ બૉલ અને બૅટની સાથે શબ્દોથી પણ હરીફ ટીમ પર પ્રહાર કરતા જોવા મળ્યા હતા. ગઈ કાલે ઑસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સ દરમ્યાન ઑસ્ટ્રેલિયન બોલર મિચલ સ્ટાર્કે ભારતીય ફાસ્ટ બોલર હર્ષિત રાણાને હેરાન કરવાનો પ્રયાસ કર્યો હતો. કોલકાતા નાઇડ રાઇડર્સના પોતાના જૂના સાથીને તેણે કહ્યું હતું કે હું તારા કરતાં ફાસ્ટ બોલિંગ કરી શકું છું, મારી પાસે લાંબી યાદગીરી છે. આ વાત પર હર્ષિત રાણાએ સ્મિત આપ્યું હતું.
ભારતીય ટીમની બીજી ઇનિંગ્સ દરમ્યાન ઑસ્ટ્રેલિયન બોલર વિકેટ મેળવવામાં નિષ્ફળ જઈ રહ્યા હતા ત્યારે ઓપનર યશસ્વી જાયસવાલે મિચલ સ્ટાર્કની મૅચની ૪૭મી ઓવરમાં સિક્સર ફટકારીને તેને હેરાન કર્યો હતો. આ ઓવરમાં સ્ટાર્કે તેની સામે તીખી નજરથી જોઈને તેને પોતાની બોલિંગથી ડરાવવાનો પ્રયાસ કર્યો. આ ઘટના પર જાયસવાલે વળતો પ્રહાર કરતાં કહ્યું કે બૉલ ખૂબ ધીમો આવી રહ્યો છે. આ વાત સ્ટાર્કે હસીને ટાળી દીધી હતી.