હું ૧૦૦ ટકા ફિટ ન થઈ જાઉં ત્યાં સુધી વાપસી નહીં કરું

16 September, 2024 11:34 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

ભારતીય ટીમ માટે ફરી રમવા આતુર મોહમ્મદ શમી કહે છે...

કલકત્તામાં ક્રિકેટ અસોસિએશન ઑફ બંગાળના વાર્ષિક અવૉર્ડ સમારોહ દરમ્યાન મોહમ્મદ શમી, સૌરવ ગાંગુલી, સંદીપ પાટીલ અને અજય જાડેજા

વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ બાદ ઈજાને કારણે ભારતીય ટીમની બહાર રહેનાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની વાપસી હાલમાં ભારે ચર્ચામાં છે. ટીમમાં પુનરાગમન વિશે વાત કરતાં તેણે ક્રિકેટ અસોસિએશન ઑફ બંગાળના વાર્ષિક અવૉર્ડ સમારોહમાં કહ્યું હતું કે ‘હું શક્ય એટલી વહેલી તકે પુનરાગમન કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું જાણું છું કે લાંબા સમયથી દૂર છું, પરંતુ એ પણ સુનિશ્ચિત કરવા માગું છું કે જ્યારે હું પાછો આવું ત્યારે મારા મનમાં કોઈ શંકા ન રહે.’ 
 
૩૪ વર્ષના મોહમ્મદ શમીએ આગળ કહ્યું હતું કે ‘હું જેટલો મજબૂત પાછો આવીશ એટલી ફરીથી ઈજા થવાની શક્યતા ઓછી થશે. હું બંગલાદેશ, ન્યુ ઝીલૅન્ડ કે ઑસ્ટ્રેલિયા સિરીઝ માટે પાછો ફરું કે નહીં એનાથી કોઈ ફરક પડતો નથી. મેં બોલિંગ શરૂ કરી દીધી છે, પરંતુ હું કોઈ જોખમ લેવા માગતો નથી. જ્યાં સુધી હું પોતાને ૧૦૦ ટકા ફિટ ન અનુભવું ત્યાં સુધી પુનરાગમન માટે સંમત નહીં થઈશ, પછી ભલે એ ફૉર્મેટ ગમે એ હોય અથવા વિરોધી કોઈ પણ હોય. જો મારે ડોમેસ્ટિક મૅચ રમવી હશે તો હું એ પણ રમીશ.’ 
 
મોહમ્મદ શમી ભારતીય ટીમ માટે ત્રણેય ફૉર્મેટમાં ક્રિકેટ રમ્યો છે. ભારતીય ટીમ માટે તેણે ૬૪ ટેસ્ટ-મૅચમાં ૨૨૯, ૧૦૧ વન-ડે મૅચમાં ૧૯૫ અને ૨૩ T20 ઇન્ટરનૅશનલ મૅચમાં ૨૪ વિકેટ ઝડપી છે.

mohammed shami cricket cricket news test cricket t20 international sports sports news indian cricket team india