આજે વિરાટ @ ૫૦?

12 November, 2023 01:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે નેધરલૅન્ડ્સ સામેની મૅચમાં ભારતના મહત્ત્વના ખેલાડીને આરામ આપવો કે નહીં એ બાબતે અસ્પષ્ટતા

વિરાટ કોહલી

આખો દેશ દિવાળીના તહેવારની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આજે નેધરલૅન્ડ્સ સામેની બૅન્ગલોરમાં રમાનારી મૅચમાં ભારતીય બૅટર ૫૦મી વન-ડે સદી કરી એક નવો રેકૉર્ડ બનાવે એવી આશા વિરાટ કોહલી સહિત તમામ ક્રિકેટચાહકો રાખી રહ્યા છે. ભારતે આ વર્લ્ડ કપમાં તમામ ટીમો પર દબદબો જાળવ્યો છે. બીજી તરફ નેધરલેન્ડ્સે અપેક્ષા કરતાં સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ બુધવારે ન્યુ ઝીલૅન્ડ સામે રમાનારી સેમી ફાઇનલ મૅચ પહેલાં શું ભારત પોતાના મહત્ત્વના ખેલાડીઓને આરામ આપશે કે નહીં એ પ્રશ્ન પણ છે.
બુમરાહને અપાશે આરામ?
ભારતના હેડ કોચ રાહુલ દ્રવિડે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘ભારત ખાસ કોઈ મોટા ફેરફાર કરવાના મૂડમાં નથી, પરંતુ પોતાનો પહેલો વર્લ્ડ કપ રમી રહેલા પ્રસિદ્ધ ક્રિષ્ણાને રમાડવાની લાલચ રોકી શકતું નથી. વળી ઑસ્ટ્રેલિયા સામે પહેલી મૅચ રમનાર રવિચન્દ્રન અશ્વિનને કુલદીપ યાદવને બદલે તક આપી શકે છે.’ ભારતીય ટીમ તરફથી બુમરાહને આરામ આપવામાં આવે એવી શક્યતાને સાવ નકારી શકાય નહીં. 
બૅન્ગલોરમાં બનાવશે રેકૉર્ડ
વિરાટ કોહલી આઇપીએલમાં બૅન્ગલોર તરફથી રમે છે. વળી નેધરલૅન્ડ્સ જેવી પ્રમાણમાં નબળી ટીમ સામે અહીં જ નવો રેકૉર્ડ બનાવે એવી શક્યતાને ​નકારી શકાય નહીં. કલકત્તામાં સાઉથ આફ્રિકા સામે રમાયેલી મૅચમાં કોહલીએ સચિન તેન્ડુલકરની ૪૯મી વન-ડે સદીના રેકૉર્ડની બરાબરી કરી હતી. કોહલીએ અત્યાર સુધી ટુર્નામેન્ટમાં ૫૪૩ રન બનાવ્યા છે. પહેલી વખત તેણે વર્લ્ડ કપમાં ૫૦૦ કરતાં વધુ રનના આંકને વટાવ્યો છે. ટીમ મૅનેજમેન્ટ ઇચ્છશે કે સૂર્યકુમાર યાદવ પણ સારું પ્રદર્શન કરે, કારણ કે તેણે ચાર મૅચમાં કુલ ૮૫ રન બનાવ્યા છે.

કોહલીએ સ્પોર્ટ્‍‍‍સ સાઇકોલૉજિસ્ટને આપ્યું શ્રેય
વિરાટ કોહલી સાઉથ આફ્રિકાના સ્પોર્ટ્‍‍‍સ સાઇકોલૉજિસ્ટ પૅડ્ડી અપ્ટોન માટે ઘણો આદર ધરાવે છે. એના મતે પૅડ્ડી અપ્ટોને ગયા વર્ષે ઑસ્ટ્રેલિયામાં રમાયેલા વર્લ્ડ કપ દરમ્યાન ક્રિકેટનું ફોર્મ પાછું મેળવવામાં ઘણી મદદ કરી હતી. કોહલીએ પાકિસ્તાન સામેની મૅચમાં ૫૩ બૉલમાં ૮૨ રન બનાવ્યા હતા, જેમાં પાકિસ્તાનના બોલર હૅરિસ રઉફના બૉલમાં સિક્સર સામેલ છે. પૅડ્ડી અપ્ટોન ભારતના ૨૦૧૧ વર્લ્ડ કપમાં ગૈરી કર્સ્ટનનો અસિસ્ટન્ટ હતો, જેને મેન્ટલ કન્ડિશનિંગ કોચ તરીકે ૨૦૨૨ દરમ્યાન બોલાવવામાં આવ્યો હતો. કોહલીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘પૅડ્ડી અપ્ટોન પોતે પણ ક્રિકેટ રમ્યો હતો એથી તે જાણતો હતો કે ક્રિકેટરને કેવા-કેવા પડકારોનો સામનો કરવો પડે છે. કેટલા સેન્ટિમીટર અથવા ઇંચથી તમે રનઆઉટ થઈ શકો છે.’ 
પાકિસ્તાન સામે મૅચ જીતી હતી એના બીજા દિવસે દિ‍વાળી હતી. કોહલીએ કહ્યું કે ‘અનુષ્કાએ મને જણાવ્યું કે તારી એ ઇનિંગ્સને કારણે દેશભરમાં લોકોના ચહેરા પર કેવો આનંદ હતો.’

world cup gujarati mid-day sports news cricket news virat kohli